અમરેલીજિલ્લાના નાની કુકાવાવ ગામના ખેડૂત હરેશભાઈ પોપટભાઈ સોરઠીયાને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ જોડાણ રદ કરાવ્યા બાદ બાકી રહી ગયેલ માત્ર એક રૂપિયો ભરપાઈ કરી દેવા માટે ૭ વર્ષ બાદ નોટિસ પાઠવી તેમના ગામથી 30 કિલોમીટર દૂર આવેલી વડીયાની કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું. જોકે એક રૂપિયાની રકમ ખેડૂત પાસેથી વસૂલવા સામે વીજ કંપનીએ પાંચ રૂપિયાની પોસ્ટલ ટિકિટ, કાગળ, ટાઈપિંગ સહિતનો કિંમતી સમય વેડફયો હતો. એટલું જ નહીં પરંતુ વીજ કંપનીએ નોટિસ સહિતની કાર્યવાહી પછી પણ કોર્ટનો પણ સમય બગાડ્યો હોવાની બાબત ઉજાગર થઈ છે. આમ, ખેડૂતોના ફાયદા અને તેમના ઉત્થાનની વાતો કરતી રાજ્ય સરકાર તાબામાં કાર્યરત વીજ કંપનીના અધિકારીઓ કેવી રીતે ખેડૂતોને આર્થિક, શારીરિક અને માનસિક રીતે પરેશાન કરે છે તેનો જીવતો જાગતો દાખલો અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે.
‘અપના મિજાજ ન્યુઝ’ને વિગતો આપતા નાની કુકાવાવના ખેડૂત હરેશભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું કે, તેઓએ સાત વર્ષ પૂર્વે ગ્રીનહાઉસ ઉભો કર્યું હતું ત્યારે વીજ જોડાણ મેળવ્યું હતું. જે પછીના સમયાંતરે તેઓને વીજ જોડાણ ની જરૂરિયાત નહિ હોવાથી તેઓએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જોડાણ રદ કરવા માટે અરજી કરી હતી. જેને લઈને તંત્ર દ્વારા જે તે બાકી નીકળતું લેણું ભરપાઈ કરવા જણાવ્યું હતું. જે ભરપાઈ કર્યા બાદ તંત્રએ વીજ જોડાણ રદ કરી પોતાની માલસામગ્રી જમા લીધી હતી. પરંતુ અચાનક સાત વર્ષ બાદ વીજ તંત્રએ વડીયા સ્થિત સિવિલ કોર્ટમાં માંગેલી દાદાના સંદર્ભમાં કોર્ટમાં આજે તા. ૦૯/૧૨/૨૦૨૩ના હાજર થવા માટે બે દિવસ પૂર્વે નોટિસ આવી હતી. જેમાં વીજ વિભાગને ભરવાની થતી ઝીરો વ્યાજમાં માત્ર એક રૂપિયાની રકમ માટે સમાધાન કરવા નેશનલ લોક અદાલતમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. જ્યાં ઉપસ્થિત રહીને રજૂઆત કરતા કોર્ટને તંત્ર દ્વારા ખેડૂતને પરેશાન કરવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી કોર્ટે તંત્રના અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા અને આ અંગેના આધાર પુરાવા માગ્યા હતા જે કોર્ટમાં હાજર તંત્રના અધિકારી રજૂ કરી શક્યા ન હતા. જોકે કોર્ટે આ અંગે અધિકારીઓને ખેડૂતને આ રીતે પરેશાન ન કરવા ટકોર કરી અંતે સમાધાન કરાવી આપ્યું હતું.
આમ, ખેડૂતોના ફાયદા, ઉત્થાન માટે સતત વાતો કરતી સરકારોના તાબામાં કાર્યરત જે તે વિભાગોના અધિકારીઓ દ્વારા ખેડૂતોને કેવી રીતે પરેશાન કરવામાં આવે છે તેનો જીવતો જાગતો દાખલો અહીં જોવા મળ્યો હતો. એટલું જ નહીં વીજ તંત્રના અધિકારીઓની મનસ્વી વૃત્તિનો ભોગ બનેલા ખેડૂતે એમ પણ કહ્યું હતું કે, આજે એક તરફ કોર્ટમાં હાજર થવાનું હતું. બીજી તરફ મારા ખેતરમાં મજૂરો કામ કરતા હતા જ્યાં મને હાજર રહેવું પણ જરૂરી હતું. એટલું જ નહીં મારે મારા ગામથી વડીયા જવા માટે 30 અને પરત આવવા માટે 30 એમ કુલ 60 કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું અને આખો દિવસ મારા અંગત કામથી વ્યર્થ ગયો ઉપરાંત શારીરિક, માનસિક અને આર્થિક કષ્ટ પણ વેઠવું પડ્યું હતું. ખેડૂતે વધુમાં કહ્યું હતું કે આ રીતે સરકારી તંત્રના અધિકારીઓ અન્ય કોઈ ખેડૂતોને પરેશાન ન કરે તે પણ જોવું જ રહ્યું.