Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

ગાંધીનગર અભયમ બની અબળાની રક્ષક

દહેગામની યુવતીના હૃદયની અભયમ ટીમે ‘ભાવના’ સમજી ક્રોધિત પરિવારને “ગીતા” સમુ જ્ઞાન આપી સમસ્યા ઉકેલી કાઢી

ગ્રામ્ય વિસ્તારની યુવતીનો પરિવાર તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવવા માગતો હોઈ ઘર તેમજ સ્વજનોનો ત્યાગ કરી દીધો હતો

ઘર-પરિવાર છોડીને ગયેલી યુવતીએ પુરુષ મિત્રનું શરણું લીધું પરંતુ તેણે પણ દુઃખમાં સહભાગી બનવાના બદલે મોઢું ફેરવી લીધું

આખરે તમામ બાબતોથી હારી ગયેલી યુવતીએ પરત ઘરે જવા મોડી રાત્રે અભયમ્ 181ને કોલ કરીને મદદરૂપ બનવા જણાવ્યું

અપના મિજાજ ન્યુઝ: સંજય જાની

        દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક યુવતીના પરિવારજનો તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવવા માગતા હોઈ યુવતી પોતાનું ઘર અને સ્વજનોને છોડીને પુરુષ મિત્રના શરણે પહોંચી હતી. પરંતુ તેણે પણ આપત્તિના સમયમાં સહકાર આપવાના બદલે મોઢું ફેરવી લેતા જીવનનો સંઘર્ષ હારેલી યુવતીને સંભવત પોતાની ભૂલ સમજાઈ અને આખો દિવસ ભ્રમણ કર્યા બાદ મોડી રાત્રે પરિવારજનો પાસે પહોંચવા આખરે અભયમ 181નો આશરો લીધો હતો. અભયમના કુશળ કાઉન્સેલર ‘ગીતાબેન ખાંટ’ તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ‘ભાવનાબેન પ્રજાપતિ’એ સમસ્યાથી પીડિત યુવતી પાસે તાત્કાલિક પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ યુવતીની વાત સાંભળી તેના પરિવાર સાથે કુશળતા પૂર્વક ચર્ચા કરીને યુવતીને સર્વાંગી રીતે મદદરૂપ બન્યા હતા.

     દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક યુવતીના પરિવારજનો તેની ઈચ્છા વિરુદ્ધ અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માગતા હોઈ યુવતી પરિવારના સભ્યોને છોડીને તેના પુરુષ મિત્ર પાસે મદદરૂપ બનવા સંપર્ક કર્યો હતો. પરંતુ પુરુષ મિત્રએ પણ તેને સહકાર આપવાની ના પાડી દેતા યુવતી મોડી રાત સુધી ઘરની બહાર રહી હતી. જે યુવતી પાસે પરત ઘરે જવા સિવાય કોઈ રસ્તો નહીં બચતા અને ઘર પરિવારના લોકો તેને ઠપકો આપશે અથવા તો તેની સાથે મારપીટ કરશે તેવો ભય સતાવતા તેણે અભયમ 181 ઉપર કોલ કરીને મદદ માગી હતી. મદદ માટેનો કોલ મળતા જ અભયમની ટીમ યુવતીએ બતાવેલા સ્થળ પર પહોંચી હતી. જ્યાં પહોંચીને તેઓએ યુવતી પાસેથી સઘળી હકીકત જાણી હતી.
        પીડિત યુવતીએ અભયમની ટીમ સમક્ષ પોતાની આપ વીતી સંભળાવતા ટીમે તેની ‘ભાવના’ સમજી યુવતીને લઈને તેના ગામ પરિવારજનો પાસે પહોંચ્યા હતાં. જ્યાં ઉપસ્થિત યુવતીના વાલી વારસો અને તેના ભાઈ સાથે મૃદુ અને સરળ ભાષામાં બંને મહિલા કર્મચારીઓએ વાર્તાલાપ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પરિવારના સભ્યોથી ભય અનુભવતી યુવતીને ‘નિર્ભય’બનાવવાના પ્રયાસ કરી પરિવારના સભ્યો તેમ જ યુવતી સમક્ષ ‘ગીતા’ સરીખું જ્ઞાન પીરસીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો. એટલું જ નહીં પરંતુ તેઓએ પરિવારજનોને યુવતીને ઠપકો નહીં આપવા અને માર નહીં મારવા સહિતની સમજણ સાથે કાયદાનું જ્ઞાન પણ આપી હિંસાના કિસ્સામાં શું થઈ શકે તેની સમજણ આપી હતી. બીજી તરફ અભયમના કુશળ બે મહિલા કર્મચારીઓએ પીડિત યુવતીને પણ પારકા લોકો માટે લાગણીના વહેણમાં નહીં તણાઈ ઘર પરિવારના સભ્યોની સલાહ સૂચન તેમજ તેમની ભાવના સમજવા માટે પણ પ્રેરણા આપી હતી. આમ, ગાંધીનગર અભયમ 181ની ટીમ વધુ એક વખત એક અબળા માટે ખરી ‘રક્ષક’ સાબિત થઈ હતી.

Related posts

ખારીકટ કેનાલ 1200 કરોડ મા રૂડી રૂપાડી થશે

ApnaMijaj

મધ્યપ્રદેશના પ્રભાતનો ‘અસ્ત’ થઈ ગયો!

ApnaMijaj

હર્ષ સંઘવીએ દાહોદ જિલ્લા પોલીસની પીઠ થાબડી

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!