ગાંધીનગરના ચંદ્રાલામાંથી દેશી વિદેશી દારૂ સહિત પાંચ લાખનો મુદ્દા માલ એલસીબીએ કબજે કર્યો : આરોપી પોલીસ પકડથી દૂર
• ગાંધીનગરની એલસીબી૦૧ની ટીમે કામગીરી કરી
• દારૂનો ધંધાર્થી પોલીસ પકડથી દૂર, ગુનો નોંધાયો
• પોલીસે કાર સહિત 5.30 લાખનો મુદ્દામાલ કબજે લીધો
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
ગાંધીનગર જિલ્લાના નાયબ પોલીસ મહાન નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવની સુચનાથી જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ જિલ્લામાંથી દારૂની બદીને નાબૂદ કરવા માટે તેમજ દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓને પકડી પાડીને અસરકારક કામગીરી કરવા માટે સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. ડીબી વાળાને સુચના અપાઈ હતી. જે સંદર્ભે સ્થાનિક ગુના શોધક શાખા ૦૧ના પીએસઆઇ જે જે ગઢવી સહિતની ટીમ કાર્ય કરી રહી હતી. તે દરમિયાન ટીમના જાંબાજ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કુબેરસિંહ, કોન્સ્ટેબલ જયદીપસિંહ વિક્રમસિંહ અને કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહને ચંદ્રાલા ગામમાં દારૂ વેચાતો હોવાની બાતમી મળી હતી.
પોલીસ ટીમને મળેલી બાતમી આધારે ચંદ્રાલા ગામના સાદરિયા વાસમાં રહેતા ખોડાજી રમતુજી ઠાકોરના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 113 નંગ બોટલ ₹30,165 ની જ્યારે 35 લીટર દેશી દારૂ ₹700ની સાથે આરોપીની પાંચ લાખની કિંમતની swift કાર પણ કબજે દીધી હતી. જોકે પોલીસના દરોડા દરમિયાન ખોડાજી ઠાકોર ઘરે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે તમામ કાનૂની કાર્યવાહી આટોપી ખોડાજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોધી તેને પકડી પાડવા માટે પગેરુ દબાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.