વડાપ્રધાનશ્રીનો જય દ્વારકાધીશના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણનગરી દ્વારકામાં આવકાર
દ્વારકા હેલીપેડથી જગત મંદિરના માર્ગ ઉપર હાલાર પ્રદેશની સાંસ્કૃતિક વિરાસતના થયા દર્શન
ઓખા મંડળના નાગરિકોનું ઉત્સાહસભર અભિવાદન ઝીલતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી
ગાંધીનગર:અપના મિજાજ ન્યૂઝ
ઓખા ખાતે નિર્માણ પામેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કરી દ્વારકા ખાતે આવી પહોંચેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારકા ખાતે હેલીપેડથી મોટર માર્ગે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા જવા નીકળેલા વડાપ્રધાનશ્રીનું માર્ગમાં ઠેરઠેર નાગરિકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
ઓખા મંડળ વિસ્તારની આગવી ઓળખ જોવા મળે એ રીતે પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે આવેલા ગ્રામીણો ઉપરાંત નગરજનો કાફલાના માર્ગમાં ગોઠવાઇ ગયા હતા. કેટલીક મહિલાઓએ તો રીતરસનો રાસગરબા શરૂ કરી દીધા હતા. કૃષ્ણભક્તિના સુગમ સંગીત, ઢોલ અને શરણાઇઓ સાથે ગોઠવાયેલા આ જનસમુહ વડાપ્રધાનશ્રીને નીહાળવા માટે આતૂર હતા.
મોટર માર્ગ ઉપર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલા સ્ટેજ પરથી કલાકારોએ રંગરંગ તેમજ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ અભિવાદન ઝીલતી વેળાએ જનસમુહએ હર્ષનાદ કરી વડાપ્રધાનશ્રીનું દ્વારકા નગરીમાં સ્વાગત કર્યું હતું. મોટર માર્ગ જય દ્વારકાધીશના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.
-
દ્વારકા હેલીપેડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સાંસદ શ્રી સી. આર. પાટીલ, શ્રી રમેશભાઇ ધડુક, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ડીજીપી શ્રી વિકાસ સહાય, કલેક્ટર શ્રી જી. ટી. પંડ્યા સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનશ્રીને આવકાર્યા હતા.