પૂર્વ ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કરેલું ફરમાન આજે પણ પાલિકાના કામદારોને મને કમને પણ નિભાવવું પડે છે
મહેસાણા પાલિકામાં ફિલ્ટર મશીન બગડી જતા પીવાનું પાણી બહારથી ભરી લાવવા પટાવાળાઓનો ‘વારો’ કાઢવામાં આવ્યો
• પાલિકામાં ફરક બજાવતા કુલ આઠ પટાવાળાઓમાંથી રોજ ચાર લોકોએ વારા ફરતા પાણી ભરવાની કામગીરી કરવી પડે છે
• પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફિલ્ટર પાણીની સુવિધા ઉભી કરી છે ત્યાં સરકારી વાહનો લઈને પાણી ભરવા મોકલાય છે
• પાલિકા કચેરીનું ફિલ્ટર મશીન રીપેર કરવાનો જેટલો ખર્ચ થાય તેનાથી ચાર ગણો ખર્ચ સરકારી વાહનમાં પાણી લેવા જવામાં કરાય છે
• હવે પાલિકાના સત્તાધીશોને કોણ સમજાવે કે બુદ્ધિનું વરવું પ્રદર્શન કરવાનું બંધ કરો, લોકોમાં હાંસીનું પાત્ર બની રહ્યા છો
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
મહેસાણા નગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ કચેરીની મુલાકાતે આવતા અરજદારોને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા મળી રહે એ હેતુથી અહીં ફિલ્ટર આરો મશીન લગાવવામાં આવ્યું છે. વર્ષો જૂનું ફિલ્ટર આરો મશીન સમયની માર ખાતુ જર્જરિત થઈ ગયું છે અને અંદાજે બે વર્ષથી તેણે તેની કામ કરવાની ક્ષમતા ખોઈ દેતાં હાલ તે બંધ હાલતમાં પડ્યું છે. ફિલ્ટર આરો મશીનને રીપેર કરાવવા કે પછી નવું નાખવા માટે જે તે વખતના અધિકારીઓ કે પદાધિકારીઓએ કોઈ જ તસ્દી લીધી નથી. પરંતુ રોજેરોજ કચેરીમાં પીવાના પાણી વગર કેમ ચાલે? એટલે તત્કાલીન ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કચેરીમાં ફરજ બજાવતા આઠ પટાવાળાને બોલાવીને ફરમાન કરી દીધું કે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ આરો ફિલ્ટર મશીન નાખ્યા છે ત્યાંથી તમારે પીવાના પાણીના જગ ભરી આવવાના રહેશે.
પાલિકાના મુખ્ય અધિકારીનો આદેશ થતાં જ નાના એવા કર્મચારીઓએ નતમસ્તક તેમની સમક્ષ ઉભા રહીને ‘જી સાહેબ’ કહી દીધું. એ પછી આઠે આઠ કર્મચારીઓએ નક્કી કર્યું કે આપણામાંથી રોજેરોજ ચાર વ્યક્તિઓ એક અઠવાડિયા સુધી પાણી ભરવા જશે અને બીજા અઠવાડિયે બીજા ચાર લોકો સાહેબના આદેશનું પાલન કરવા પાછી પાની નહીં કરે. બસ એ પછી અંદાજે છેલ્લા બે વર્ષથી આ કર્મચારીઓ પોતાની નોકરીના સમય કરતા અડધો કલાક વહેલા કચેરીએ પહોંચી જાય છે અને પાલિકામાં રહેલું પીકપ (ડાલુ) વાહન લઈને દરેક શાખા કચેરીના અંદાજે 20 થી 25 ખાલી જગ લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકાએ ઉભી કરેલી ફિલ્ટર આરો પાણીની સુવિધા ઉપર પહોંચી જઈને ત્યાંથી જગ ભરી પાલિકા કચેરીમાં લઈ આવે છે.
પાલિકા કચેરીમાં અંદાજે બે વર્ષથી આરો ફિલ્ટર મશીન સેવા આપતું બંધ થઈ ગયું છે એ પછી તત્કાલીન ચીફ ઓફિસરના આદેશથી સરકારી વાહન લઈને અહીંના નાના કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત આરોપ ફિલ્ટર પાણીના સેન્ટર પરથી પાણી લાવીને પાલિકા કચેરીમાં મૂકી દે છે. જોકે આમાં મહત્વની બાબત એ છે કે કોઈ અધિકારી કે પદાધિકારીની બુદ્ધિ મતા આંકવી અહીં જરૂરી જણાય છે. જાણકારોનું માનીએ તો આરો ફિલ્ટર મશીન રીપેર કરવા અથવા તો નવું લાવવા માટે જે ખર્ચ થાય તેનાથી બમણો ખર્ચ સરકારી વાહન દરરોજ જે પાણી ભરવા માટે ઈંધણ બાળે છે. કર્મચારીઓનો સમય વેડફાય છે, એક સરકારી વાહન આ કામ માટે કલાકો સુધી રોકાઈ રહે છે. જે તમામ બાબતો જોવા જઈએ તો આરો ફિલ્ટર મશીન નવું વસાવી લેવાય તે જ લાભદાયી રહે તેમ છે. પરંતુ અહીં તો આ નાના કર્મચારીઓ છે એ પણ સારી રીતે જાણે છે કે ‘સત્તા આગળ શાણપણ…. નકામું છે’.
• ચીફ ઓફિસરના મનગડત નિર્ણયથી પ્રજાના પૈસાનો અને કર્મચારીઓના સમયનો વ્યય થાય છે, પણ સમજાવે કોણ?
કચેરી નું આરો ફિલ્ટર મશીન છેલ્લા બે વર્ષથી બંધ પડ્યું છે એટલે આઠ જેટલા કર્મચારીઓને વારાફરતી શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફિલ્ટર પાણીના જગ ભરી લાવવાના આદેશ કરવામાં આવ્યા છે. જે કામ કરવા માટે સરકારી વાહન, વાહન ચાલક અને ચાર જેટલા કર્મચારીઓ રોકાઈ જાય છે. જે કામગીરીમાં સરકારી વાહનના ઇંધણ થકી પૈસા અને કર્મચારીઓ પાણી ભરવા જાય અને ભરીને આવે ત્યાં સુધી તેમના સમયનો વ્યય થાય છે પરંતુ ભણેલા (ગણેલા નહીં) એ પાલિકાના મુખ્ય અધિકારીને આ બાબત ન સમજાઈ એ ખાટલે મોટી ખોટ છે તેવું લોકો માની રહ્યા છે.
(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)