નવી દિલ્હી: ભારતીય મહિલા અન્ડર-19 ટીમે રવિવારે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય પ્રથમ ટીમ વર્લ્ડ કપ જીતી છે. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 18મી ઓવરમાં જ ઈંગ્લેન્ડને ઓલઆઉટ કરી હતી. જીત બાદ BCCI સેક્રેટરી જય શાહે મહિલા ટીમ અને સ્ટાફ માટે ઈનામી રકમની જાહેરાત કરી હતી.
જય શાહે ટ્વીટ કર્યું હતું કે, ભારતમાં મહિલા ક્રિકેટ વધી રહ્યું છે અને વર્લ્ડ કપ જીતી મહિલા ક્રિકેટનો દરજ્જો ઊંચો કર્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે આખી ટીમ અને સપોર્ટ સ્ટાફને 5 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.
મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય બોલર તિતાસ સાધુને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 6 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડની ગ્રેસ સ્ક્રિવેનને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જીત પછી શેફાલી વર્માએ પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું, “છોકરીઓ જે રીતે પ્રદર્શન કરી રહી છે અને એકબીજાને સપોર્ટ કરી રહી છે. હું તેનાથી ખૂબ જ ખુશ છું. સરસ લાગે છે. સ્ટાફનો પણ આભાર, જે રીતે તેઓ અમને ટેકો આપી રહ્યા છે. તેઓ અમને કહી રહ્યા છે કે અમે અહીં માત્ર વર્લ્ડ કપ જીતવા આવ્યા છીએ. તેમનો ખૂબ ખૂબ આભાર. મને આટલી સુંદર ટીમ આપવા માટે BCCIનો ખૂબ ખૂબ આભાર. હું વર્લ્ડ કપ જીતીને ખૂબ જ ખુશ છું.
ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2023નું ટાઇટલ કબજે કર્યું છે. ભારતીય ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. સૌમ્યા તિવારી, ત્રિશા અને અર્ચના દેવીએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અર્ચના, પાર્શ્વી ચોપરા અને તિતાસ સાધુએ 2-2 વિકેટ લીધી હતી. શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ભારતે આ ખિતાબ જીત્યો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શ્વેતા સેહરાવત ટોચ પર છે.
ઈંગ્લેન્ડની અંડર-19 મહિલા ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 68 રનના ઓલઆઉટ થઇ ગઇ હતી. દરમિયાન રાયનાએ 24 બોલમાં 19 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. કેપ્ટન ગ્રેસી માત્ર 4 રન બનાવીને આઉટ થઇ હતી. ઇંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન પાર્શ્વી ચોપરાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્ચના દેવીએ 3 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. તિતાસ સાધુએ 4 ઓવરમાં માત્ર 6 રન આપ્યા અને 2 વિકેટ પોતાના નામે કરી. કેપ્ટન શેફાલી વર્માને પણ સફળતા મળી. તેણે 2 ઓવરમાં 16 રન આપ્યા હતા. સોનમ યાદવ અને મન્નત કશ્યપે એક-એક વિકેટ લીધી હતી.