મહેસાણા જિલ્લામાં એક સંયુક્ત પરિવારનું સુખી લગ્નજીવન પેઇંગ ગેસ્ટના આગમનથી ખોરંભે ચડ્યું હતું.
•પત્નીના પ્રેમસંબંધ અને પતિની શંકાએ ઘરમાં કંકાસ ઉભો કર્યો, પરંતુ PBSCની સમજાવટે મામલો થાળે પાડ્યો.
મહેસાણા:
મહેસાણા જિલ્લામાં રહેતા એક દંપતીનું 35 વર્ષનું લગ્નજીવન બે બાળકો સાથે સુમેળભર્યું અને સુખી હતું. ઘર-સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો, પરંતુ બે મહિના પહેલાં પત્નીએ ધર્મનો ભાઈ બનાવી એક યુવકને પેઇંગ ગેસ્ટ તરીકે ઘરે રાખ્યો. આ યુવક માટે મહિને 7,000 રૂપિયાના ખર્ચા પેટે નક્કી કરાયું હતું. જોકે, ધીમે-ધીમે આ યુવક અને પત્ની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો, જે એટલો ગાઢ બન્યો કે પત્ની પોતાના પતિ કરતાં પેઇંગ ગેસ્ટને વધુ મહત્ત્વ આપવા લાગી હતી. આ દરમિયાન, પતિ થોડા સમય માટે બહારગામ ગયા હતા. પરિવારની આર્થિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી, પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકે પરિવારને આર્થિક મદદ કરી હતી. પરંતુ જ્યારે પતિ ઘરે પરત ફર્યો ત્યારે તેને પોતાની પત્ની અને યુવક વચ્ચેના પ્રેમસંબંધની શંકા થઈ ગઈ હતી. આ શંકા સમય જતાં વધુ ગાઢ બની, કારણ કે પત્ની વારંવાર બહાના બનાવી પતિ સાથે ઝઘડા અને મગજમારી કરવા લાગી હતી.
આ પરિસ્થિતિથી કંટાળીને પતિએ યુવકને ઘર છોડી જવા જણાવ્યું, પરંતુ પત્ની આ યુવકના પ્રેમમાં એટલી ડૂબી ગઈ હતી કે તેણે યુવક સાથે જ રહેવાનું નક્કી કર્યું. આથી પતિ નિરાશ થઈ ઘર છોડી બહાર નીકળી ગયો. અંતે તેણે એક વકીલની સલાહથી મહેસાણા ખાતે PBSC (પરિવાર બચાવ સેલ) મહિલા સહાયતા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. PBSCના કાઉન્સેલર હેતલબેન પરમારે આ મામલે દરમિયાનગીરી કરી અને બંને પક્ષોને બોલાવી કાઉન્સેલિંગ હાથ ધર્યું. કાઉન્સેલિંગ દરમિયાન યુવકે જણાવ્યું કે, જો તેની આર્થિક મદદની રકમ પરત કરવામાં આવે તો તે ઘર છોડી જશે. હેતલબેન પરમારની સમજાવટ અને મધ્યસ્થીથી આખરે મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો. પરિવારમાં ફરી સુમેળ સ્થપાયો, અને પેઇંગ ગેસ્ટના પ્રેમનો પ્રસંગ થાળે પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.