ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસસ્થાન સંકુલમાં વરસાદી પાણી ભરાયા,રોવા જવું તો કોની પાસે જવું!
• બાંધકામ વિભાગની ભ્રષ્ટાચારભરી બેદરકારી સ્પષ્ટ રીતે દેખાઈ રહી હોવાની ચર્ચા
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
ગાંધીનગર શહેર, જે રાજ્યની રાજધાની અને સંવેદનશીલ નિયંત્રણ કેન્દ્ર તરીકે ઓળખાય છે, ત્યાં આવેલા ધારાસભ્યોના નિવાસ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા વરસાદે ચોંકાવનારી વાસ્તવિકતા બહાર પાડી છે. વરસાદી પાણી નિકાલની અયોગ્યતા અને માર્ગ નિર્માણની સમાનતા વ્યવસ્થાના અભાવને કારણે ધારાસભ્યોના નિવાસ સ્થાન વિસ્તારમાં કમોસમી વરસાદના પાણી ભરાઈ જતા ખુદ ધારાસભ્યો અને તેમના પરિવારજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ અહીં વરસાદી પાણી બે-ચાર દિવસથી ભરાઈ રહ્યા હોવાથી માખી અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેને લઈને ધારાસભ્ય કે પછી તેમના પરિવારજનો મેલેરીયા કે ડેન્ગ્યુ જેવી બીમારીનો ભોગ બની શકે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે.
ધારાસભ્ય નિવાસ્થાન સંકુલમાં માર્ગ નિર્માણ સમયે ગુણવત્તાવાળા મટિરિયલના ઉપયોગમાં ગેરરીતિ અને કામગીરી દરમિયાન થતી ખામી ઉપર પૂરતું ધ્યાન ન અપાયું હોય અને માર્ગ લેવલ નહીં કરવામાં આવ્યા હોવાથી સંભવત વરસાદી પાણીનો ભરાવો માર્ગની સાઈડમાં જોવા મળી રહ્યો છે. જેને લઈને બાંધકામ વિભાગના કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ગઠજોડ હોવાની શક્યતા અને મોટા પાયે ભ્રષ્ટાચારની શંકા ઊભી થઇ રહી છે. પ્રજાના હિત માટે કામ કરનારા ધારાસભ્યો પોતે જ હાલાકી ભોગવી રહ્યા હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
સામાન્ય જનતા તો તેમનો અવાજ સ્થાનિક ધારાસભ્યો સુધી પહોંચાડી શકે, પણ પ્રશ્ન એ છે કે આ ધારાસભ્યો પોતે જ્યારે તંત્રના ભ્રષ્ટાચાર અને બેદરકારીથી હેરાન થાય, ત્યારે તેઓ પોતાની વાત કોને કરે? વરસાદી પાણી ભરાવવા અંગેની બાબતમાં વારંવાર બાંધકામ વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવાનું કહેવાય છે. છતાં પણ સમસ્યાનું કોઈ સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. જેને લઈને તંત્રની જવાબદારી અને કામગીરીની પારદર્શિતા પર સવાલ ઊભા થયા છે. પ્રજાના સુખદુઃખના ભાગીદાર બનેલા ધારાસભ્યો જો પોતે તંત્રની ઉદાસીનતા અને ભ્રષ્ટતાનો ભોગ બની રહ્યા હોય, તો પછી સામાન્ય નાગરિકના હક્કોનું રક્ષણ કોણ કરશે?