ગાંધીનગર SOGએ સ્પા મેનેજર શૈતાનસિંહની ધરપકડ કરી દેહ વ્યાપાર કરતી યુવતીઓને પકડી પાડી
સ્પાની આડમાં સ્વરૂપવાન યુવતીઓ સાથે આચરતાં ઐયાશીના કૃત્યનો પોલીસે ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ કર્યો
• કુડાસણમાં ‘એની ધ સ્પા’માં અમદાવાદની મહિલા કુટણખાનું ચલાવતી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
ગાંધીનગરના કુડાસણ રિલાયન્સ સર્કલ નજીક રાધે સ્કવેર કોમ્પલેક્ષનાં ત્રીજા માળે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ બાતમીના આધારે ટ્રેપ ગોઠવીને “એની ધ સ્પા”ની આડમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીં અમદાવાદની મહિલા સ્વરૂપવાન યુવતીઓને નોકરીએ રાખી લોહીનો વ્યાપાર કરાવતી હોવાનું બહાર આવતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં પીઆઈ વી ડી વાળા સહિતની પોલીસ ટીમે ગાંધીનગરની ભાગોળે આવેલા કુડાસણના રિલાયન્સ સર્કલ નજીક આવેલા રાધે સ્ક્વેર કોમ્પ્લેક્સના ત્રીજા માળની દુકાન નંબર 302 માં ચાલતા ‘એની ધ સ્પા’ માં યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની બાતની આધારે ડમી ગ્રાહક મોકલીને તપાસ આદરી હતી. પોલીસે ગોઠવેલી ટ્રેપમાં ખરાઈ જણાઈ આવતા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્પા સેન્ટરમાંથી મળી આવેલી યુવતીની પૂછપરછ પોલીસે કરતાં યુવતીએ દેહ વ્યાપાર કરતી હોવાની કબુલાત કરી હતી. જે કામ માટે તેને અમદાવાદની જ્યોતિ શાહ નામની મહિલાએ તેને માસિક 15000 રૂપિયાના પગારથી નોકરી રાખી હોવાનું પણ તેણે પોલીસને જણાવ્યું હતું. ઉપરાંત પોલીસ તપાસમાં અન્ય પણ ત્રણ યુવતીઓ સ્પા સેન્ટરમાંથી મળી આવી હતી અને તેઓએ પણ જ્યોતિ શાહે તેમને દેહ વ્યાપાર માટે બોલાવી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.
પોલીસે સ્પા સેન્ટરમાં હાજર મેનેજર મૂળ વડનગરના વલાસણા ગામના અને હાલે લીંબોદરામાં રહેતા શૈતાનસિંહ પ્રવિણસિંહ સિસોદિયાની ધરપકડ કરી રોકડ રકમ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.12,500નો મુદ્દામાલ કબજે કરી સ્પાની સંચાલક અમદાવાદની જ્યોતિષ શાહ સામે પણ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દર્જ કરાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
(તમામ તસવીર પ્રતિકાત્મક છે)