છત્રાલ જી.આઈ.ડી.સી ખાતેની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતા રૂ. ૭૯ લાખની કિંમતનો ૧૬,૦૦૦ કિ.ગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ.જી.કોશિયા
ગાંધીનગર:અપના મિજાજ ન્યૂઝ
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમ દ્વારા બાતમીના આધારે શંકાસ્પદ પેઢી ખાતે તપાસ હાથ ધરતા ઘીમાં ભેળશેળ થતી હોવાનું ધ્યાને આવતા શંકાસ્પદ ઘીનો રૂ. ૭૯ લાખની કિંમતનો ૧૬,૦૦૦ કિ.ગ્રા જથ્થો જપ્ત કરાયો છે.
વધુમાં જણાવ્યા અનુસાર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા છત્રાલ જી.આઈ.ડી.સી ખાતેની મે. સ્વાગત પ્રોડક્ટ ખાતે રેડ કરતા ત્યાં ઘી સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા હતા, જેને ઘીમાં ભેળવીને વેચાણ થતું હોવાની શંકાના આધારે પેઢીના માલિક શ્રી જીગરભાઈ પટેલની હાજરીમાં ઘીના કુલ ૧૫ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો રૂ. ૭૯ લાખની કિંમતનો ૧૬,૧૫૯ કિ.ગ્રા. જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.