



તાલુકા વિકાસ અધિકારીએ બિનખેતીની પરવાનગી આપી પછી ખરા અર્થમાં કોનો વિકાસ થઈ ગયો?!
નાગલપુરની મહાદેવ બંગલો સોસાયટીમાં શરત ભંગ થયો: પ્રશ્ન લોક દરબારમાં ઉઠ્યો પણ કાર્યવાહી ના થઈ!
• વર્ષ 2011માં કલેકટરના લોક દરબારમાં લોક પ્રશ્નોનું નિરાકરણ નથી થતું તે પણ હકીકત હોવાનું બહાર આવ્યું
• નાગલપુર સીમ રેવન્યુ સર્વે નં. 452માં મકાનો બાંધવા લેઆઉટ પ્લાન બન્યા પછી ખોટું કરવા વાળા કોણ?
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
(દબાણ હટાવ અભિયાન ભાગ:૨)
મહેસાણાના નાગલપુર ગામની સીમના રેવન્યુ સર્વે નં. 452ની જમીન બિન ખેતીમાં ફેરવવા માટે મહેસાણાના તાલુકા વિકાસ અધિકારી પાસે પરવાનગી માંગવામાં આવી હતી. જેની પરવાનગી મળી ગયા બાદ તેમાં રહેણાક મકાન બાંધવા લેઆઉટ પ્લાન તૈયાર કરીને તત્કાલીન ગ્રામ પંચાયત પાસે રજા ચિઠ્ઠી માગવામાં આવી હતી. જે રજા ચિઠ્ઠી ગામના સરપંચના સહી સિક્કા સાથે મંજૂર પણ કરી દેવામાં આવી. જોકે, રહેણાંક મકાન બાંધનારાએ કુલ 63 પ્લોટ પાડવાની પરવાનગી માંગી હતી જેના બદલે વધુ પ્લોટો પાડીને શરત ભંગ કરાયો હોવાના આક્ષેપ સાથે વર્ષ 2011માં જિલ્લા કલેકટરના લોક દરબારમાં પ્રશ્ન રજૂ કરીને વાંધાજનક દબાણ હટાવવાની માગણી વિષ્ણુભાઈ પટેલ નામના અરજદારે કરી હતી. જોકે 14 વર્ષ પછી પણ અરજદારને તેમના પ્રશ્નોનો જવાબ મળ્યો નથી. આમ, તાલુકા વિકાસ અધિકારીએ બિનખેતી જમીનની પરવાનગી આપ્યા બાદ કોનો વિકાસ થઈ ગયો તેનો જવાબ પણ આપવા આજનું વહીવટી તંત્ર તૈયાર નથી.
નાગલપુરમાં આવેલ મહાદેવ બંગલોઝ સોસાયટીનું બાંધકામ સત્તાધિશોને અંધારામાં રાખીને અથવા તો તેમને ખિસ્સામાં રાખીને કરવામાં આવી હોવાના આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 14 વર્ષથી મહાદેવ બંગલોઝ સોસાયટીના બાંધકામમાં શરત ભંગ તેમજ ગેરકાયદે દબાણ કરીને સત્તાધીશો સમક્ષ રજુ કરેલા લે આઉટ પ્લાનથી વિરુદ્ધ જઈને બિલ્ડરે કરેલા કારનામા અંગે અરજદારે જિલ્લા કલેકટરથી માંડીને રાજ્યકક્ષાના મંત્રી સુધી રજૂઆતો કરેલી છે. તેમ છતાં તેમની રજૂઆતોને કાને ન ધરવામાં આવી હોય તે રીતનું વર્તન વહીવટી તંત્રનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અરજદારે કરેલા આક્ષેપો પ્રમાણે જો વહીવટી તંત્રના અધિકારીઓએ સંપૂર્ણ ઈમાનદારી અને નિષ્ઠાથી તપાસ કરીને કાર્યવાહી કરી હોત તો આજે ફાટીને ધુમાડે ગયેલા ગેરકાયદે બાંધકામ કરવા વાળા તત્વો કાયદાનો પદાર્થ પાઠ ભણીને બેઠા હોત અને તેમણે ઊભી કરેલી ગેરકાયદે ઇમારતો જમીન દોસ્ત થઈ ગઈ હોત. પરંતુ અહીં સત્તાધીશોને જાણે ખરીદી લેવામાં આવ્યા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે.
