વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેના નિગમો માટે આ બજેટમાં રૂ. ૨૯૩ કરોડની જોગવાઇ કરાઇ
અમારી સરકાર ‘‘સૌનો સાથ અને સૌનો વિકાસ’’ના મંત્રને વરેલી સર્વ સમાવેશીય સરકાર: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
ગાંધીનગર: અપના મિજાજ ન્યુઝ
વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિના નિગમો સંદર્ભે પૂછાયેલા પુરક પ્રશ્નોના જવાબ આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે વિકસતી જાતિ કલ્યાણ અને અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓ માટે અનુક્રમે રૂ. ૨,૧૧૨ કરોડ અને રૂ. ૧૨૪૦ કરોડ જેટલી માતબાર રકમની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત વિકસતી જાતિ કલ્યાણ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં રૂ. ૧,૫૪૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા રૂ. ૮૫૧નો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખર્ચની આ રકમ કુલ ૮ નિગમો દ્વારા અપાતી લોન સહાય ઉપરાંતની છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓને કુલ ૮ નિગમો મારફતે અપાતી લોન સહાય ઉપરાંત પ્રિ અને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ, વિદેશ અભ્યાસ લોન અને આવાસ યોજનાઓ જેવી અનેકવિધ યોજનાઓનો લાભ આપવા માટે વિકસતી જાતિ કલ્યાણ અને અનુસૂચિત જાતિ કલ્યાણનું અલાયદુ તંત્ર અસ્તિત્વમાં છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેના કુલ ૮ નિગમો માટે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૧૯૮ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આ ૮ નિગમો માટેની જોગવાઇઓમાં માતબર વધારો કરી રૂ. ૨૯૩ કરોડની રકમ ફાળવી છે જે ગત વર્ષ કરતાં ૫૦% જેટલી વધારે છે.
અમારી સરકાર ‘‘સૌનો સાથ અને સૌનો વિકાસ’’ના મંત્રને વરેલી સર્વ સમાવેશીય સરકાર છે. અમારી સરકાર નબળા વર્ગોના વિકાસ માટે પ્રતિબધ્ધ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.