ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 3000 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવી નાખ્યું
• છેલ્લા એક વર્ષમાં રાજ્યમાંથી 13 જેટલા પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી
• વિકાસની આંધળી દોટમાં સરકાર રાજ્યમાં ઊભી થયેલી અસમાનતાની સ્થિતિ જોતી નથી
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
ગુજરાતમાં અંદાજે 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને રાજ્યનો સર્વાંગી રીતે વિકાસ થઈ ગયો હોવાની સરકાર દ્વારા જાહેરાતો કરાતી હોય છે. પરંતુ આ તમામ બાબતો વચ્ચે રાજ્યમાં લોકોના આત્મહત્યાના એમાં પણ ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી એક જ પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ ચિંતા ઉપજાવી રહી છે. આત્મહત્યાના બનાવોને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ બાબતને અતિશય ગંભીર ગણવા સાથે રાજ્ય સરકાર પણ આ મુદ્દે સંવેદનશીલ બને અને સામુહિક રીતે કરવામાં આવતી આત્મહત્યા અંગેના ઠોસ કારણો શોધી કાઢી આવા બનાવો ન બને તે દિશામાં નક્કર કામગીરી કરે તેવી માગણી ઉઠાવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ અંગે ચિંતા વ્યક્ત કરવા સાથે પ્રકાશ પાડતા કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં 13 જેટલા પરિવારોએ સામૂહિક રીતે આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે જે રાજ્ય સરકારની નાકામીનું પરિણામ છે. તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં લોકો આર્થિક સંકળામણ, સામાજિક અસુરક્ષા, હોય અને દેવાદારીના બોજ તળે દબાયા હોય તે રીતના અનેક કારણોસર અનેક પરિવારોએ મજબૂરીવશ જીવન ટૂંકાવી નાખ્યા છે. જે ગતિશીલ અને પ્રગતિશીલ કહેવાતા ગુજરાત રાજ્ય માટે ચિંતાનો વિષય છે અને આવા બનાવો રોકવા માટે સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા પરિવારોને આત્મહત્યા માટે મજબૂર કરી રહી છે. જે બનાવો રોકવા માટે સરકારે નક્કર કોઈ કાર્યવાહી કરવી પડશે. તેમ કહીને તેઓએ પરિવારોના સામૂહિક આત્મહત્યાના બનાવો સામે ખૂબ જ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
એટલું જ નહીં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે, રોજનું કમાઈને ખાતા ફેરીયા, લારી, પાથરણા વાળા રોજમદારોમાં પણ સામૂહિક આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. તેઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 3000 જેટલા વિદ્યાર્થીઓએ પણ જીવન ટૂંકાવી દીધા છે. આમ રાજ્ય સરકાર ગુજરાતની જનતાને ગુલાબી સપના ન બતાવી રાજ્યમાં સામૂહિક રીતે વધી રહેલા આત્મહત્યાના બનાવો રોકવા માટે સદંતર નિષ્ફળ રહેલી સરકાર આ દિશામાં નક્કર કાર્યવાહી કરે તેવી માગણી પ્રદેશ કોંગ્રેસે બુલંદ બનાવી છે.