• કડા ગામના અનોપસિંહ ચાવડા પર રાજકીય કુટુંબનો સામૂહિક હુમલો
• છરી વડે નાક અને ધોકા પાઇપ ના કારણે અન્ય ભાગે ઈજા છતાં તબીબો અને પોલીસે સારવારમાં મદદ નહીં કરી
• આરોપી ભાજપના કાર્યકર અને મંત્રી સાથે સંબંધ હોવાને લીધે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા
•અનોપસિંહની ફરિયાદ પછી જશવંતસિંહે લૂંટની ફરિયાદ દાખલ કરાવી, પીડિત રાજ્યપાલ સુધી પહોંચ્યા
વિસનગર:(અપના મિજાજ ન્યુઝ)
વિસનગર તાલુકામાં રાજકીય પ્રભાવ અને દબાણ હેઠળ ન્યાય મેળવવો કેટલો મુશ્કેલ બની જાય છે, તેનો જીવંત ઉદાહરણ કડા ગામના અનોપસિંહ વિક્રમસિંહ ચાવડાએ ભોગવ્યું છે. તેઓ ગામે પોતાની કાર લઈને સંબંધીની રાહ જોઈ રહ્યાં હતા ત્યારે જ ગામના જ ભાજપના રાજકીય કાર્યકર અને વિસનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકબા ચાવડાના પતિ જશવંતસિંહ ધોરાજી ચાવડાએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જશવંતસિંહે “ઘરના બહાર ગાડી કેમ ઉભી રાખી છે?” તે વાતને લઈ અનોપસિંહને અપશબ્દો કહ્યા હતા. અનોપસિંહે અપશબ્દો નહીં બોલવાનું કહેતાં જશવંતસિંહે છરી વડે હુમલો કરતા અનોપસિંહને નાકના ભાગે ઈજા પહોંચી હતી.બંને વચ્ચેની તકરારમાં પરિસ્થિતિ એટલી બગડી કે જશવંતસિંહ તથા તેમના પરિવારના સભ્યો દિવ્યરાજસિંહ, નયનસિંહ, ભૂરાજી અને નીતાબા પણ અનોપસિંહ પર ધોકા અને લોખંડના પાઇપ વડે તૂટી પડ્યાં હતા. સામૂહિક હુમલાની ઘટનામાં અનોપસિંહે પોલીસમાં ધારા 307 (હત્યાના પ્રયાસ) સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદ છતાં વિસનગર પોલીસ ફરીયાદીને નહીં પણ આરોપી પક્ષને બચાવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જશવંતસિંહે ઉલટા અનોપસિંહ સામે લૂંટની બોગસ ફરિયાદ નોંધાવી હોવાનો ખુલાસો અનોપસિંહે કર્યો છે. વિસનગર તાલુકા પોલીસના પીઆઇ સહિતનો સ્ટાફ રાજકીય નેતાઓના ઇશારે કામ કરી રહ્યો હોવાનું જણાઈ આવતાં અનોપસિંહે રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનાઓને એક પત્ર લખી રજુઆત કરી છે. અનોપસિંહના આક્ષેપો મુજબ હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલ ગયા તો તબીબોએ પોલીસ દબાણ હેઠળ યોગ્ય સારવાર પણ આપી નથી. ચર્ચા એવી છે કે જશવંતસિંહના રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાથી સમગ્ર તંત્ર મૌન છે. સ્થાનિક સ્તરે ભારે રોષ ફેલાયો છે અને લોકો પૂછે છે કે જો એક સામાન્ય નાગરિક પર થયેલા હુમલામાં પણ ન્યાય ન મળે, તો હવે કોની પાસે દાદ માંગવી?
• ફરિયાદીની ઉચ્ચકક્ષાએ પત્ર લખી સક્ષમ તપાસની માંગ
રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, DGP અને જિલ્લા કલેક્ટરને પત્ર લખી રાજ્યના રાજકીય દબાણ હેઠળ ચાલી રહેલા પોલીસ તંત્ર સામે સક્ષમ તપાસની માંગ કરી ન્યાય મેળવવા ફરિયાદી અનોપસિંહ ચાવડા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.
• તબીબો પણ રાજકીય ભલામણ સામે ઝૂકી ગયા
જશવંતસિંહે છરી વડે કરેલા હુમલામાં અનોપસિંહને નાક તેમજ અન્ય હથિયારોથી થયેલા હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે પરંતુ હોસ્પિટલના તબીબો પણ રાજકીય ભલામણ સામે ઝુકી ગયા અને સહયોગી નહીં બન્યા હોવાનો આરોપ પણ રાજ્યપાલને લખાયેલા પત્રમાં લગાવવામાં આવ્યો છે.
આક્ષેપ છે કે આરોપી જશવંતસિંહને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલનો સીધો ટેકો છે. તેના કારણે સ્થાનિક પોલીસ એકતરફી કાર્યવાહી કરી રહી છે. એટલું જ નહીં ફરિયાદી અનોપસિંહ ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેને હોસ્પિટલમાંથી પરાણે ડિસ્ચાર્જ કરાવીને પોલીસ મથક લાવવામાં આવ્યો હોવાની ચર્ચાએ કડા સહિતના વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.
•નિષ્પક્ષ તપાસ થાય તો પીઆઇ ભરવાડ ભૂ પીતા ને જશવંતસિંહને ઝાડા થઈ જાય તેવી ચર્ચા
આ મુદ્દે નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય હકીકત પ્રકાશમાં આવે તો મંત્રીના દબાણ હેઠળ આવીને યુનિફોર્મની ગરીમાં ભૂલેલા તાલુકા પીઆઇ ભરવાડ ભૂ પીતા અને આરોપી જશવંતસિંહને ઝાડા થઈ જાય તે તરફની પણ કાર્યવાહી થઈ શકે તેમ હોવાનું સમગ્ર વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે.