• પોતાની અને નવ માસની દીકરીની જીવનરેખા ટૂંકાવા નીકળેલી મહિલાને યોગ્ય સમયે ખુશ્બુ મિશ્રિત પ્રેમાળ રેખાનો સંદેશ મળી જતાં જીવન ધન્ય બન્યાનો અનુભૂતિ!
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક પરિણીતા પારિવારિક કંકાસમાં ગળે ફાંસો દઈ પોતાની અને અન્ય રીતે નવ માસની માસુમ બાળકીની જીવન રેખા ટૂંકાવા માટેની ગાંઠ વાળીને બેઠી હોવાનો સંદેશો કચ્છની અભ્યમ 181ની ટીમને મળ્યો હતો. જેને લઈને મહિલાઓની મદદ માટે દિવસે જ નહીં પરંતુ અડધી રાત્રે પણ અડધી રાતનો સતત હોંકારો ભણી દોડી જતી ટીમના કુશળ કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ અને પાઈલોટ ધનજીભાઈ તાત્કાલિક જિલ્લા મથક ભુજથી અંદાજે ૬૫ કિ.મી.નું અંતર કાપીને દોડી ગયા હતાં. જ્યાં તેઓએ પરિવારથી ત્રસ્ત મહિલાને આપઘાત કરવો ગુનાહિત પ્રવૃત્તિ છે અને વિપરીત સંજોગોમાં ભાંગી પડવું કાયરતા છે તેવી સમજણ આપી જીવન અમૂલ્ય છે. તેમજ સાંસારિક જીવનમાં આવતા ચડાવ અવતારની સમજણ આપી જીવન રેખા ટૂંકાવા ગાંઠ બાંધીને બેઠેલી મહિલાની પારિવારિક સમસ્યા સમજીને તમામ ગુંચ ઉકેલી સકારાત્મક્તા ખુશ્બુ ભર્યા વિચારની સમજણ આપીને વિખાતો માળો બચાવવા અનોખો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે ખરા અર્થમાં કહીએ તો અત્યંત પ્રેરણાદાયી અને પ્રશંસાને પાત્ર છે.
માંડવી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈને પોતાનું તેમજ અન્ય કોઈ રીતે પોતાની નવ માસની બાળકીને મૃત્યુના મુખમાં ધકેલવાની તૈયારી કરી લીધી હતી. જે અંગે કોઈ જાગૃત નાગરિકે પશ્ચિમ કચ્છ પોલીસમાં કાર્યરત અભ્યમ 181ની ટીમને આ અંગે માહિતગાર કરતાં તેમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પોલીસના હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ તેમજ પાઈલોટ ધનજીભાઈ જેટ ગતિએ બનાવ સ્થળે અંદાજે 65 કિલોમીટરનું અંતર કાપીને પહોંચ્યા હતાં. જ્યાં પોતાની અને તેમની નવ માસની દીકરીની જીવન રેખા ટૂંકાવવા બેઠેલી મહિલાની મુલાકાત કરીને સમસ્યા અંગેનો સમગ્ર ચિતાર મેળવ્યો હતો. જેમાં પીડીતા મહિલાએ અભ્યમ ટીમના કુશળ કાઉન્સેલર ખુશ્બુબેન પટેલને પોતાની આપ વીતી સંભળાવતા કહ્યું હતું કે, સાસુ, સસરા, જેઠ જેઠાણી અને પતિ સાથે સંયુક્ત કુટુંબમાં પોતે રહેતી હોઈ ઘરના કામકાજ બાબતે સાસુ તેમજ જેઠાણી સાથે ચકમક ઝરતી હતી. જોકે, સમસ્યાથી વાજ આવી તેઓ પતિ સાથે સસરાના અન્ય એક ઘરમાં અલગ રહેવા ગયા હતાં. પરંતુ જેઠના અપમૃત્યુના બનાવ બાદ પુનઃ સંયુક્ત રીતે રહેવાની વાત આવતાં કંકાસ શરૂ થયો હતો.
ઘર પરિવારમાં કંકાસની શરૂઆત થઈ જતાં પરિણીતાને બળજબરીથી તેમની 9 માસની બાળકી સાથે પિયરમાં મોકલવાની વાત ચાલતી હોઈ મહિલાએ તેના પતિને કહ્યું હતું કે તમે શા માટે મારા માતા-પિતાને આ બાબતે ફોન કરીને આપણા ઘર પરિવારમાં ચાલતા કંકાસ અંગેની વાત જણાવો છો? જેથી તેમના પતિએ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપતા પરિણીતાને મનમાં લાગી આવતા તેણે પોતે ગળેફાંસો ખાઈ તેમજ અન્ય રીતે પોતાની નવ માસની બાળકીના પણ પ્રાણ લઇ જીવન લીલા સંકેલી નાખવાનો નિર્ણય કરી લીધો હતો. જે સમગ્ર ઘટનાની જાણ અભયમ 181ને કરાતાં ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી સઘળી હકીકત જાણી સમગ્ર પરિવારને કાયદા કાનુન તેમજ પારિવારિક રીતે કેમ રહેવાય? જેવા અનેકવિધ પ્રશ્નોના સકારાત્મક પ્રત્યુતર આપી દેશનું બંધારણ, કાનૂન વ્યવસ્થા મહિલા હક તેમજ ઘરેલુ હિંસા સંબંધીત અનેકવિધ પ્રકારની જાણકારીઓ સાથે સકારાત્મક વાર્તાલાપ કરતા આખરે પીડીતા તેમજ તેનો પરિવાર પ્રેમ ભાવ તેમજ સકારાત્મક વિચારો સાથે એક સંપ થઈને રહેવા સહમત થયો હતો. આમ, પશ્ચિમ કચ્છમાં કાર્યરત અભ્યમ 181ની ટીમના કુશળ કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પોલીસના હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ તેમજ વાહનના પાયલોટ ધનજીભાઈએ પારિવારિક કંકાસમાં હતાશામાં ઘરકાવ થયેલી મહિલાને નવજીવન બક્ષી હોવાની ચર્ચા માંડવી તાલુકામાં જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લામાં થઈ રહી છે.