• બે મહિના અગાઉ શહેરના ગણેશ બંગલોઝના બે મકાનમાંથી એસીના કોપર પાઇપની ચોરી કરી હતી
• ચોરીનો માલ સગેવગે થઈ રહ્યો હોવાની બાતમી મળતાં જ દોડી ગયેલા પોલીસ કર્મચારીઓને ‘વિજય’ પ્રાપ્ત થયો
ઊંઝા: અપના મિજાજ ન્યુઝ
ઊંઝા શહેરમાં આવેલા ગણેશ બંગલોઝના બે મકાનમાંથી અંદાજે બે મહિના અગાઉ એસીના કોપર પાઇપ ચોરી થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદને અનુલક્ષીને પોલીસની ટીમ તે દિશામાં કામગીરી કરી રહી હતી. જેને લઈને અહીંના ડિટેક્શન સ્ટાફના કોન્સ્ટેબલ વિજયકુમાર પ્રવીણભાઈને ચોરીનો માલ સગેવગે કરવા માટે બે લોકો જઈ રહ્યા હોવાની બાતમી મળતા પોલીસ ટીમ સતર્ક બની અને મળેલી બાતમીના સ્થળે પહોંચી હતી. જ્યાંથી પસાર થતાં activa માં સવાર બે લોકોને થોભાવી તલાસી લેતા તેમની પાસેથી ચોરી કરેલા કોપરના પાઇપ તેમજ કેબલ વાયર મળી આવતા બંનેની અટકાયત કરી પૂછપરછ કરી હતી.
સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ રેન્જ આઈ જી વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગલ તેમજ વિસનગરના વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણે જિલ્લામાં થયેલી ચોરી તેમજ સંબંધિત ગુનામાં સંડોવાયેલા લોકોને પકડી પાડવા જે તે પોલીસ મથકના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જે સંદર્ભે ઊંઝા પોલીસ મથકના પી.આઈ રોમા જે. ધડુકના માર્ગદર્શન હેઠળ અહીંનો પોલીસ સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો. ત્યારે શહેરના ગણેશ બંગલોઝના બે મકાનમાં થયેલી એસીના કોપર પાઇપ તેમજ કેબલ વાયરની ચોરી સંદર્ભે બાતમી મળતાં શહેરના ડિયોડ રેલવે ફાટકના માર્ગ પરથી ચોરીનો માલ સગેવગે કરવા એકટીવા પર સવાર થઈને નીકળેલાં શંકર ઉર્ફે મુકેશ બાબુભાઈ દેવીપુજક અને અજય રમેશભાઈ બારોટને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ અંદાજે કિંમત ૭૫ હજારનો કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.
• ચોરીના બનાવો અટકાવવા અને ચોર તત્ત્વોને પકડી પાડવા પોલીસની આ ટીમ કાર્યવાહી કરી રહી છે
ઊંઝામાં થયેલી ચોરીના આરોપીઓને પકડવા માટે પ્રોબેશનલ પીએસઆઇ એસ વી પઢારિયા, એ.એસ.આઇ મહેન્દ્રકુમાર વિહાભાઈ, હેડ કોસ્ટેબલ સંજય કુમાર મફાભાઈ અને કોન્સ્ટેબલ વિજય કુમાર પ્રવીણભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ઉપરાંત ઊંઝા પોલીસ પથકના અધિકારી અને કર્મચારીઓ શહેરમાં ચોરીના બનાવો અટકાવવા અને ચોરી લૂંટની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં ફરતાં લોકોને પકડી પાડવા માટે રાત દિવસ પેટ્રોલિંગ કરતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.