• સસ્તા અનાજની દુકાનના સંચાલકો લાભાર્થીઓને બે કિલો ઘઉં ઓછા અને તેના બદલામાં ચોખા વિતરણ કરતા હોવાના આક્ષેપો
• વર્તમાન સમયમાં ઘઉંનો ભાવ વધુ મળતો હોવાથી સસ્તા અનાજની દુકાનના સંચાલકો કાળા બજાર તરફ દોટ મુકવા લાગ્યાં?!
પાટણ: (અપના મિજાજ ન્યુઝ)
પાટણ જિલ્લામાં આવેલી મોટાભાગની સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને વિતરણ કરવાના ઘઉંના કાળા બજાર થતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગરીબોના પેટનો કોળિયો પાટણની ગંજ બજારના વેપારીઓને પધરાવીને તગડી કમાણી કરતા દુકાન સંચાલકો ઉપર જિલ્લા પુરવઠા અધિકારીના છુપા આશીર્વાદ હોવાની બાબત પણ હવામાં પ્રસરી રહી છે. જિલ્લાના જાગૃત નાગરિકો તો ત્યાં સુધી આક્ષેપો કરતા કહે છે કે જિલ્લા પુરવઠા અધિકારીની આંખે અંધાપો આવ્યો છે કે પછી તેઓ સસ્તા અનાજની દુકાન ધારકો સાથે ભાઈબંધી નિભાવી રહ્યા છે?! જાણકાર સૂત્રોના મતે ઘઉંનો વધુ પડતો ભાવ મળતો હોવાથી સસ્તા અનાજની દુકાનના સંચાલકો લાભાર્થીઓને બે થી ત્રણ કિલો ઘઉં ઓછા આપી તેના બદલામાં ચોખા પધરાવી રહ્યા છે. જ્યારે બચત થતા ઘઉં પાટણની ગંજ બજારમાં અમુક વેપારીઓને વેચી દઈને કાળી કમાણી ઉભી કરી દેતા હોવાની ચર્ચા સરેઆમ થઈ રહી છે. જો જિલ્લાના પુરવઠા અધિકારી તેમજ પુરવઠા મામલતદાર કોઈપણ પ્રકારની લાલચ કે પ્રલોભન છોડીને સંપૂર્ણ નૈતિકતા અને ઈમાનદારીથી તપાસ કરાવે તો મસ મોટું અનાજ કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેવી સંભાવના પણ અમુક જાણકાર લોકોએ વ્યક્ત કરી છે.
પાટણ જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાન ઉપરથી ગરીબોને વિતરણ કરવાના રહેતા ઘઉં ગંજ બજાર કે પછી અન્ય વેપારીઓને પધરાવીને કાળી કમાણી કરાતી હોવાના આક્ષેપો ચર્ચાઈ રહ્યા છે. જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે સસ્તા અનાજની દુકાનો ઉપરથી લાભાર્થીઓને મફતમાં ઘઉં- ચોખા આપવાની યોજના અમલમાં છે. જેમાં વર્તમાન સમયમાં ઘઉંનો બજારભાવ પ્રતિ કિલો 28 થી 30 રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે ચોખા પ્રતિ કિલો 25 થી 26 રૂપિયાના ભાવે વેચાય છે. જેને લઈને સરકારી યોજના મુજબ રાશનકાર્ડમાં દર્શાવેલા એક સભ્ય દીઠ અઢી કિલો ઘઉં અને અઢી કિલો ચોખા લાભાર્થીને આપવાના રહે છે. પરંતુ સસ્તા અનાજના સંચાલકો દ્વારા લાભાર્થીઓને અપાતા ઘઉં ઓછા અને તેના બદલામાં ચોખા વધારે આપવામાં આવતા હોવાની વાત સપાટી ઉપર આવી છે. આમ કરવાનું કારણ જણાવતાં જાણકારો કહે છે કે, સસ્તા અનાજના સંચાલકો દ્વારા ઘઉંનો જથ્થો લાભાર્થીઓને ન પહોંચાડી બજારમાં બારોબાર વેચી દઈને કાળી કમાણી ઉભી કરી દેવામાં આવે છે. જો જાણકારોની વાતમાં સત્ય હોય તો જિલ્લા પુરવઠા અધિકારીએ આ બાબતે સંપૂર્ણ નિષ્ઠાથી તપાસ કરાવીને જિલ્લાભરની સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓ દીઠ કેટલો જથ્થો અનાજનો ફાળવવામાં આવ્યો અને કેટલો વિતરણ થયો છે તે અંગેની બાબતો જાહેર કરવી જોઈએ તેવો મત જાગૃત લોકોમાં ઊભો થયો છે.
• સસ્તા અનાજના સંચાલકો અને તેમના પરિવારજનોની મિલકતો ચકાસવામાં આવે તો પણ તાગ મેળવી શકાશે
જિલ્લામાં વર્ષોથી સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકો તેમજ તેમના પરિવારજનોની મિલકત ચકાસવામાં આવે તો તેઓ દ્વારા ગરીબોને વિતરણ કરવાના અનાજનો જથ્થો બારોબાર વેચીને કરેલી કાળી કમાણીનો તાગ મેળવી શકાય તેમ હોવાની ચર્ચા સમગ્ર પાટણ જિલ્લામાં થઈ રહી છે. જોકે આ અંગે અનેક વખત અમુક જાગૃત લોકોએ રજૂઆતો કરેલી છે પરંતુ ઉચ્ચ સ્થાને બેઠેલા પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ તેમના કહેવાતા દલાલો લોકોની રજૂઆતને અભેરાઈએ ચડાવીને બેઠા હોય તેવી સ્થિતિ પણ સર્જાયેલી હોવાનું કહેવાય છે.
• ગરીબ લાભાર્થીઓના મોઢાનો કોળિયો કયા વેપારીઓને વેચાય છે તેનો પર્દાફાશ જરૂરી
જિલ્લાની સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા પાટણના ગંજ બજાર સહિતના અન્ય વેપારીઓને પણ બારોબાર પધરાવીને કાળી કમાણી કરી લેવામાં આવતી હોવાના આક્ષેપો જાગૃત લોકોમાં ઉઠ્યા છે. જોકે કટકીનો માલ કોણ અને કયા વેપારીઓ ખરીદી રહ્યા છે અને તેમની પેઢીના નામ સરનામાં શું છે તેની વિગતો પણ જાહેર કરવાની તૈયારી જાગૃત લોકોએ બતાવી છે. જેથી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ અંગે તપાસ કરીને સમગ્ર કાંડનો પર્દાફાશ કરવામાં આવે અને ગરીબોના પેટનો કોળિયો જે પ્રમાણેની લાલચ અને લાલસાઓ આપીને ઝૂંટવી સસ્તા અનાજની દુકાનના સંચાલકો પોતાનું ઘર ભરી રહ્યા છે તેમના પરવાના રદ કરી શિક્ષાત્મક પગલાં ભરાય તેવી માગણી પણ જાગૃત લોકો કરી રહ્યા છે.
• કોથળા બદલીને સમગ્ર કાંડ અને અંજામ આપવામાં આવતો હોવાનું અનુમાન
સસ્તા અનાજની દુકાનો ઉપર ગરીબો માટે આવતું અનાજ સરકારી કોથળાઓમાંથી બહાર કાઢીને અન્ય કોથળાઓમાં ભરીને બજારમાં ઊંચા ભાવે વેચીને કાળી કમાણી કરવામાં આવતી હોવાની બાબત અમુક જાગૃત લોકોએ ઉજાગર કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે જ્યારે આવું અનાજ પકડાય છે ત્યારે કોઈને કોઈ બહાને સસ્તા અનાજના સંચાલકો અને તેમના કહેવાતા મળતી આવો કાયદાના સાણસામાંથી છટકી જતા હોય છે. પરંતુ અમુક જાગૃત નાગરિકોએ સરકારી અનાજનો જથ્થો કઈ રીતે અને ક્યાં ક્યાંથી અન્ય કોથળાઓમાં ભરીને કયા વાહન કયા રસ્તેથી કોની દુકાને કે ગોડાઉન ઉપર પહોંચે છે. તેની વિગતો આધાર પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ પહોંચતી કરવા માટે પણ તૈયારી કરી લીધી હોવાની પણ બાબત સપાટી ઉપર આવી છે.