સ્ટેટ સાયબર ક્રાઈમના હેલ્પલાઈન 1930 ઉપર ફરિયાદ મળી હતી કે, કોઈ સાયબર ગઠીયાએ વોટ્સએપ એકાઉન્ટ હેક કરી ભોગ બનનારના મિત્રોને પૈસાની જરૂર હોવાનું જણાવીને પૈસા પડાવી લઇ છેતરપીંડી આચરી છે. આ અન્વયે સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી બેંક એકાઉન્ટ તથા મોબાઇલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ભરતસંગ ટાંક, પીઆઇ જે.એસ.પટેલ, ગીતાબેન રબારી, કોન્સ્ટેબલ હિતેશ ડાભી, અજયરાજસિંહ જાડેજા, દ્રષ્ટિબેન રામાવત તેમજ ટેકનીકલ ટીમના પી.એસ.આઇ ડી આર પટેલ, કોન્સ્ટેબલ મૌલિક પટેલ સહિતનાઓએ આ બાબતે એનાલિસિસ કર્યું હતું.
સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે મેળવેલા મોબાઈલ નંબરના સી.ડી.આર. મંગાવીને IMEIની માહિતીનું એનાલીસીસ કરતા એક શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જે ઓપન સોર્સ મારફતે ચેક કરાવતા ‘College Fees Fraud’ એવુ નામ મળી આવતા આ બાબતે વધુ સઘન તપાસ કરી શંકાસ્પદ મોબાઇલ નંબરની વિગતો મેળવી લોકેશન મેળવ્યું હતું. મધ્યપ્રદેશના અનુપપુર જીલ્લાના બદરા ગામનું લોકેશન આવતા સાયબર પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈને વોચ ગોઠવી આરોપી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તા (રહે.વોર્ડ નં.03, બદરા, કેવત મહોલ્લા, બદરા કોલોની, કોટમા, તા.જી.અનુપપુર, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી છે કે, તે શાળા તેમજ કોલેજની છોકરીઓને ટાર્ગેટ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને અલગ-અલગ રાજ્યોની આશરે 100 થી વધુ છોકરીઓને ટાર્ગેટ કરી તેમના વોટ્સએપ હેક કરી છેતરપીંડી કરી છે. આરોપી પાસેથી સાયબર ક્રાઈમ સેલે 2 મોબાઇલ ફોન, 2 ચેકબુક, 11 સીમકાર્ડ, 2 પાસબુક અને 12 ડેબિટ કાર્ડ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.