Apna Mijaj News
'ખબર' કોની 'ખબર' લઈ નાખશે?

સરકાર, હવે તો શોષણ બંધ કરો!

રાજ્યમાં કાર્યરત મહિલા સુરક્ષાના સખીવન સ્ટોપ સેન્ટરો પૈકી પાંચ જિલ્લાના સેન્ટરોમાં ફરજ બજાવતી બહેનોના દોઢ વર્ષથી પગાર નથી અપાયા

મહિલા ઉત્થાનની વાતો કરતી ભાજપ સરકારમાં મહિલા માટે જ રાત દિવસ કામ કરતી સખીઓને ઘર ચલાવવા માટે પણ ફાંફા પડી રહ્યા છે

સખીવન સેન્ટરમાં આશ્રિત મહિલાઓની સુરક્ષાથી લઈ તમામ પ્રકારની સાર સંભાળ રાખતી સખીઓ પગારથી વંચિત રહેતા આર્થિક સંકળામણમાં

• મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકળાયેલાં જવાબદારો કહે છે કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવી નથી એટલે પગાર કરાયો નથી?!

અમદાવાદ: સંજય જાની

     કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત તમામ રાજ્યોમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશરે તથા સંકલિત સેવાઓ પૂરી પાડવા માટે વર્ષ 2016 ના ઓગસ્ટ મહિનાથી વન સ્ટોપ સેન્ટર યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના પણ અંદાજે 33 જેટલા જિલ્લામાં સખીવન સ્ટોપ સેન્ટર યોજના અમલી બનાવીને આ યોજના હેઠળ ઓએસસી સેન્ટર 24 કલાક અને 365 દિવસ ચાલુ રાખીને મહિલાઓની સેવામાં કાર્યરત રહે છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ રાત દિવસ જોયા વગર અહીં પીડિત તેમજ નિરાશ્રિત મહિલાઓને જરૂર હોય તેવી તમામ સુવિધાઓ સરકારના નીતિ નિયમ મુજબ પૂરી પાડતી હોય છે. જોકે પીડિત મહિલાઓ માટે સરકારના હેતુને બર લાવવા સખી વન સ્ટોપ સેન્ટરમાં ફરજ બજાવતી ગુજરાત રાજ્યના 33 સેન્ટરો પૈકીના પાંચ સેન્ટરોની મહિલાઓને છેલ્લા દોઢ બે વર્ષથી પગારથી વંચિત રાખવામાં આવતા તેઓને આર્થિક સંકળામણના કારણે ઘર ચલાવવાના પણ ફાંફા પડી ગયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આમ સરકાર, મહિલા ઉત્થાનની જાહેરાતો કરે છે. પરંતુ તેમની કર્મચારી મહિલાઓનું આર્થિક શોષણ પણ કરતી હોવાની બાબત ઉજાગર થઈ છે.

        રાજ્યના અંદાજે 33 જેટલા જિલ્લાઓમાં કાર્યરત સખીવન સ્ટોપ સેન્ટરમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે ખરા અર્થમાં ‘સખી’ તરીકેની પોતાની ફરજ સરકારના નીતિ નિયમ મુજબ સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી બજાવી રહી છે. પરંતુ 33 જેટલા જિલ્લાઓમાં કાર્યરત સખીવન સ્ટોપ સેન્ટરો પૈકીના મહેસાણા, સાબરકાંઠા, તાપી, પોરબંદર અને મહીસાગર જિલ્લાના સેન્ટરોમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને છેલ્લા દોઢ બે વર્ષથી પગારનું ચુકવણું કરવામાં આવ્યું નથી. જેને લઈને સખીવન સ્ટોપ સેન્ટરમાં 24 કલાક 365 દિવસ પીડીતા મહિલાઓ માટે કાર્યરત સખીઓને ઘર ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે. જોકે આ અંગે સખી વન સ્ટોપની કર્મચારી મહિલાઓએ બાળકો કાઢતા કહ્યું હતું કે ગાંધીનગર સ્થિત જીવરાજ મહેતા ભવન ખાતે આવેલી મહિલા અને બાળ વિકાસની કચેરીના જવાબદારો સુધી વાત પહોંચાડી છે પરંતુ અહીંના અધિકારીઓ દ્વારા કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવી ન હોવાથી પગાર થઈ શક્યો ન હોવાના બહાના આપવામાં આવી રહ્યા છે.

કયા કયા જિલ્લામાં કેટલા સમયથી પગાર નથી થયો?

     રાજ્યના પાંચ જિલ્લાઓમાં કાર્યરત સખીવન સ્ટોપ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓને પગારનો ચુકવણું નહીં કરાતા મહિલા કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ છે. જાણકારી મુજબ મહેસાણા સખીવન સ્ટોપ સેન્ટરમાં છેલ્લા દોઢ વર્ષથી, સાબરકાંઠામાં બે વર્ષથી, મહીસાગરમાં આઠ મહિનાથી, તાપીમાં એક અને પોરબંદરમાં એક વર્ષથી પગારનું ચુકવણું કરવામાં આવ્યું નહીં હોવાની ચર્ચા ઉઠી છે.

• ‘સખીઓ’એ પગાર મુદ્દે આવેદનની વાત કરી તો અધિકારીઓએ દબાવી દીધાં

         સખીવન સ્ટોપ સેન્ટરમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને છેલ્લા દોઢ બે વર્ષથી પગાર નહીં ચુકવાતા તેઓએ પોતાના મહેનતની કમાણી જે તે વિભાગ પાસેથી લેવા માટે આવેદનપત્ર આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ મહિલા અને બાળ વિકાસ કચેરીના કહેવાતા અધિકારીઓએ મહિલા કર્મચારીઓને જો તમે આવું કરશો તો નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે તેવું કહીને તેમને દબાવી દીધા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.

સેન્ટરની મહિલાઓ છેલ્લા દોઢ વર્ષથી પોતાના માટે સારા કપડાં કે કટલેરી નથી ખરીદી શકી

           સખીવન સેન્ટરમાં ફરજ બજાવતી મહિલાઓને નિયમિત રીતે પગારનું ચૂકવણું નહીં કરાતા તેમની આર્થિક પરિસ્થિતિ એટલી હદે કથડી ગઈ છે કે તેમને ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. એટલું જ નહીં અમુક મહિલા કર્મીઓએ આંખમાંથી આંસુ સારીને હૃદયનો બળાપો ઠાલવતાં કહ્યું હતું કે છેલ્લા દોઢ બે વર્ષથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પગારનો ચુકવણું નહીં કરાતા અમે અમારા માટે સારા કપડાં કે શૃંગાર માટે કટલરી પણ વસાવી શક્યા નથી. છેલ્લા ત્રણ વર્ષથી સેન્ટરો ઉપર પોતાની ફરજ 24 કલાક બજાવીએ છીએ અને સરકારનો જે હેતુ છે તે પાર પડે તેનામાં સ્હેજ પણ કચાશ રાખતા નથી પરંતુ સરકારમાં બેઠેલા લોકો તેમજ અધિકારીઓ અમારી વ્યથા સમજતા નથી તેનું ભરપૂર દુઃખ છે.

આશ્રિત મહિલાઓને ક્યાંકથી ઉધાર પૈસા લાવીને ચા નાસ્તો કરાવો પડે છે

       સખી વન સ્ટોપ સેન્ટરમાં સરકારની યોજના મુજબ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને તાત્કાલિક તબીબી સહાય, મફત કાનૂની સહાય અને કાયદાકીય માર્ગદર્શન, પોલીસ સહાય, કાઉન્સેલિંગ, પીડિતાને રહેવાની સગવડ ન હોય તેવા કિસ્સામાં પાંચ દિવસ સુધી મફત રહેઠાણ અને વિનામૂલ્યે જમવાનું પણ આપવામાં આવે છે. પરંતુ ક્યારેક આશ્રિત મહિલાને સવારમાં ચા નાસ્તાની જરૂરિયાત હોય ત્યારે સેન્ટરની કર્મચારી મહિલાઓને પગાર મળ્યો ન હોવાથી ક્યાંકથી ઉછીના પૈસા લાવીને તેમાંથી આશ્રિત મહિલાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવતી હોવાની બાબત પણ સપાટી પર આવી છે.

મહિલા ઉત્થાનની વાતોના તાયફા વચ્ચે મહિલા કર્મચારીઓનું જ આર્થિક શોષણ આ ક્યાંનો ન્યાય?

           કેન્દ્ર અને ગુજરાત રાજ્યમાં સત્તા સ્થાને બેઠેલી ભારતીય જનતા પાર્ટી અને તેમના રાજનેતાઓ દેશ અને રાજ્યની મહિલાઓના ઉત્થાન માટે વર્ષે દહાડે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે. સંભવત એથી પણ મહિલા ઉત્થાનની જાહેરાતો પાછળ વધુ ખર્ચ કરીને તાયફા માત્ર કરવામાં આવતું હોય તેવું જણાઈ આવે છે. જો ખરા અર્થમાં સરકારને મહિલા નાગરિકોની ચિંતા હોય તો તેમની યોજનાઓને સાકાર કરવા રાત દિવસ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનું આ રીતે ગ્રાન્ટના અભાવે નાણાં નહીં ફાળવીને આર્થિક શોષણ કરવું તે ક્યાંનો ન્યાય છે? તેવો વેધક પ્રશ્ન પણ પગારથી વંચિત રહીને દુઃખી થયેલી મહિલા કર્મચારીઓ સરકારને કરી રહી છે. આ પણ એક વાસ્તવિકતા દેખાઈ રહી છે.

Related posts

કલોલ પાલિકા પ્રમુખ ગ્યા,નવા (ઈ.) પ્રમુખ આવશે!

ApnaMijaj

મહેસાણા પાલિકામાં કોઈ બુદ્ધિશાળી હોય તો કહેજો!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!