ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાની કુલ 288 પૈકી 110 ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોની મુદ્દત છેલ્લા ત્રણ વર્ષથી પૂર્ણ થઈ છે. જે બાદ ચૂંટણી નહીં યોજાતા મુદ્દત પૂર્ણ થયેલી તમામ ગ્રામ પંચાયતો સરપંચ વિહોણી બની છે. જેને લઈને ગ્રામ વિકાસના કાર્યોમાં અવરોધ ઊભો થયો હોવાનો ગણગણાટ શરૂ થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લાના ચાર તાલુકાઓની 110 ગ્રામ પંચાયતોમાં ‘વહીવટદાર રાજ’ હોવાથી વિકાસ કામો ઉપર પણ માઠી અસર દેખાતી હોવાની ચર્ચા ગ્રામ્ય પ્રજામાં જોવા મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજવામાં આવે તેવી માગણી પણ ગ્રામીણ રાજકીય અગ્રણીઓમાં ઊઠવા પામી છે.
રાજ્ય સરકાર ગ્રામીણ ઉત્થાન થકી ગુજરાતને વિકાસ મોડલ બનાવવાની વાત કરી રહી છે. પરંતુ ગ્રામીણ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી જન પ્રતિનિધિ નહીં હોવાના કારણે વિકાસની ગતિમાં અવરોધ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિતના સભ્યોની મુદત છેલ્લા ત્રણ વર્ષથી પૂર્ણ થઈ જતા અહીં તલાટી કમ મંત્રીને વહીવટદાર તરીકેનો દરજ્જો આપીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. જાણકાર સૂત્રોના મતે જેતે ગ્રામ પંચાયતના સેજાના તલાટીને અન્ય પણ ગ્રામ પંચાયતોનો ચાર્જ સોંપવામાં આવ્યો હોઈ તેઓ સર્વાંગી વિકાસ યોજનાઓનો સંપૂર્ણ કહી શકાય તેવો લાભ અપાવી શકતા ન હોવાનો પણ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. જેથી ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ તાલુકાની કુલ 288માંથી 110 ગ્રામ પંચાયતોમાં વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે તેવી માગણી ઉઠી છે. આમ તો સમગ્ર ગુજરાતની અંદાજે 6,000 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. જેને લઈને ગ્રામીણ વિકાસ ઉપર તેની માઠી અસર જોવા મળી રહી હોવાની વિગતો ચર્ચાઈ રહી છે.
•આ તાલુકામાં આટલી પંચાયતોમાં વહીવટદાર શાસન છે
જિલ્લાના ગાંધીનગર તાલુકાની 58 ગ્રામ પંચાયતમાંથી 05મા, કલોલની 56માંથી 45માં, માણસાની 81 માંથી 51 માં અને દહેગામની 93માંથી 9 ગ્રામ પંચાયતો મળીને કુલ 110 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે.
• એપ્રિલના અંત અથવા તો મે મહિનામાં ચૂંટણી યોજાવાની ગ્રામીણ પ્રજાને આશા
ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા સભ્યોની મુદ્દત પૂર્ણ થઈ ત્રણ વર્ષ વીતી ગયા બાદ પણ ચૂંટણીઓ યોજવામાં નહીં આવતા મોટાભાગની ગ્રામ પંચાયતો સરપંચ સહિતના ચૂંટાયેલા સભ્યો વિહોણી બની છે. જેને લઈને ગ્રામ વિકાસમાં અવરોધ ઊભા થતા હોવાની બાબત સપાટી ઉપર આવી છે. જો કે છેલ્લા ત્રણ વર્ષથી પંચાયતોમાં વહીવટદાર શાસન હોવાથી ગ્રામીણ રાજકીય અગ્રણીઓને વર્તમાન વર્ષના એપ્રિલના અંત અથવા તો મે મહિના સુધીમાં ચૂંટણી યોજાઈ તેવી આશા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.