• કુદરતી આપત્તિ જેવા સંજોગોમાં હેમ રેડિયો પ્રત્યાયન માટેનું અત્યંત મહત્વનું સાધન
હેમફેસ્ટ ઇન્ડિયા 2023 ઈવેન્ટ વિશે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને અન્ય માહિતી માટે વેબસાઈટ તથા ઇવેન્ટ લોગો લોન્ચ કરવામાં આવ્યો
• 25 અને 26 નવેમ્બર 2023 ના રોજ ‘હેમફેસ્ટ ઈન્ડિયા 2023’ અંતર્ગત હેમ રેડિયો અંગે ટેકનિકલ સત્રો, વર્કશોપ પ્રવૃત્તિઓ અને પ્રદર્શન સેમિનાર યોજાશે
અમદાવાદ: સંજય જાની
‘હેમફેસ્ટ ઈન્ડિયા’ તરીકે ઓળખાતા હેમ રેડિયો ઓપરેટરનું સૌથી મોટું વાર્ષિક ‘ગેટ ટુ ગેધર’ દર વર્ષે દેશભરના વિવિધ શહેરોમાં યોજાય છે. વર્ષ 2023 માટે હેમફેસ્ટ ઈન્ડિયાનું આયોજન ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR) દ્વારા કરવામાં આવી રહ્યું છે. હેમફેસ્ટ એ 2 દિવસની સેમિનાર પ્રકારની ઇવેન્ટ છે, જેમાં દેશભરમાંથી 600 થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે.’હેમફેસ્ટ ઈન્ડિયા 2023′ અંતર્ગત હેમ રેડિયો અંગે ટેકનિકલ સેશન, વર્કશોપ પ્રવૃત્તિઓ અને પ્રદર્શન યોજાશે. HFI-2023 ઇવેન્ટ 25 અને 26 નવેમ્બર, 2023 ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાશે. હેમફેસ્ટ વિશે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને અન્ય માહિતી માટે વેબસાઈટ તથા ઈવેન્ટનો લોગો લોન્ચ કરવામાં આવ્યો. હેમફેસ્ટ એ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેને હોસ્ટ કરવાની તક આ વર્ષે ગુજરાત રાજ્યને મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હેમ રેડિયો એ કુદરતી આપત્તિ જેવા સંજોગોમાં પ્રત્યાયન માટેનું અત્યંત મહત્વનું સાધન છે. ‘હેમફેસ્ટ ઈન્ડિયા’ જેવા કાર્યક્રમો દ્વારા આજની યુવા પેઢી હેમ રેડિયો સાથે જોડાય અને દેશ તથા સમાજ માટે કુદરતી આપત્તિઓના સમયમાં હેમ રેડિયો દ્વારા પોતાનું યોગદાન અર્પે એવા પ્રયત્નો કરવામાં આવે છે.
આ લોગો અને વેબસાઈટ લોંચિંગ તથા રજીસ્ટ્રેશન પ્રક્રિયાના અનાવરણ પ્રસંગે સાયન્સ સિટીના મેનેજર ડો. વ્રજેશ પરીખ ,GIAR ના જનરલ સેક્રેટરી ડો. જગદીશ પંડ્યા, સાલ કોલેજના ડાયરેકટર ડો. રૂપેશ વસાણી ,સિનિયર હેમ ડો. પ્રદીપ બક્ષી ,GIAR ના જોઇન્ટ સેક્રેટરી અને હેમફેસ્ટ ઈન્ડિયા 2023ના કો-કન્વીનર પ્રવીણ વાલેરા સહિત રાજ્યભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી આવેલા હેમ ઓપરેટર ઉપસ્થિત રહ્યા હતા