ચેનપુર ગામ પાસેના એક પેટ્રોલ પંપ ઉપર ઇંધણ ઓછું અપાતું હોવાનો ગ્રાહકોમાં ગણગણાટ
• પુરવઠા વિભાગની મીલીભગતથી સુવ્યવસ્થિત રીતે પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોવાની ચર્ચા
• પુરવઠા તંત્રના ઈમાનદાર અધિકારી દ્વારા આકસ્મિક તપાસ કરાય તો મોટું કૌભાંડ ખુલવાની સંભાવના
• જો ગ્રાહકો ઓછા અપાતા પુરવઠા બાબતે વાંધો ઉઠાવતો તેમની સામે તોછડાઈ કરાતી હોવાના આક્ષેપ
અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ
અમદાવાદ શહેરના અતિવિક્સિત ગણાતા ન્યુ રાણીપ જગતપુર માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ ઉપર ઇંધણ પુરાવતા ગ્રાહકોને છેતરવામાં આવતા હોવાનો ગણગણાટ ઉઠ્યો છે. ગ્રાહકોના મતે અહીં જ્યારે પેટ્રોલ કે ડીઝલ વાહનોમાં પુરાવવા જાય ત્યારે તેમને અમુક માત્રામાં ઓછું ઈંધણ આપવામાં આવી રહ્યું છે. જો આ બાબતે પેટ્રોલ પંપ સંચાલકો કે કર્મચારીઓ સાથે કોઈ ગ્રાહક વાંધો ઉઠાવે તો તેમની સામે તોછડાઈ ભર્યું વર્તન કરાતું હોવાના પણ આક્ષેપો અમુક ગ્રાહકોએ કર્યા છે.
ચેનપુર ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર ઓછું ઈંધણ પુરવઠા વિભાગના અમુક બેઈમાન અને કટકીબાજ અધિકારી કર્મચારીઓની મીલીભગતથી આપીને વ્યાપક પ્રમાણમાં કટકી કરાવતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને લઈને અમુક ગ્રાહકો કહે છે કે પુરવઠા તંત્રના કોઈ ઈમાનદાર અધિકારી સંપૂર્ણ નિષ્ઠાથી આ પેટ્રોલ પંપ ઉપર આકસ્મિક તપાસ કરે તો ઇંધણ ઓછું આપવાના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે. સમગ્ર મુદ્દે આ વિસ્તારમાં રહેણાંક ધરાવતા તેમજ અહીંથી દૈનિક અવરજવર કરતા રોજિંદા દ્વિચક્રી વાહન ગ્રાહકોએ પોતાની હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે, ‘અમે અહીંના પેટ્રોલ પંપ ઉપરથી રોજેરોજ 100, 200, 300 કે ₹500નું પેટ્રોલ વાહનમાં ભરાવીએ ત્યારે તેની માત્રા ઓછી હોવાની શંકા એટલા માટે દ્રઢ બને છે કે ક્યારેક કોઈ સંજોગમાં અન્ય જગ્યાએથી એ જ રકમનું પેટ્રોલ મીટર કાંટો જોઈને પુરાવીએ ત્યારે ખ્યાલ આવી જાય કે ચેનપુર પાસેના પેટ્રોલ પંપ ઉપર ઘણી ઓછી માત્રામાં ઇંધણ આપવામાં આવે છે’
જો ગ્રાહકોની ફરિયાદ અને તેમની શંકાનું સમાધાન કરવું હોય તો તંત્ર દ્વારા ચેનપુર ગામ નજીકના પેટ્રોલ પંપ ઉપર આકસ્મિક તપાસ કરી સત્ય ઉજાગર કરવામાં આવે તો ગ્રાહકોને સંતોષ અને પેટ્રોલ પંપ સંચાલકોને ક્લીન ચીટ મળી જાય. પરંતુ અહીં આવતા અધિકારીઓ પેટ્રોલ પંપ સંચાલકો સાથે ‘ભાઈબંધી’ નિભાવીને ગ્રાહકોના ખિસ્સા હળવા કરતાં હોવાના પણ ગંભીર આક્ષેપો ગ્રાહકોમાંથી ઉઠ્યા છે. જેથી અહીંના પેટ્રોલ પંપ ઉપર તપાસ થવી પણ જરૂરી બની હોવાનું તારણ ગ્રાહકો આપી રહ્યા છે.