ભુજના પ્રવેશ દ્વારે આવેલા અતિ વિક્સિત માધાપર ગામમાં વસવાટ કરતી પ્રજાના જાન માલની રક્ષા માટે માધાપર પોલીસે હાઈટેક બનીને ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. ગામના તમામ માર્ગો તેમજ ગલીએ ગલીઓમાં રહેણાંક ધરાવતા તેમજ અહીંથી પસાર થતાં મુસાફરોને ચોરી, લૂંટ સહિતની અપરાધિક પ્રવૃત્તિઓથી રક્ષણ આપવા માટે ડ્રોનની મદદ લઈ અસામાજિક તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોને પકડી પાડવા માટે સર્વવેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસની હાઈટેક કામગીરીની સમગ્ર માધાપર શહેરમાં સરાહના થઈ રહી છે.
વર્તમાન સમયમાં પડી રહેલી ઠંડીને લઈને પ્રજા ચોરી લૂંટ સહિતની કોઈપણ અસામાજિક ઘટનાનો ભોગ ન બને તે માટે માધાપર પોલીસ પથકના પીઆઇ કે એમ ગઢવી, પીએસઆઇ બી.એ.ડાભી, આર.જે. ગોહિલ સહિતનો સ્ટાફ સતર્ક બન્યો છે. કુદકેને ભુસકે બાંધકામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરતા માધાપર ગામનો વિસ્તાર વિકસી રહ્યો છે. આવા સંજોગોમાં સમગ્ર ગામમાં કોઈપણ નાગરિક અનિચ્છનીય બનાવનો ભોગ ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સૂંડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતિત હોય તે સ્વાભાવિક છે. પ્રજાના જાનમાલના રક્ષણની જેની જવાબદારી છે તેવા પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર ગ્રામ્ય વિસ્તારના તમામ માર્ગો અને આંતરિક શેરીઓ અને બાંધકામ સાઈટો પર પેટ્રોલિંગ કાર્ય કરવામાં આવી રહ્યું છે. માધાપર પોલીસની આ કામગીરી અત્યારે જનતાના દિલો દિમાગમાં અતિ ઉત્તમ છાપ છોડી ગઈ હોવાની ચર્ચા થઈ રહી છે.
માધાપર ગામમાં શિયાળાની ઠંડીનો લાભ લઈ કોઈ અસામાજિક તત્વો ઘરફોડ ચોરી કે અન્ય કોઈ અપરાધિક પ્રવૃત્તિને અંજામ ન આપે તેવા ઉદ્દેશ સાથે પ્રથમ વખત જ ડ્રોન કેમેરા દ્વારા મધરાતે એક વાગ્યાથી પરોઢિયે ચાર વાગ્યા સુધી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવાની વાત અહીંના પોલીસ મથકના પીઆઇ કુલદીપ ગઢવીએ કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસના જવાનો છેલ્લા દસ પંદર દિવસથી રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેમાં ડ્રોન કેમેરા દ્વારા અપરાધિક પ્રવૃત્તિને રોકવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
•પંચાયતના 80 કેમેરા કાર્યરત છે, ડ્રોન પદ્ધતિ સોનામાં સુગંધ ભેળવે તેવી છે: અરજણ ભુડીયા, સરપંચ
પોલીસે અપરાધિક તત્વોને પકડવા માટે ઉપયોગમાં લીધેલી ડ્રોન કેમેરા પદ્ધતિની સરાહના કરતા માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ અરજણભાઈ ભુડિયાએ કહ્યું હતું કે, પંચાયત દ્વારા સમગ્ર ગામમાં 80 જેટલા નાઈટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા છે. જેને લઈને જાહેરમાં થતી અસામાજિક પ્રવૃત્તિ પર રોક લાગી છે. વર્તમાન સમયમાં પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી કરવામાં આવતી પેટ્રોલિંગ કામગીરી સોનામાં સુગંધ ભેળવે તેવી છે. તેમ છતાં અમુક રહેણાંકના લોકો તેમજ સોસાયટી વિસ્તારોના દુકાનદારો દ્વારા 24 કલાક ચાલે તેવા સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ. જેથી છેવાડાના વિસ્તારોમાં પણ થતી અપરાધિક તેમજ અસામાજિક પ્રવૃત્તિને રોકી શકાય તેવી પણ વાત પર ભાર મૂક્યો હતો.