ન્યુ ઇન્ડિયા હેકેથોન સ્પર્ધામાં સમગ્ર દેશમાં અવ્વલ આવી એરપોર્ટ સ્કૂલે મુખ્યમંત્રીના હસ્તે સન્માન પ્રાપ્ત કર્યું
અમદાવાદ: અપના મિજાજ ન્યુઝ
સરકાર દ્વારા ન્યૂ ઇન્ડિયા હેકેથોન સ્પર્ધાત્મક પ્રતિયોગિતા આયોજિત કરવામાં આવી હતી. જેમાં દેશભરની ટેકનિકલ વિભાગની યુનિવર્સિટીઓ અને કોલેજોએ ભાગ લીધો હતો. જેનું પરિણામ જાહેર થતાં ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી અમદાવાદની એરપોર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન મારીને દેશભરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. એરપોર્ટ સ્કૂલની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા ગાંધીનગરમાં ગત તા. 7 ડિસેમ્બરના આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
ટેકનોલોજીના ઝડપી યુગમાં સાયબર ક્રાઈમનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. જે ટેકનોલોજીના સંરક્ષણ માટે દેશની ટેકનોલોજી વિભાગની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા નીપુણતા પ્રાપ્ત કરવામાં આવી રહી છે. જેને લઈને દેશભરની આવી શૈક્ષણિક સંસ્થાઓ માટે ન્યૂ ઇન્ડિયા હેકેથોન સ્પર્ધાત્મક પ્રતિયોગીતા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અને કોઈ વિદ્યાર્થીએ પોતાનું કૌશલ્ય અને પ્રતિભા દર્શાવી હતી. જે પ્રતિયોગીતાનું પરિણામ જાહેર થયા બાદ અમદાવાદ સ્થિત એરપોર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ જ સ્પર્ધાત્મક ગણાતી પ્રતિયોગીતામાં દેશભરમાં અવ્વલ નંબર મેળવ્યો છે.
ન્યૂ ઇન્ડિયા હેકેથોન સ્પર્ધાત્મક પ્રતિયોગીતામાં એરપોર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્યના દર્શન કરાવતાં દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવી સ્કૂલ પરિવારનું નામ રોશન કરતા સ્કૂલ પરિવારે પણ ગૌરવની લાગણી અનુભવી છે. સાથોસાથ તેમની આ પ્રતિભાએ ભારત સરકારનું ધ્યાન ખેંચી પ્રશંસા પણ પ્રાપ્ત કરી છે. એરપોર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેના મેન્ટરને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે ગૌરવ પ્રદાન થતાં એરપોર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓમાં નવો જોમ અને જુસ્સો ભર્યો હોવાની લાગણી વિદ્યાર્થીઓ અને મેન્ટરે અનુભવી છે.