ઊંઝા ધારાસભ્યના એક પત્રથી જો મુખ્યમંત્રી 6.48 કરોડ મંજૂર કરી દેતા હોય તો પછી કામ કરવામાં વાર શેની?
• ફ્લાય ઓવરબ્રિજ નીચે બ્યુટીફિક્શનની કામગીરીનું ખાતમુહુર્તના બે મહિના પછીયે કોઈ ઠેકાણા નથી
• મહેસાણા સાંસદ સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો
મહેસાણા: અપના મિજાજ ન્યુઝ
ઊંઝાના ધારાસભ્યએ લોક સુવિધાના ચિતાર સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખી શહેરના હાઇવે પર બનાવવામાં આવેલા ફ્લાય ઓવરબ્રિજ નીચેની જગ્યાની પહોળાઈ અને પાર્કિંગ સહિતની જાણકારી આપી વિકાસ કામ માટે રકમ ફાળવવા રજૂઆત કરી હતી. રાજ્યમાં વિકાસના સ્વપ્ન દ્રષ્ટા, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ તેમની આ રજૂઆત યોગ્ય ગણીને 6.48 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી દીધી છે. પરંતુ બે મહિના થયા એ કામ ઠેકાણે પડતું નથી જેને લઇને કચવાટ ઉભો થયો છે
સરકાર તરફથી અપાયેલી રકમ મંજૂર થયા બાદ અંદાજે બે મહિના અગાઉ ધારાસભ્ય કિરીટ પટેલ, લોકસભાના સાંસદ હરી પટેલ સહિતના રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંબંધિત કામગીરી માટેનું ખાતમુર્હુતનો તાયફો આયોજિત કરવામાં આવ્યો હતો. હવે, એ ખાતમુહૂર્તને કરે લગભગ બે મહિના જેવો સમય વીતી ગયો છે પણ લોક વિકાસની કામગીરી શરૂ કરવામાં નથી આવી જેને લઈને સમગ્ર ઊંઝા શહેર તેમજ પંથકમાં એક હવા ઉડી છે કે જેમનાથી ખાતમુર્હુત કર્યા પછી પણ નક્કી કરેલી કામગીરી નથી થઈ શકતી એવા લોકો એશિયાની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો વહીવટ સારી રીતે કરવાના સપના જોઈ રહ્યા છે. એ લોકો માર્કેટિંગ યાર્ડનો વહીવટ કેવી રીતે કરશે તે પ્રશ્ન જન માનસમાં ઘેરાઈ રહ્યો છે.
મહેસાણા-પાલનપુર હાઈવે પર ઊંઝા શહેરી વિસ્તારમાં બસ સ્ટેશન પાસેથી પસાર થતાં માર્ગે આવેલ ફલાય ઓવર બ્રીઝ નીચે પાલનપુર તરફના ડીએફસીસીના બ્રીજ પર જવા- આવવાના એપ્રોચ રોડ, બંને બાજુના સર્વિસ રોડની પહોળાઈ વધારવા, પેવર બ્લોકની કામગીરી તથા પાર્કિગની સુવિધા માટે ઉંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ઊંઝાના ધારાસભ્યના પત્રથી રજૂઆત કરવામાં આવેલ સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ દ્રારા માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ રોડ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 6.48 કરોડના કામની મંજુરી આપેલી છે. કામ મંજૂર થઈ ગયાના બે મહિના બાદ પણ વિકાસલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેને લઈને નગરમાં અનેક શંકા કુશંકાઓ સાથેની ચર્ચાઓ લોકોમાં ઉઠી છે. બીજી તરફ આગામી સમયમાં યોજાનારી ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલને પાડી દેવાની મનસા સાથે મેદાનમાં ઉતરેલા ધારાસભ્ય કિરીટ પટેલ પોતાના હિસાબે, પોતાની બુદ્ધિથી એપીએમસીમાં સારો વહીવટ કરવા માટે સામે આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે લોકો એમ કહે છે કે જે ધારાસભ્યને તેમના મતવિસ્તારના 25 માણસથી વધારે કોઈ ઓળખતા નથી તેવો વ્યક્તિ એશિયાની સૌથી મોટી ગણાતી કૃષિ સંસ્થાનો વહીવટ કયા આધારે અને કેવા અનુભવથી કરશે?