Apna Mijaj News
'ખબર' કોની 'ખબર' લઈ નાખશે?

ગુજરાતમાં ₹120માં ખુલ્લેઆમ મળે છે નશો

અમદાવાદના ખોરાક અને ઔષધ નિયંત્રણ તેમજ આરોગ્યનો આયુર્વેદિક વિભાગ અંધારામાં કે પછી આંખ આડા કાન?!

અમદાવાદમાં આયુર્વેદિક પીણાંની આડમાં ધમધમતો નશાનો કારોબાર: એક બોટલ પીવો અને થઈ જાઓ ઝૂમ બરાબર ઝૂમ..!

પાન પાર્લરો અને ઠંડા પીણાની દુકાનો પર આસાનીથી બે રોકટોક મળી રહે છે નશાયુક્ત પીણું

ખાસ કરીને પાન પાર્લરો ઉપર ધિક્તો વેપાર, માત્ર ૧૨૦ રૂપિયામાં વાગી જાય છે મગજને નશાની કીક

આયુર્વેદિક પીણાના નામે વેચાતી બોટલોના પાન પાર્લરોની જગ્યા પર જોવા મળી રહ્યા છે ઢગલે ઢગલા

• નશાની લતે ચડેલું યુવા ધન મામુલી રકમમાં બરબાદ થતું સંબંધીત તંત્રને કે વાલીઓને દેખાતું નથી

અપના મિજાજ ન્યુઝ: સંજય જાની

       રાજ્યમાં લઠ્ઠા કાંડ થાય કે પછી દારૂના વધુ પડતા સેવનથી કોઈના જીવ જાય, પરંતુ સરકાર કે પછી દારૂ વેચવા વાળા બુટલેગરો કે પોલીસ વિભાગને કોઈ ફરક પડતો નથી કારણ કે જો આ વેપલો બંધ થઈ જાય તો આ તમામ લોકોની આવક ઉપર હંમેશને માટે પૂર્ણવિરામ લાગી જાય તેવી ચર્ચા કંઈ નવી નથી. રાજ્યના શહેરો મોટા હોય કે નાના… અરે શહેરોની વાત જવા દો ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે ખુલ્લેઆમ આર્યુવેદિક પીણાના નામે માત્ર ૧૨૦ રૂપિયામાં ખુલ્લેઆમ, બે રોકટોક મળી રહ્યો છે નશો. અમુક પાન પાર્લર કે ઠંડા પીણાંની દુકાન પર પહોંચી જાવ એટલે માત્ર રૂ.૧૨૦માં તમે આર્યુવેદિક પીણું માગો ને એ બોટલ ગટગટાવી જાઓ એટલે મગજની નસોને કીક વાગી જાય છે. આ પીણાંનું સેવન કરનાર અમુક જાણકારો એવું કહેતા ફરે છે કે જો બીજી બોટલ ગટગટાવો એટલે આખે આખી અંગ્રેજી દારૂની બોટલ પીધી હોય તે રીતે થઈ જાય છે ઝૂમ બરાબર ઝૂમ. હવે પ્રશ્ન એ આવે છે કે આવું નશાયુક્ત આર્યુવેદિકના નામે વેચાતું પીણું અમદાવાદની બજારમાં પણ ફરતું થયું છે. પોલીસ, ખોરાક અને ઔષધ નિયંત્રણ તેમજ આરોગ્યના આર્યુવેદિક વિભાગને અંધારામાં રાખીને કે પછી તેમની જ સંભવત મહેરબાનીથી લોકો ખુલ્લેઆમ આર્યુવેદિક પીણાના નામે નશો કરી રહ્યા હોવાની ચર્ચા શહેરભરમાં ઉઠી છે.

     રાજ્યના નાના મોટા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અંગ્રેજી તેમજ દેશી દારૂ આસાનીથી વર્ષોથી મળી રહ્યો છે. જેના પર આ જ દિન સુધીની સરકાર સંપૂર્ણ રીતે રોક લગાવી શકી નથી અને સંભવત લગાવી પણ શકશે નહીં. જેના કારણો પણ વ્યાજબી છે. જાણકારો જ નહીં પરંતુ સરકારમાં બેઠેલા લોકો અને પોલીસ વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓ પણ કહે છે કે જો આ ધંધો બંધ થઈ જાય તો કેટલાય લોકોને મળતી ‘આર્થિક સહાય’ બંધ થઈ જાય તેમ છે. પરંતુ હવે લોકોને કહેવાય છે કે અંગ્રેજી પ્રકારનો કે દેશી દારૂ ન મળે અથવા તો તેનો નશો ન કરવો હોય પરંતુ ખુલ્લેઆમ ‘એનર્જી ડ્રિંક’ના નામે કથિત આર્યુવેદિક સામગ્રી મિશ્રિત પીણું માત્ર ૧૨૦ રૂપિયામાં બે રોકટોક અમુક પાન પાર્લરો અને ઠંડા પીણાંની દુકાનો ઉપરથી મળી રહે છે. અમદાવાદ તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમુક પાન પાર્લરો તેમજ ઠંડા પીણાના સંચાલકો આવા પીણાનું વેચાણ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. જ્યારે માત્ર થોડી રકમમાં મગજને કિક મારવાના આદિ ‘નશેડી’ લોકો બિન્દાસ રીતે એકથી પણ વધુ કથિત આર્યુવેદિક પીણાંની બોટલો ગટગટાવી જાય છે અને નશામાં ધૂત રહેતા હોવાની ચર્ચા ઉઠી છે.

પોલીસ તો કેવી કામગીરી કરશે લોકો જાણે છે પરંતુ આરોગ્ય વિભાગ ઉભો થાય તે જરૂરી

       દારૂ અને તેને વેચનારા વચ્ચે પોલીસને કેવો સંબંધ હોય છે તે તો જગત આખું જાણે છે. પરંતુ અહીં વાત કરવાની છે આર્યુવેદિક પીણાંની આડમાં વેચાતા નશીલા પ્રવાહીને લઈને અનેક યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે અને આ અંગે તેમના માતા-પિતા પણ અજાણ છે. પરંતુ આર્યુવેદિક પીણામાં એવું તે શું મિશ્રિત કરવામાં આવે છે કે જે નશો આપે છે? તે અંગે પોલીસ કોઈ કાર્યવાહી કરશે તેવી આશા રાખી શકાતી નથી પરંતુ ખોરાક અને ઔષધ નિયંત્રણ તેમજ આરોગ્યના આર્યુવેદિક વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો નવી મોડસ ઓપરેન્ડી નશાના કારોબારમાં બહાર આવે તેવી સંભાવના બળવતર બની છે. ત્યારે નિષ્ઠા અને ઈમાનદારીથી આ દિશામાં કામ થાય તેવું જનતા ઈચ્છી રહી છે.

શહેરમાં બિન્દાસ રીતે આર્યુવેદિકના નામે નશાનો ધીકતો કારોબાર.. સૌ કોઈ ચૂપ.. વાહ ભાઈ વાહ

         શહેરમાં કથિત આયુર્વેદિક પીણાના નામે નશા યુક્ત પ્રવાહી પ્લાસ્ટિકની બોટલમાં માત્ર રૂ.૧૨૦માં ઠેર ઠેર વેચાણ થઈ રહ્યું છે. સરકારના પોલીસ, આરોગ્ય અને આયુર્વેદિક વિભાગના અધિકારીઓની આંખમાં ધૂળ ઝોકીને કે પછી તેમના જ કથિત આશીર્વાદથી ખુલ્લેઆમ આર્યુવેદના નામે નશા યુક્ત પ્રવાહીનું વેચાણ ધમધોકાર રીતે કરવામાં આવી રહ્યું છે. જો આ અંગે તપાસ કરવામાં આવે તો આ પીણું ક્યાંથી આવે છે?, કોણ બનાવે છે?, એના ડીલરો અને સબ ડીલરો સાથે વેપારીઓ પણ કોણ કોણ છે? આ તમામ પ્રશ્નોના જવાબ મળી શકે તેમ છે. જરૂર માત્ર છે નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરવાની, જે રાજ્યના આરોગ્ય અને ગૃહમંત્રી કરશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે?

Related posts

વિરમગામનો ડૉ. નયન પટેલ પાપમાં પડ્યો?!

ApnaMijaj

ગાંધીનગરની ‘કદંબ ડાયગ્નોસ્ટિક’ ૧નં.ની ‘ખોટાડી’ લેબોરેટરી!

ApnaMijaj

મહેસાણા પાલિકામાં કોઈ બુદ્ધિશાળી હોય તો કહેજો!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!