સુરતમાં દીકરીની છેડતી કરનાર શ્રમિકને પકડવાના બદલે ઘટના ઉજાગર કરનાર પત્રકાર સામે શિંગણપોર પોલીસે શુરાતન દેખાડ્યું
• રસ્તે જતી અંદાજે 10 વર્ષની બાળા સાથે છેડતીની ઘટનાનો સીસીટીવીમાં કેદ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
• અત્યંત ધ્રુણાસ્પદ બનાવ અંગે સુરત પોલીસ કોઠીમાં મો નાખી સૂતી રહી, પત્રકારે જગાડવાનો પ્રયાસ કર્યો તો મરચાં લાગી ગયાં
• છેડતી અંગે ગુનો નહીં નોંધનાર પીઆઈ એસજી રાઠોડે અમદાવાદના બાહોશ પત્રકાર સામે ગંભીર કલમો તળે ફરિયાદ ઠોકી દીધી
• બેટી બચાવો, મહિલા સન્માન, ઉત્થાનની વાતો કરતી સરકાર, પોલીસને શિખામણ આપતા રાજ્ય ગૃહ મંત્રી સુરત ઘટનામાં પણ ગંભીર બનજો
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
સુરતમાં થોડા દિવસો પૂર્વે રસ્તે જતી એક અંદાજે 10 વર્ષની બાળાની કોઈ કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કરતા શ્રમિકે અત્યંત ધૃણસ્પદ કહી શકાય તેવી છેડતી કર્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈને સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતી થઈ હતી. જે અંગે અમદાવાદ સ્થિત ‘નવજીવન ન્યુઝ’ના પત્રકાર તુષાર બશીયાએ પ્રકાશ પાડીને સરકાર તેમજ સુરતના સિંગણપોર પોલીસ મથકના જવાબદારોને જગાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાના બદલે પત્રકાર સામે પોતાનું શુરાતન દેખાડતાં સુરત પોલીસનું ચસકી ગયું હોય તેવી છાપ જન માનસમાં ઉપસી છે.
સુરતમાં રસ્તે જતી અને ચોથા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીની સરેઆમ છેડતી થયાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પત્રકારે રાજ્યમાં બાળકો સાથે કરવામાં આવતી જાતિય સતામણી અંગે પોલીસ કેમ ઘટતા પગલાં ભરતી નથી તેવા સવાલ ઉઠાવતા સુરતની ઘટનામાં કોઠીમાં મો નાખીને સુતેલી પોલીસને પત્રકાર તુષાર બસિયાના વેધક સવાલોથી મરચાં લાગી જતાં સિંગણપોર પોલીસ પથકના પીઆઇ એસજી રાઠોડે માસુમ બાળાની સરેઆમ બિન્દાસ રીતે છેડતી કરનારને પકડવાના બદલે પત્રકાર ઉપર જ છેડતી અને પોક્સોની ગંભીર કલમો હેઠળ ખોટી ફરિયાદ ઠોકી દઈને પોતાની બુદ્ધિનું પ્રદર્શન છે. પરંતુ આ ઘટનાને લઈને રાજ્યમાં સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી પત્રકારત્વ કરતા અનેક કલમ વીરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ જનતાનો અવાજ બનીને સત્યની રાહ પર ચાલનારા પત્રકારો હવે પીઆઇ એસજી રાઠોડ તેમજ સુરત પોલીસે કરેલા કારસ્તાન સામે આગ બબુલા થયા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર બેટી બચાવો, મહિલા સન્માન અને ઉત્થાનની છેલ્લા કેટલાક વર્ષોથી પીપૂડી વગાડી રહી છે. પરંતુ સમાજમાં તેની વાસ્તવિકતા આખી અલગ જ જોવા મળતી હોય છે. સુરતની ઘટનામાં પણ બાળાની છેડતી કરવામાં આવી જેમાં પોલીસે છેડતીનો ભોગ બનનાર બાળાના માતા પિતા કે અન્ય કોઈ ફરિયાદ કરવા આગળ ન આવ્યા તેવું બહાનું ધરીને પોલીસે કોઈ જ ગુનો દરજ કર્યો ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે સિનિયર પત્રકાર તુષાર બશીયાએ આ ઘટના આવી તો શું પોલીસની ફરજ નથી બનતી કે તેઓ ખુદ ફરિયાદી બની શકે? છેડતી અંગેનો સીસીટીવી કેમેરાનો વિડીયો પુરાવો છે તો પછી શા માટે કોઈ ફરિયાદ આપે પછી જ કાર્યવાહી થાય તેવો અભિગમ પોલીસ રાખી રહી છે? સંભવત આવા પ્રશ્નોથી છંછેડાયેલા ગૃહ વિભાગ કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અથવા તો પીઆઇ રાઠોડે છેડતીનો ભોગ બનનાર બાળાના કેસમાં ખુદ પત્રકારને જ આરોપી તરીકે ઊભા કરી દીધા છે તે અત્યંત નિંદનીય બાબત છે.
• શું રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી આવી રીતે થઈ શકે?
‘રાષ્ટ્રીય બાલિકા દિવસ 2024’ ની ગુજરાત રાજ્યમાં ઉજવણી રાજ્યની વિધાનસભામાં ‘તેજસ્વી વિધાનસભા’ના રૂપકડા નામ સાથે કરવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી આવેલી બાળાઓએ મુખ્યમંત્રી, મંત્રી, વિપક્ષી નેતા, ધારાસભ્ય અને નેતાઓની ભૂમિકા ભજવીને વિધાનસભાને જીવંત બનાવી હતી. જોકે આ કાર્યક્રમને એશિયા બુક રેકોર્ડ્સ માં સ્થાન પણ મળ્યું છે. બીજી તરફ સુરતમાં ગત તા. ૧૨ જાન્યુઆરીએ બનેલી છેડતીની ઘટનામાં તારીખ 22 જાન્યુઆરી સુધી પણ કોઈ જ કાર્યવાહી છેડતી કરનાર વિકૃત શ્રમિક વિરુદ્ધ પોલીસ તરફથી કરવામાં આવી નથી. પરંતુ ઘટનાને ઉજાગર કરી રાજ્યના ગૃહ મંત્રી અને સુરતના પોલીસ કમિશનરનો કાન પકડનાર પત્રકાર સામે ગણતરીના સમયમાં જ ખોટી ફરિયાદ દાખલ કરી દેવામાં આવી. આ છે ગુજરાતની ભાજપ સરકારની વાસ્તવિકતા.
(તમામ ફોટો: સોશિયલ મીડિયા)