•અડધી રાત્રે બીમારી કે અન્ય તાકીદની જરૂરિયાત સમયે બેંક નહીં પરંતુ આર્થિક સંપન્ન લોકો જ વ્યાજે નાણા ધીરે છે
• સરકારની વ્યાજખોરો સામે ધોંસ:જરૂરિયાતમંદોને લાભ કે નુકસાન? બંને તરફી ચર્ચા તેજ, વ્યાજે ફરતા રૂપિયા કોના છે? અટકળ અનેક
• જ્યારે લોકોને મુશ્કેલીના સમયમાં જરૂર હોય છે ત્યારે જ આર્થિક સંપન્ન લોકો પાસેથી વ્યાજે નાણાં લેવાય છે
• વ્યાજે નાણાં આપનાર લોકો ભલે બેંકની જેમ અનેક કાગળો પર દસ્તાવેજ નથી કરાવતા પણ મૌખિક બાંહેધરી લેતા હોય છે
• જરૂરિયાતમંદ પણ જબાન આપું છું તેમ કહીને નાણાં વ્યાજે લે છે. પરંતુ વ્યાજ કે મુડી ભરપાઈ ન કરી શકે ત્યારે વિવાદ ઊભો થતો હોય છે
• જોકે વ્યાજે નાણાં આપનાર લોકોની કડક ઉઘરાણીએ કેટલાયના જીવ લીધાં, પણ હવે આપનાર અને નાણાં લેનાર મુશ્કેલીમાં
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
રાજ્ય સરકારે વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી થકી ધોંસ બોલાવી છે. જેના કારણે લોકોને વ્યાજે નાણાં આપ્યા બાદ કડક ઉઘરાણી કરતાં વ્યાજખોરો સામે એક પછી એક એમ કરતાં અનેક લોકોએ પોલીસ ફરિયાદો કરી છે. જેને લઈને અમુક કિસ્સામાં પોલીસે વ્યાજખોરોની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હવે, વ્યાજે નાણાં આપનાર લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. બીજી એવી પણ એક ચર્ચા ઉઠી છે કે જ્યારે લોકોને રાત્રિના સમયે હોસ્પિટલ કે અન્ય તાકીદના વખતે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે આર્થિક સંપન્ન લોકોનાં આંગણે તેઓ પહોંચી જતા હોય છે અને વ્યાજે નાણાં લેતા હોય છે. કહેવાય છે કે અડધી રાત્રે કે પછી જરૂરિયાતના સમયે બેંક જેટલી આસાનીથી લોન નથી આપતી એટલી સરળતાથી આર્થિક સંપન્ન લોકો માત્ર મૌખિક બાંહેધરી ઉપર ‘સંબંધ પર ભરોસો’ રાખી જરૂરિયાતમંદોને વ્યાજ સહિતની ચર્ચા કર્યા પછી નાણાં ધીરે છે અને જરૂરિયાતમંદ મજબૂરી ગણો તો મજબૂરી કે અન્ય કંઈ કારણોસર ઊંચા વ્યાજે નાણાં લેતો હોય છે. જે બાદ વ્યાજ કે મૂળ રકમ ચૂકવી નહીં શકતાં કથિત શીરજોર વ્યાજખોરો કડક ઉઘરાણી કરે ત્યારે કાં તો નાણાં લેનાર વ્યક્તિ જીવન ટૂંકાવી દે છે અથવા તો તેવા પ્રયાસો કરી નાણાં ધીરનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા હોય છે. વર્તમાન સમયમાં વ્યાજખોરો વિરુદ્ધ ખુદ રાજ્ય સરકારે આકરા પગલાં લીધા છે ત્યારે હવે આર્થિક સંપન્ન લોકો વ્યાજે નાણાં આપતા નથી અને કહેવાય છે કે જરૂરિયાતમંદોને બેંક કોઈ કારણસર લોન નથી આપતી એટલે તેઓને તાકીદના સમયે નાણાં ન મળતા વ્યાજે નાણાં ધીરનાર અને લેનાર બંનેની હાલત કફોડી થઈ છે.
રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કે પછી આત્મહત્યા કરી લેવાના બનાવવામાં વધારો થતાં સરકારે વ્યાજખોરો સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. જેમાં પોલીસ પ્રશાસને લોક દરબાર યોજીને વ્યાજખોરો સામે ફરિયાદ કરવા નિડરતા પૂર્વક સામે આવવા લોકોને અપીલ કરતા અનેક લોકો વ્યાજખોરોની વિરુદ્ધમાં ઊભા થયેલા જોવા મળી રહ્યા છે. પોલીસને પણ જેમ બને તેમ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ મળતી જાય છે તેમ એક પછી એક વ્યાજખોરોની ધરપકડ કરી તેમની સામે કાનૂની કાર્યવાહી કરાઈ રહી છે. તો બીજી તરફ સરકારી પરવાના સાથે બેથી ત્રણ ટકા વ્યાજ લઈને નાણાં ધીરતા લોકોમાં પણ હવે ફફડાટ ઊભો થયો છે. કહેવાય છે કે તેઓએ પણ હવે વ્યાજ તો વ્યાજ મૂડીએ ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું માનીને વ્યાજે નાણા આપવાનું બંધ કરી દીધું છે જેના કારણે અનેક જરૂરિયાતમંદ લોકોની હાલત કફોડી બની ગઈ છે.
• બેંક આસાનીથી લોન આપતી નથી, શાહુકારો આર્થિક મદદ કરે છે
સરકારની વ્યાજખોરો સામેની કડક કાર્યવાહી બાદ લોકોમાં એક ચર્ચા એવી ઉઠી છે કે તેઓને જ્યારે આર્થિક જરૂરિયાત હોય ત્યારે આસાનીથી બેંક લોન આપતી નથી એટલે શાહુકારો પાસે આર્થિક મદદ લેવા જવું પડે છે. જેથી તેઓ ઊંચા વ્યાજે નાણાં આપે છે અને જરૂરિયાતમંદોને મજબૂરીવશ તે નાણાં લેવા પડતાં હોય છે. સમય જતાં વ્યાજે નાણાં લેનાર વ્યક્તિ વ્યાજ કે મૂડી ભરપાઈ ન કરી શકતાં કડક ઉઘરાણી થતા તે આત્મઘાતી પગલું ભરવા તૈયાર થઈ જાય છે અથવા તો અન્ય કોઈ જગ્યાએથી ઊંચા વ્યાજે નાણા લઈ પોતાના રોલ ફેરવતો હોય છે. સમય જતાં વ્યાજના ચક્રમાં ફસાઈ જતાં ના બનવી જોઈએ તેવી ઘટનાને અંજામ આપી દે છે.
• બેંકો પણ લોન આપ્યા બાદ રિકવરી એજન્ટો દ્વારા કડક ઉઘરાણી કરાવતી હોય છે
જાણકારોના જણાવ્યા પ્રમાણે જો કોઈ જરૂરિયાત મંદ લોકોએ યેનકેન પ્રકારે ખાનગી કે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લોન લીધી હોય અને સમયસર તેની ભરપાઈ ન કરી શકતા હોય તો બેંક સત્તાવાળાઓ પોતાના રિકવરી એજન્ટોને તેમના ઘરે મોકલીને નાણાં ભરપાઈ કરી દેવા માટે કડક ઉઘરાણી કરતા હોય છે. એક ચર્ચા તો એવી પણ છે કે બેંકના રિકવરી એજન્ટો લોન લેનાર વ્યક્તિને અને તેમના પરિવારનું અપમાન થઇ જાય તે હદેના શબ્દ પ્રયોગ ઘરના ઉંબરે ઉભા રહીને કરતા હોય છે અને જો તેમણે લોન દ્વારા કોઈ ચીજ વસ્તુ લીધી હોય તો પણ તે પરત લઈ જવા માટે ધાકધમકી કરતા હોવાના પણ દાખલા છે. પરંતુ આવા કિસ્સામાં લોનધારક આબરૂ બચાવવા તેઓની સામે મજબૂરીવશ કોઈ પોલીસ ફરિયાદ કરવા આગળ આવતા નથી. આ વાત પણ સનાતન સત્ય છે.
• જરૂર હતી ત્યારે વ્યાજે નાણાં લીધાં, હવે પરત નથી આપવા એટલે કાયદાનું શરણું લીધું
જાણકારોનું માનીએ તો વ્યાજખોરી અંગે કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિને આર્થિક જરૂરિયાત હોય છે ત્યારે તે નાણાં શોધવા નીકળી પડે છે. પછી તે બેંકમાં, ખાનગી ફાઈનાન્સર પાસે અથવા તો કોઈ શાહૂકાર પાસે જઈને નાણાંની માંગણી કરે છે. જેથી નાણાં આપનાર વ્યક્તિ તેની સાથે તમામ પ્રકારની વ્યાજ સહિતની ચર્ચા કરી કેટલા સમયમાં નાણાં પરત કરવામાં આવશે તે અંગેની બાંહેધરી લે છે. તમામ બાબતો સ્પષ્ટ કર્યા બાદ જરૂરિયાત મંદ વ્યક્તિ નાણાં વ્યાજે લે છે. જોકે બાદમાં કોઈ મજબૂરીવશ તે વ્યાજ કે મૂડી ભરપાઈ ન કરી શકે ત્યારે નાણાં પરત ન આપવા પડે એટલે કાયદાનું શરણું લેતા હોય છે.
• બજારમાં ઊંચા વ્યાજે નાણાં આપે છે કોણ? આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ
વ્યાજખોરો સામે સરકાર અને પોલીસ તંત્રએ જે રીતે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. તે જોતાં વ્યાજના ચક્રમાં ફસાયેલા અનેક લોકોએ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા ‘બહાદુરી’ બતાવી છે. જેને લઈને પોલીસે પણ ખોંખારો ખાધો છે અને અનેક વ્યાજખોરોની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ બધા વચ્ચે રાજ્યભરમાં એક ચર્ચા એવી પણ છે કે હકીકતમાં લાખો- કરોડો રૂપિયા બજારમાં વ્યાજે ફરે છે. તે રૂપિયા કોના છે? કોણ ફરાવે છે? જો આની ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેક રાજકીય મોટા માથાઓ અને જે તે સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓના પગતળે રેલો આવી શકવાની સંભાવના રહેલી છે.
• દેણદાર ઉપર ત્રાસ ગુજારવો, ધાક ધમકી આપવી તે ગુનો છે
કાયદા અનુસાર રજિસ્ટ્રેશન વગર નાણા ધીરનાર પ્રવૃત્તિ કરવી, નિયમ દર કરતા વધાર વ્યાજે પૈસા આપવા, પૈસાની અવેજમાં અન્ય મિલકત વસૂલવી, નાણા વસૂલવા માટે દેણદાર ઉપર ત્રાસ ગુજારવો વગેરે જેવી બાબતો આ કાયદા હેઠળ ગુનો બને છે. તે ઉપરાંત બળજબરીપૂર્વક અને ધાક-ધમકીથી નાણાં અને વ્યાજની વસૂલાત કરવી તે ઈ.પી.કો કલમ- ૩૮૪, ૩૮૭ હેઠળ પણ શિક્ષાપાત્ર ગુનો બને છે.
(તસવીરો પ્રતિકાત્મક છે, સાભાર મીડિયા ગૃપ)