વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊંડા દરિયામાં સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કર્યા
વડાપ્રધાનશ્રીએ ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ અર્પણ કર્યું
પૌરાણિક દ્વારકા નગરીના દર્શન કરી વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત થયો: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી
દરિયાની અંદર પ્રાચીન દ્વારિકા નગરીના અવશેષોને સ્પર્શ કરવાનું વર્ષો જૂનું મારું સ્વપ્ન પૂર્ણ થયું:વડાપ્રધાનશ્રી
ઊંડા દરિયામાં મેં પુરાતન ભવ્યતા તથા દિવ્યતાનો અનુભવ કર્યો:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
દેશ કાજ કરવા સાથે દેવ કાજ કરવાનો દિવ્ય અનુભવ કરી રહ્યો છું
ગાંધીનગર:અપના મિજાજ ન્યૂઝ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી ઊંડા દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરી પુરાતન ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાહસિક ગણાતા સ્કૂબા ડાઇવિંગ કરીને ઊંડા દરિયામાં ભગવાનશ્રી કૃષ્ણની પ્રાચીન નગરી દ્વારિકાના દર્શન કર્યા હતા. આ અગાઉ લક્ષદ્દીપ ખાતે પણ વડાપ્રધાનશ્રી એ સાહસિક એવું સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, પુરાતત્વીય જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો કર્યા છે. જેને કારણે મારી પ્રાચીન દ્વારિકા દર્શન કરવાની તેમજ તેને જોવાની વર્ષોથી ઈચ્છા હતી.જે મારું સ્વપ્ન આજે પૂરું થયું છે. આજરોજ ભગવાનશ્રી કૃષ્ણની પાવન ભૂમિ પર પધારવાનો મને અવસર મળ્યો ત્યારે સમુદ્રમાં રહેલ પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરી પુરાતન ભવ્યતા તથા દિવ્યતાનો અનુભવ કર્યો તથા ભગવાનશ્રી કૃષ્ણનું સ્મરણ કરી મોરપંખ પ્રાચીન દ્વારિકા નગરીને અર્પિત કરી ગૌરવ અનુભવુ છું.હું દેશ કાજ કરવા સાથે દેવ કાજ કરવાનો દિવ્ય અનુભવ કરી રહ્યો છું.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, આ દર્શન દરમ્યાન ૨૧ મી સદીમાં ભારતના વૈભવની તસવીર પણ મારી આંખોમાં ઘૂમી રહી હતી.પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કરી વિકસિત ભારતનો મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે. સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આસ્થા અને પ્રવાસનમા વધુ એક મોતી ઉમેરાયું છે.પ્રવાસીઓ સ્કૂબા ડાઇવિંગથી મૂળ દ્વારિકાના દર્શન કરી શકે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે સોમનાથ, માધવપુર, પોરબંદર, દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર તથા સુદર્શન સેતુથી પ્રવાસન વિભાગને ઉતેજન મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારકાના ઊંડા દરિયામાં સાહસિક એવું સ્કૂબા ડાઇવિંગ કરતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે,શાસ્ત્રોમાં પણ પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ છે.ભગવાન વિશ્વકર્માએ દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું હતું.જે ભારતમાં શ્રેષ્ઠ નગરનું ઉત્તમ ઉદાહરણ છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધા પૂર્વક નમન કરતા તેમણે ઉમેર્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશ સ્વરૂપે અહી બિરાજમાન છે.અહી જે થાય છે તે દ્વારકા ઈચ્છાથી થાય છે.આદિ શંકરાચાર્યએ અહી શારદાપીઠની સ્થાપના કરી હતી. નાગેશ્વર જ્યોતિર્લિંગ,રુકમણી મંદિર અહીના આસ્થાના કેન્દ્રો છે.