• રાજ્ય ગૃહ મંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરાયેલી લેખિત રજૂઆતથી કેટલાક અધિકારીઓ અને વહીવટદારોનો ‘વટ’ ઉતારે તો નવાઈ નહીં
• સોલા, ચાંદખેડા જેવા અનેક મલાઈદાર પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો પોતાના માનીતાઓને સોંપે છે ‘વહીવટ’ની ખાસ કામગીરી
• ઉચ્ચકક્ષાએ લખાયેલા પત્રથી રાજ્યના પોલીસવડા અને ગૃહ મંત્રી કોઈ પગલા ભરશે કે કેમ તે અંગે પોલીસ બેડામાં ભારે ગરમી સાથે ચર્ચા છેડાઈ
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
અમદાવાદમાં આવેલા અંદાજે 52 થી 54 જેટલા પોલીસ મથકો પૈકી મોટાભાગના પોલીસકોમાં જે તે જ્ઞાતિના પોલીસ ઇન્સ્પેકટરો ફરજ બજાવતા હોય તે જ જ્ઞાતિના કોઈ પોલીસ કોન્સ્ટેબલને ‘વહીવટદાર’ તરીકેનું ખાસ કામ સોંપવામાં આવતું હોવાની રજૂઆત રૂપી હૈયા વરાળ લેખિત રીતે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજ્ય ગૃહ મંત્રીને કરવામાં આવતાં પોલીસ બેડામાં અને સમાચાર માધ્યમોમાં આ અંગે ભારે ગરમાવા સાથેની ચર્ચા છેડાઈ છે. જેને લઇને સંભવત આવનારા દિવસોમાં ઉચ્ચકક્ષાએથી કોઈ કાર્યવાહી થાય તો અનેક પોલીસ અધિકારીઓ અને તેમના વહીવટદારોનો ‘વટ’ ઉતરી જશે એવું માનવામાં આવી રહ્યું છે.
જાણવા મળેલી વિગતો પ્રમાણે કહેવાય છે કે અમદાવાદ શહેરના મોટાભાગના પોલીસ મથકોમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર ફરજ બજાવે છે તે લગભગ પોતાની જ્ઞાતિના પોલીસ કર્મચારીને પોલીસ મથકના હદ વિસ્તારના ‘વહીવટ’ની કામગીરી સોંપે છે. જેને લઈને આ આમ તો નિયમ વિરુદ્ધની કહેવાતી કામગીરી માટે વહીવટ મેળવવા ઈચ્છતા અન્ય પોલીસ કર્મચારીઓમાં ભારે કચવાટ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે શહેરની કે કંપનીમાં મૂકી દેવાયેલા કોઈ એક પોલીસ કોન્સ્ટેબલે રાજ્યના પોલીસવડા અને ગૃહ મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને એક પત્ર લખીને શહેરના કયા પોલીસ મથકોમાં કયા પોલીસ અધિકારીઓ પોતાના માનીતા અને પોતાની જ્ઞાતિના વ્યક્તિઓને ‘વહીવટદાર’ તરીકેની કામગીરી સોંપે છે. તેની વિગતો આપી છે.
કે કંપનીના જે તે કર્મચારીએ ઉચ્ચકક્ષાએ એક પત્ર લખીને એવો પણ આક્ષેપ કર્યો હોવાનું કહેવાય છે કે સોલા, ચાંદખેડા જેવા અનેક મલાઈદાર પોલીસ મથકોમાં ચૌધરી જ્ઞાતિના અધિકારીઓ દ્વારા તેમની જ જ્ઞાતિના લોકોને પોલીસ મથક વિસ્તારનો ‘વહીવટ’ કરવાની ખાસ કામગીરી સોંપી છે. જોકે પત્રમાં કરાયેલા આક્ષેપો અને જે વિગતોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેને લઈને રાજ્ય ગૃહ મંત્રી અને રાજ્યના પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો અનેક વહીવટદારો અને તેમના સાહેબોની પોલ પાધરી થઈ શકે તેમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે કે રાજ્ય ગૃહ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્ઠાથી કામ કરવામાં આવશે તો શહેરભરના પોલીસ મથકોમાં કથિત રીતે વધી ગયેલા વહીવટદારના કહેવાતા ત્રાસમાંથી અનેક લોકોને મુક્તિ મળી શકે તેમ છે.
• આ વહીવટદાર એ કઈ ‘બલા’નું નામ છે?
જે તે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના પોલીસ મથક તાબાના વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા સહિતની અનેક પ્રવૃત્તિના સંચાલકો સાથે વાતચીત કરી શકે અને કહેવાતી સાઈડની કમાણી એટલે કે ટેબલ નીચેની આવક રળી આપે તેવા એક ‘કાબેલ’ પોલીસ કોન્સ્ટેબલને ‘વહીવટદાર’નું પદ આપવામાં આવતું હોય છે. જે વહીવટદાર પોતાના ‘સાહેબ’ માટે ગમે તેવી અઘરી કામગીરી પણ કરતા હોવાનું કહેવાય છે. જોકે ‘વહીવટદાર’ નિમણૂંક પોલીસ વિભાગ ના નિયમ અનુસાર નહીં પરંતુ જે તે પોલીસ મથકના અધિકારીની આંખની પસંદગીથી થતી હોય છે.
• કે કંપની શું છે? કાર્યવાહી થાય ત્યારે વહીવટદારને કે કંપનીમાં કેમ મુકાય છે?
જે તે પોલીસ મથક વિસ્તારમાં પોલીસની જ અન્ય એજન્સી દ્વારા દારૂ -જુગાર કે પછી અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે સરકાર કે જે તે એજન્સી દ્વારા જે તે પોલીસ મથકના ‘વહીવટદાર’ને બલિનો બકરો બનાવી દેવામાં આવે છે અને તેઓએ કોઈ નક્કર કામગીરી કરી છે તેવું બતાવવા માટે વહીવટદારને શહેરના હેડ ક્વાર્ટરમાં આવેલી કે કંપનીમાં ફરજ સોંપવામાં આવે છે. જ્યાં તેણે હથિયારધારી કંપની સાથે પોતાની ફરજ બજાવવાની હોય છે. જે ફરજ નીતિ નિયમ અનુસાર કોઈ પણ ક્ષેત્રમાં હોઈ શકે છે. એટલું જ નહીં તેમણે તે ફરજ નિયત કરેલા સમય સુધી ફરજિયાત પણે બજાવવાની હોય છે.જોકે પહોંચેલા વહીવટદાર ઉચ્ચ અધિકારીઓના સહકારથી કે કંપનીમાં બેઠા બેઠા પણ જે તે પોલીસ મથકનો વહીવટ કરતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.