Apna Mijaj News
અંતરની વ્યથા

મિ. વિનોદ ચાવડા ભલે તમે ત્રીજી વાર સાંસદ બનો પણ..

માંડવી તાલુકાના લુડવા ગામના રહીશો ભલે સ્માર્ટ ફોન લઈને ફરે પણ મોબાઈલ ટાવર રેન્જની સુવિધા મળે છે 19મી સદી જેવી

• 21 વર્ષ પૂર્વે ગઢશીશામાં મોબાઈલ ટાવર કાર્યરત કરી જનતાને દૂરસંચારની સુવિધા આપવામાં આવી પરંતુ સેવા લકવા ગ્રસ્ત

લુડવા નજીક ત્રણેક કિ.મી.ના અંતરે આવેલા ભેરૈયા-દરસડીના મોબાઇલ ટાવરો કાર્યરત પણ લુડવાના ગ્રાહકોને સેવામાં ઠેંગો

લુડવાના ગ્રામજનોનો નેતાઓ ચૂંટણી સમયે લાભ લે છે પરંતુ રહીશોને મોબાઈલ સેવાનો લાભ આપવા કોઈ આગળ આવતું નથી

• ગામના સ્થાનિક ભાજપી આગેવાનો પણ સાંસદ તેમજ ધારાસભ્યની પાછળ ખોબા પકડીને દોડે છે પણ મામૂલી કામ કરાવી શકતા નથી

અપના મિજાજ ન્યુઝ:

         માંડવી તાલુકાના લુડવા ગામના રહીશો હાથમાં સ્માર્ટ ફોન લઈને ફરે છે. પરંતુ તેમને તેમના ફોનમાં 19 મી સદીમાં જે દૂરસંચારની સુવિધા મળતી હતી તે જ પ્રાપ્ત થઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અંદાજે 21 વર્ષ પૂર્વે ગઢસીસા વિસ્તારમાં લોકોને મોબાઇલ ફોનની સુવિધા મળી રહે તે માટે એક ટાવર ઊભું કરવામાં આવ્યું હતું. જેની રેન્જ મર્યાદિત હોવાથી ભેરૈયા તેમજ દરસડી વિસ્તારમાં પણ મોબાઈલ ટાવરો ઉભા કરી લોકોને દૂરસંચારની સુવિધા આપવા પ્રયાસ કરાયો છે. પરંતુ એ બંને ગામના ત્રણેક કિ.મી. દૂર તેમજ ગઢસીસા- ભુજના મુખ્ય માર્ગ ઉપરના જ લુડવા ગામના મોબાઇલ ફોન ધારકોને કોઈપણ મોબાઈલ કંપની સંતોષકારક સુવિધા આપી શકી નથી. વર્ષોથી મોબાઇલ ટાવરના રેન્જની સુવિધાથી વંચિત ગ્રામજનોનો ચૂંટણીના સમયે રાજકીય નેતાઓ ઉપયોગ કરતા રહ્યા છે પરંતુ તેમને મહત્વની ગણાતી અને આજના વિકસિત યુગમાં મળવી જોઈતી મોબાઈલ સેવાનો લાભ જિલ્લામાં છેલ્લા બે ટર્મથી ચૂંટાતા સાંસદ વિનોદ ચાવડા કે પછી માંડવીના કોઈપણ ભાજપી ધારાસભ્ય અપાવી શક્યા નથી. જેથી લોકોમાં એક ચર્ચા એવી પણ છે કે,મિ. વિનોદ ચાવડા તમે ત્રીજી વખત સાંસદ બનો એમાં વાંધો નથી પરંતુ લુડવામાં એક મોબાઈલ ટાવરની સુવિધા તો કરાવી આપો,જેથી અમારે ગામની બહાર જઈને મોબાઈલ ફોનના ઉપયોગ ન કરવા પડે અને ઘર બેઠા સુવિધા મળી રહે!’

       માંડવી તાલુકાના વસ્તીની દ્રષ્ટિએ મોટા ગણાતા ગઢસીસા ગામમાં અંદાજે વર્ષ 2003-4 માં મોબાઈલ ટાવર કાર્યરત કરીને સમગ્ર વિસ્તારની જનતાને દૂર સંચારની સુવિધા આપવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે સમય જતા ગઢસીસામાં કાર્યરત મોબાઇલ ટાવરની રેન્જ મર્યાદિત હોવાથી આસપાસના ગામોમાં મોબાઈલ ફોન ધરાવતા ગ્રાહકોને ઘર બહાર નીકળીને અથવા તો કોઈ ઊંચાઈ કે સીમના વિસ્તારમાં જઈને મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટને ટાવરની રેન્જમાં લાવ્યા પછી જ વાતચીત કરી શકાતી હતી. જે અ સુવિધાને ધ્યાનમાં લઈને મોબાઈલ કંપની દ્વારા ગઢસીસા વિસ્તારના ભેરૈયા તેમજ દરસડી ગામની સીમમાં મોબાઈલ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. જેને લઈને એ મોબાઇલ ટાવરો અમુક ગામોને સારી રેન્જ આપી દૂરસંચારની સુવિધા આપી રહ્યા છે. પરંતુ બંને ગામથી અંદાજે ત્રણ કિલોમીટરના અંતરમાં આવેલા લુડવા ગામના મોબાઈલ ફોન ધારકોને આજે પણ પોતાના ઘરમાં બેસીને મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સાથે વાત નથી થઈ શકતી. એટલું જ નહીં પરંતુ ઇન્ટરનેટના જમાનામાં ગ્રાહકોએ 20,000 થી 80,000 સુધીની કિંમતના સ્માર્ટ મોબાઈલ ફોન વસાવ્યા છે. પરંતુ મોબાઈલ ટાવરની રેન્જ પકડે તો ગ્રાહકો અને એમાં પણ ખાસ કરીને યુવા ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકે ને?

• છેલ્લા એક દાયકાથી ભાજપી સાંસદ તેમજ ધારાસભ્ય ગ્રામજનોની સમસ્યા હલ કરી શક્યા નથી

    માંડવી તાલુકાની વિધાનસભા બેઠક પર છેલ્લા દોઢ દાયકાથી ભાજપના ધારાસભ્ય તેમજ એક દાયકાથી લોકસભા બેઠક પર ભાજપના સાંસદ વિનોદ ચાવડા જનતાનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. જેઓએ માત્ર આ વિસ્તારમાં મતદારોના મતનો લાભ લીધો હોય તેવી પ્રતીતિ મોબાઇલ સેવાથી અસંતુષ્ટ ગ્રાહકો અનુભવી રહ્યા હોવાની વાત સપાટી ઉપર આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારમાં બેઠેલા જનતાના પ્રતિનિધિઓ કચ્છ જિલ્લામાં સારો એવો વિકાસ થયો છે. તેવું ઢોલ વગાડી વગાડીને કહે છે પરંતુ લુડવા જેવા શિક્ષિત અને સમૃદ્ધ ગણાતા ગામના લોકોને એક મામૂલી મોબાઈલ ટાવરની સુવિધા આપવામાં અવિક્સિત રહ્યા હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.

ગામના સ્થાનિક ભાજપી આગેવાનોની ‘પીપુડી’ સાંસદ અને ધારાસભ્યની સામે વાગતી ન હોય તેવી છાપ

    છેલ્લા બે દાયકાથી લુડવા ગામના રહીશો અને તેમાં પણ ખાસ કરીને આજના યુગમાં ઇન્ટરનેટ સેવાનો સૌથી વધુ ઉપયોગ કરતા યુવાનો તેમજ અમુક ઉદ્યોગપતિઓને મોબાઈલ ટાવરની સુવિધા નહીં મળવાથી મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે. સાથોસાથ એવા પણ આક્ષેપો સામે આવ્યા છે કે ગામના કહેવાતા ભાજપના આગેવાનો ઈસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને ભાજપના સાંસદ અને ધારાસભ્યોની પાછળ ખોબો પકડીને દોડાદોડ કરતા હોય છે. પરંતુ ગ્રામજનોને સતાવતી મહત્વની ગણાતી મોબાઇલ સુવિધા અપાવવામાં તેમની પીપૂડી વાગતી ન હોય તેવી છાપ ઉપસી આવી છે. રાજકીય કાર્યકર હોવું અને બતાવવું તે બંને અલગ બાબત છે. સાચો રાજકીય કાર્યકર એ છે કે જે પોતાના ગામનો વિકાસ કરાવે અને ગ્રામજનોને નડતી સમસ્યાઓ દૂર કરાવે. પરંતુ કહેવાય છે કે અહીંના આગેવાનો માત્ર અને માત્ર પોતાના જ રાજકીય રોટલા શેકી રહ્યા છે. એક ચર્ચા એવી પણ છે કે પોતાને ભાજપના કાર્યકર કહેવડાવતા રાજકીય આગેવાનો ધારાસભ્યો અને સાંસદની મદદથી માત્ર અને માત્ર પોતાને કોઈ કોન્ટ્રાક્ટ મળી જાય તેમાં જ રચ્યા પચ્યા રહે છે અને ગ્રામજનોને સુવિધા આપવામાં ઠેંગો બતાવી રહ્યા છે.

Related posts

કથિત પત્રકારો લોકશાહીના ચોથા સ્તંભને ધ્વંસ કરી દેશે!

ApnaMijaj

આ મહિલાઓ નરેન્દ્ર મોદી માટે શું બોલી?

ApnaMijaj

બોલો, કચ્છના સાંસદથી મામુલી કામ થતું નથી

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!