રાજ્યમાં બોગસ પત્રકારોનો ખોટા આઈકાર્ડ, વાહનો પર ‘પ્રેસ’ લખાવી લોકોને ઠગવાનો દાવ
સરકારી કચેરીઓમાં પણ ‘ફેક ઓળખ’થી કામ કઢાવવાનો પ્રયત્ન, કાયદો હાથમાં લેતી પ્રવૃત્તિ ચિંતાજનક
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી પોતાના ધંધા-પાણી છોડીને બોગસ પત્રકાર તરીકે ઓળખ ઊભી કરવાની પ્રવૃત્તિએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. કેટલાક શખ્સો પત્રકાર તરીકે કોઇ અધિકૃત મીડિયા હાઉસમાં જોડાયા વગર, ખોટા અથવા પોતે જ તૈયાર કરેલા આઈકાર્ડ બનાવી જાહેર સ્થળો અને સરકારી કચેરીઓમાં પત્રકાર તરીકે ઓળખ આપી જુદા જુદા કામો કઢાવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા તેમજ સ્વ ઘોષિત શખ્સો પોતાના ટુવ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર ‘પ્રેસ’ લખાવી, એવું દેખાડે છે કે તેઓ કોઈ માન્ય પત્રકાર સંસ્થામાંથી જોડાયેલા છે. ઘણા લોકો કાળા કાચવાળા ફોર-વ્હીલ વાપરી બજારમાં રોલા મારતા નજરે પડ્યાના પણ દાખલા ઉજાગર થયા છે, જે સાર્વજનિક ટ્રાફિક નિયમોના ઊલ્લંઘન સાથે સાથે સામાન્ય જનતામાં ડરનો માહોલ ઊભો કરે છે.
પ્રજાસત્તાક વ્યવસ્થામાં ચોથો સ્તંભ માનાતા પત્રકારત્વની છબી સાથે આવા લોકોની સરકારી કચેરીના અધિકારીઓ, પોલીસ સ્ટેશનનો તેમજ સામાન્ય માણસોની સામે હીરો બનવાની ખોટી ધારણા ન માત્ર પત્રકારત્વના માનને ઠેસ પહોંચાડી રહી છે પરંતુ ખોટા આઈકાર્ડ અને પદનો દુરુપયોગ કરીને પબ્લિક અને ઓફિશિયલ જગ્યાઓમાં પ્રભાવ જમાવવાનો પ્રયત્ન કરતી પ્રવૃત્તિ અત્યંત નિંદનીય છે.
જાણકાર સૂત્રો જણાવે છે કે કેટલાક શખ્સોએ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી મ્યુનિસિપલ ઓફિસ, પોલીસ સ્ટેશન, RTO જેવી કચેરીઓમાં કામ નીકળાવવાનો પ્રયાસ કરતા હોય છે. આવા કિસ્સાઓમાં ક્યારેક નાની કામગીરીઓ પણ ત્વરિતપણે કરાવી લેવાય છે, જેના કારણે સરકારી કચેરીઓમાં કરવામાં આવતી નિયમિત કામગીરી અને કાયદાકીય પ્રક્રિયાઓ સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો હોવાનું મનાય છે.
હકીકતમાં પત્રકારત્વ એ એક ‘જવાબદારીપૂર્ણ’ વ્યવસાય છે. માન્ય મિડિયા હાઉસ દ્વારા માન્યતા પ્રાપ્ત પત્રકારોને જ પત્રકાર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હવે કેટલાક બોગસ પત્રકારોની કારણે સાચા પત્રકારોની ‘પ્રતિષ્ઠા’ પણ દાવ પર લાગી છે. આવા કિસ્સાઓમાં પોલીસ અને સંબંધીત અધિકારીઓએ તપાસ ચલાવી કડક પગલાં લેવામાં આવે તેવું માન્યતા પ્રાપ્ત અને માત્ર ને માત્ર પત્રકારત્વ કરતા નિષ્ઠાવાન પત્રકારોમાંથી માગણી ઉઠેલી જોવા મળી રહી છે.
જાહેર જનતાએ પણ આવા શખ્સો સામે સાવધાન રહેવું જોઈએ અને સાચા પત્રકારોને ઓળખવા માટે પત્રકાર સંસ્થાની માન્યતાની પુષ્ટિ કરવી જોઈએ. સાથે જ વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ વિભાગે આવા ખોટા ઓળખપત્રો અને વાહન ઉપરના ગેરકાયદેસર લખાણ સામે કાર્યવાહી શરૂ કરવી જોઈએ.
સમય આવી ગયો છે જ્યારે પત્રકારત્વને ‘ભ્રષ્ટ’ શખ્સો પાસેથી બચાવવા માટે કડક કાનૂની પગલાં લેવાં જરૂરી બન્યા છે. ખરેખર, આવા લોકો સામે યોગ્ય ઉકેલ લાવવામાં શહેરના જવાબદાર નાગરિક અને અધિકારીઓ એક જ જુસ્સા સાથે આગળ આવે તે આવશ્યક છે.