જનતાનો અવાજ બની રહેતા નિષ્ઠાવાન પત્રકારોને બની બેઠેલા મીડિયા મજૂરો નીચું જોવડાવે તો નવાઈ નહીં
• રાજ્યમાં અમુક માઇકધારી મીડિયાના મજૂરોથી સાવધાન થવાનો સમય આવી ગયો છે
• રાજ્યના માહિતી અને ખાસ કરીને પોલીસ વિભાગ જેમ અસામાજિક તત્વો પર નજર ઠેરવે છે તેમ કહેવાતા મીડિયા મજૂરોની ગતિવિધિઓ પર બાજ નજર રાખે તે જરૂરી
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માઇકધારી મજૂરો (ભુંગળા) વધી ગયા છે જેનો રેકર્ડ તંત્ર પાસે અગર ન હોય તો તેઓની ગતિવિધિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવે તેવી માંગ લોકો દ્વારા ઉઠી રહી છે. સવાર પડતાંની સાથે મજૂરોની જેમ નીકળી પડતા માઇકધારી મીડિયા મજૂરો દિવસ ઉગતાની સાથે મજૂરી (શિકાર) શોધવા નીકળી પડે છે કોઈને ઉતારી પાડવું કે કોઈને ચણાના ઝાડ પર ચડાવી દેવું તે આ માઇકધારી મીડિયા મજૂરોની મજૂરીનો મુખ્ય લક્ષ્ય હોય છે. જેને સેલ્યુટ મારવાનો સૌ કોઈને મન થઈ જાય, કેમ કે એવા એવા શબ્દોથી ભીત વગર ચિત્ર બનાવી નાખે છે જેને પ્રથમ તો સૌ લોકો સાચું જ માની લેતા હોય છે. પરંતુ ધીમે ધીમે આવા માઇકધારી મજૂરોને અગર જો મજૂરી ન મળે તો પોતાની છબી પાધરી કરતા પણ શરમાતા નથી. હવે તો આવા માઇકધારી મજૂરોને મીડિયા ગ્રુપ તો નહિ પણ ‘મીડિયા ગેંગ’ કહેવામાં પણ વાંધો ન આવે તેવી ચર્ચાઓ માઇકધારી મજૂરોની હવે તો ઠેક ઠેકાણે થવા લાગી છે.
અહીં ‘માઇકધારી મજૂરો’ શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે, પત્રકારિતા એક સમાજ સેવા અને ન્યાય માટેનું માધ્યમ છે. જનતા સાથે થયેલા અત્યાચાર કે અન્યાય સામે તેઓને ક્યાંયથી પણ ન્યાય ન મળે ત્યારે પોતાની વાત રજૂ કરવા અને ન્યાય મેળવવાના પ્રયાસમાં છેલ્લે મીડિયા સમક્ષ આવતાં જે બાબતને પત્રકાર ઉજાગર કરતા ત્યારે સંબંધિત રાજકીય નેતા અને સરકારી તંત્ર પણ નોંધ લેવા મજબૂર થઈ જતું હતું. પરંતુ હાલ આવા માઇકધારી મજૂરો જેને કોઈ ધંધો ન ફાવતો હોય (ભારતમાં વાણી સ્વતંત્રતાના હકો મળ્યા છે, એનો મતલબ એ નથી કે તમે ગમે ત્યાં ગમે તે બફાટ કાઢી શકો..!?) તે પત્રકારિતા સાથે જોડાઈ જાય અને જ્યાં જ્યાં રોડ, રસ્તા કે ગટરનાં કામો કે ક્યાંક સરકારના વિકાસના કામો અથવા કોઈ વ્યક્તિગત બાંધકામો થતાં હોય ત્યાં આવા માઇકધારી મજૂરો ‘ગેંગ’ બનાવી પહોંચી જાય અને માઇકનું ભુંગળું કાઢી પોતાની મજૂરી ચાલુ કરી વિડિયો બનાવે અને ક્યાંક અગર ઠેકેદાર દ્વારા થોડી ઘણી ક્ષતિ અગર જાણતા અજાણતા રહી ગઈ હોય તો પછી આવા માઈકધારી મજૂરો માઈક મોઢા આગળ ગોઠવી ગળું ફાટી જાય તેવી રાડા રાડ ચાલુ કરી નાખે અને જો ત્યાં અગર આવા માઇકધારી મજૂરોની મજૂરી મળી જાય તો…’તેરી ચુપ ઔર મેરી ભી ચૂપ’! કરીને ચાલતી પકડી લેતા હોય છે.
મજૂરો તો હજી પણ હક અને મહેનતનું ખાય છે પરંતુ આવા માઇકધારી મીડિયા મજૂરો તો, તમે પણ અવાચક થઈ જાઓ તેવાઓનું ખાઈ કરીને ઓડકારના પણ પૈસા (કવર/શુભેચ્છા) લઈ લેતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ખરી વાસ્તવિકતા એ છે કે જેને પત્રકારનો ‘પ’ નથી આવડતો તેવા લોકો સામાન્ય જનતા જ નહીં પરંતુ માલેતુજાર બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં દવાખાના ખોલીને બેઠેલા ડોક્ટરો, હોટેલ, રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસ સહિતના વિવિધ એકમોના સંચાલકો તો ઠીક પરંતુ આઈએએસ, આઇ પી એસ અધિકારીઓ સહિત વિવિધ પોલીસ મથકોના પીઆઈથી માંડીને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓની પણ આંખમાં ધૂળ ઝોકીને પોતાના રોટલા શેકતા હોવાની બાબતો સપાટી ઉપર આવી છે. કહેવાય છે કે આવા અમુક લેભાગુ કથિત પત્રકારો પોતાની વાક્ચાતુર્યથી ખાસ કરીને પોલીસ અધિકારી અને કર્મચારીઓને હાથ ઉપર રાખીને મીડિયા મજૂરી થકી કાળી કમાણી કરી લેતા હોય છે.
• કોન્ટ્રાક્ટરો માટે આવા જ કંઈક સંવાદોથી પોતાનું કામ કાઢી લેવાય છે
વાહ શું કામ ચાલુ છે, આવા ગુણવત્તા સભર કામથી જનતાને થશે ફાયદો જ ફાયદો…,આ ફલાણી કન્સ્ટ્રક્શન કંપનીના ઠેકેદાર બહુ સારું કામ કરી રહ્યા છે…!, આવા ઠેકેદારો થકી સારી ગુણવત્તાનું કામ થાય છે…! આવા આવા શબ્દોથી નવાજી દેવામાં આવે જેને સાંભળી આપણને પણ સેલ્યુટ મારવાનો મન થઇ જાય, પરંતુ સત્ય એ સત્ય છે. આજ નહિ તો કાલ પાધરું તો થઈ જ જાય છે.
• મીડિયા મજૂરોની લગભગ આવી હોય છે મોડસ ઓપરેન્ટી
‘માઇક્ધારી મીડિયા ગેંગો’ દ્વારા કોઈ એક વ્યક્તિને અરજદાર બનાવી RTI કરાવવામા આવે છે ત્યાર બાદ આવા વ્યક્તિ અરજદાર પાસે માઈક્ધારી મીડ્યા ઇન્ટરવ્યૂ લે છે અને પછી એ ન્યૂઝ ક્લિપ જે તે જેના વિરુદ્ધ અરજી RTI કરાઈ હોય તેને સેન્ડ કરાય છે સેન્ડ કર્યા પછી જો એ વ્યક્તિ સમજી જાય તો ઠીક છે નહિ તો ગ્રુપોમાં વાયરલ કરી તેને બદનામ કરવામાં આવે છે. આવી મોડાસઓપરેન્ટી વાપરી આવા માઈકધારી મીડિયા મજૂરોની ગેંગો ફૂલી ફાલી રહી છે.
• રાજ્યનું માહિતી અને ખાસ કરીને પોલીસ વિભાગ આ નોંધને ધ્યાનમાં લેશો
બની બેઠેલા ‘મીડિયા મજૂરો ‘બાબતે તંત્ર ગંભીરતા સમજી કડક બને તેવી માંગ વર્ષોથી પત્રકારત્વ સાથે સંકળાયેલા સિનિયર ‘કલમવીરો’ પણ કરી રહ્યા છે. હાલ અમુક માઇકધારી મીડિયાના લીધે પત્રકારત્વની છબી ખરડાઈ રહી છે. જેની રાજ્યના માહિતી અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા નોંધ લઇ આવા ‘માઇકધારી મીડિયા મજૂરો’ના દરરોજના હલન ચલન પર ધ્યાન કેન્દ્રિત કરી જો ક્યાંક ગરબડ જણાય તો કાયદેસરના પગલાં લેવા જોઈએ. છેલ્લે એટલું જ કહેવાનું કે, અગર કોઈ આવા માઇકધારી મીડિયાના મજૂરોનો ભોગ બન્યા છો તો તમે પણ અવાજ ઉઠાવશો તો આવનાર ભવિષ્યમાં અન્યોને નુકસાની નહી થાય.