રણાસણ ટોલનાકા પાસે નરોડા પોલીસે કન્ટેનર રોક્યું, તપાસ કરી તો એસીની આડમાં લઈ જવાતો દારૂ મળ્યો
• નરોડાના પીએસઆઇ બીએમ જોગડા તેમની સર્વેલન્સ ટીમ સાથે પેટ્રોલિંગ કરતા હતા ને સફળતા હાથ લાગી
• પોલીસે કન્ટેનરમાંથી રૂ. 21.18 લાખના વિદેશી પ્રકારના દારૂની કુલ 3,960 બોટલ સાથે ચાર લોકોને દબોચી લીધાં
• કન્ટેનરમાંથી 240 નંગ એર કન્ડિશન પણ મળી આવ્યા, ટ્રક, બલેનો કાર સહિત કુલ 80 લાખનો મુદ્દામાલ કબજે
અપના મિજાજ ન્યુઝ: ધવલ ઠાકર (નરોડા)
અમદાવાદ શહેરના નરોડા પોલીસ મથક વિસ્તારમાં આવતા રણાસણ ટોલનાકા પાસેથી પોલીસે બાતમી આધારે એક બંધ બોડીની ટ્રકને રોકીને તેની તલાસી લેતા ટ્રકમાંથી એર કન્ડિશનની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાના દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક, કાર અને એર કન્ડિશન સહિત અંદાજે રૂપિયા ૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીની ધરપકડ કરી તપાસનું પગેરું દબાવ્યું છે.
નરોડા પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ પોલીસ મથક તાબા વિસ્તારમાંથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓએ આપેલી સૂચનાના પગલે પોલીસ મથકના પી.આઈ સંજય ભાટીયા, પીએસઆઇ બીએમ જોગડા સહિતનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સાંજના અરસામાં પોલીસ મથક તાબા વિસ્તારના રણાસણ ટોલનાકાથી એક ટ્રક દારુ ભરીને જઈ રહી હોવાની બાતમી મળી હતી. જેને લઈને પોલીસે માર્ગ પર આડશો ઊભી કરી ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન બાતમી વાળી ટ્રક અને એક બલેનો કાર અહીંથી પસાર થતાં તેને રોકીને તપાસ હાથ ધરવામાં આવતા હરિયાણાથી દારૂનો જથ્થો ટ્રકમાં લાદીને લઈ જવા તો હતો તે પોલીસના હાથ લાગ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન રાજસ્થાન તેમજ હરિયાણાના ચાર શખ્સોની અટકાયત કરી તેમના કબજામાં રહેલી ટ્રકમાંથી વિદેશી પ્રકારના દારૂની કુલ 3,960 નંગ બોટલ જેની કિંમત 21,18,600, પાંચ મોબાઇલ ફોન કિં.રૂ. 27,000, આઠ લાખનું ટ્રક કન્ટેનર, ચાર લાખની કાર, 240 નંગ એસી કિં.રૂ. 46, 04,928, મળીને અંદાજે કુલ રૂ. 80 લાખનો મુદ્દામાલ કબજે કરીને પકડાયેલા શખ્સો વિરુદ્ધ દારૂબંધીની કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.