રાજ્યના શિક્ષણ વિભાગે માસ્તરોની સ્વૈચ્છિક જિલ્લા બદલી નિયમના ધજીયા ઉડાડી દીધાં !
શિક્ષણ ક્ષેત્રના ઇતિહાસમાં ‘ન ભૂતો ન ભવિષ્યતો’ ગણાતી શિક્ષકોની સ્વૈચ્છિક બદલીમાં તંત્રએ ‘ફેર બદલીઓ’ કરી નાખી
•કોઈપણ શિક્ષકે એક વખત જિલ્લા બહાર બદલી માંગી હોય પછી તેને કોઈપણ ‘રીતે’ પરત બદલી કરી શકાતી નથી તેવો સરકારી નિયમ પરંતુ તંત્રએ તો હદ કરી નાખી !
• જોકે પાંચ મહિના પૂર્વે યોજાયેલા સ્વૈચ્છિક જિલ્લા બદલી કેમ્પમાં પસંદગીની જગ્યાએ ગયેલાં અમુક શિક્ષકોએ કોઈપણ ‘કિંમત’ ચૂકવીને પરત બદલી કરાવી લીધી હોવાનો ગણગણાટ
અપના મિજાજ ન્યુઝ: (સંજય જાની)
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે અંદાજે પાંચ મહિના અગાઉ શિક્ષક કોને મનગમતી જગ્યાએ જવા માટેનો બદલી કેમ્પ યોજ્યો હતો. જેમાં બદલી ઇચ્છુક શિક્ષકોએ પોતાનું નામાંકન કરાવ્યું હતું. જે બાદ તંત્ર દ્વારા જે તે શિક્ષકોની પસંદગી કરી તેમને મનગમતા જિલ્લામાં જવા માટેના બદલી ઓર્ડરો આપી દીધાં હતાં. જેમાંથી મોટાભાગના શિક્ષકો પોતાના મનગમતા જિલ્લાની નિયત શાળામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. જોકે તંત્ર દ્વારા સ્વૈચ્છિક રીતે બદલી માંગીને જે તે જિલ્લામાં ગયેલા અંદાજે ચારથી પાંચ જેટલા શિક્ષકોને હવે ત્યાં ‘ગોઠતું’ ન હોઈ તેઓએ પરત પોતાની ફરજની નિયત જગ્યાએ બદલીની માંગણી તંત્રના જવાબદારો પાસે કરી હતી. જે કિસ્સામાં જવાબદારોએ શિક્ષણ વિભાગના તમામ નીતિ નિયમો નેવે મૂકીને શિક્ષણ ક્ષેત્રના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી સ્વૈચ્છિક જિલ્લા બહારની બદલીઓમાં ‘ફેરબદલ’ કરી નાંખતાં હવે આ મુદ્દે રાજ્યભરના શિક્ષકોમાં કચવાટ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે.
શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે કહેવાય છે કે ગત મે મહિનામાં રાજ્યભરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પોતાની પસંદગીના જિલ્લામાં આવેલી શાળાઓમાં ફરજ બજાવવા માટે સ્વૈચ્છિક બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બદલી ઈચ્છુક હજારો શિક્ષકોએ પોતાનું નામાંકન કરાવ્યું હતું. જે પ્રક્રિયામાં શિક્ષણ વિભાગ તરફથી જે તે શિક્ષકોની પસંદગી કરીને તેમને તેમની પસંદગીના જિલ્લામાં આવેલી શાળામાં ફરજ બજાવવાના ઓર્ડર કરી દેવામાં આવ્યા હતા. જે પ્રક્રિયાને આજે પાંચ મહિના જેટલો સમય વીતી ગયો છે. જેમાંથી લગભગ તમામ શિક્ષકો પોતાની પસંદગીના જિલ્લાની શાળાઓમાં ઓર્ડર મળે ફરજ બજાવી રહ્યા છે. તો અમુક કિસ્સામાં હજુ કેટલાક શિક્ષકો પોતાની ફરજના સ્થળેથી છુટા થયા નથી. જોકે સૈચ્છિક રીતે જિલ્લા ફેર બદલી માગનાર શિક્ષકોના નામનું લિસ્ટ જે તે તાલુકા જિલ્લા મથકો અને ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગની વડી કચેરીએ પણ પહોંચી ગયું છે અને જે શાળામાંથી શિક્ષકો છૂટા થયા છે તેમના સ્થાને અમુક જગ્યાઓ ઉપર નવા શિક્ષકોની ભરતી પણ કરી દેવામાં આવી છે.
• નીતિ નિયમો ઘડીને તૈયાર કરેલો પરિપત્ર ફરતો કરનારાં ખુદ અમલવારી ભૂલ્યાં?!
શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે શિક્ષકોની સ્વૈચ્છિક જિલ્લા ફેર બદલી અંગેનો કેમ્પ રાખવામાં આવતો હોય છે. જેમાં જે તે શિક્ષક તેની પસંદગીનો જિલ્લો માંગે અને તંત્ર દ્વારા તેમની પસંદગી કરી લેવામાં આવે પછી તેમને બદલીનો ઓર્ડર કરવામાં આવતો હોય છે. જે બદલીનો ઓર્ડર એક વખત થયા પછી કોઈપણ ભોગે તે ઓર્ડર કેન્સલ કરવામાં નહીં આવે તેવા સ્પષ્ટ ઉલ્લેખ સાથે જે તે નીતિ નિયમો ખુદ તંત્રના અધિકારીઓએ બનાવ્યા છે. પરંતુ કહેવાય છે કે પાંચ મહિના અગાઉ રાજ્યભરમાં કરવામાં આવેલા સ્વૈચ્છિક જિલ્લા પસંદગીના બદલી કેમ્પમાં મનગમતી જગ્યાએ બદલી પામેલા અંદાજે ચારથી પાંચ શિક્ષકો ઉપર શિક્ષણ વિભાગના અધિકારીઓનું ‘હેત’ એવું વરસ્યું છે કે જેમણે નીતિ નિયમો બનાવીને પરિપત્ર ફરતો કર્યો હતો તેઓએ તેમની બદલીના ઓર્ડરો રદ કરીને તેમને પરત નિયત જગ્યા પર મોકલી દીધાં છે.
• સ્વૈચ્છિક બદલી કેમ્પમાં માગણી કરી પસંદગીના જિલ્લામાં ગયેલા શિક્ષકો કેમ પરત ફરી રહ્યા છે?
સ્વૈચ્છિક બદલી કેમ્પમાં પસંદગીના જિલ્લામાં બદલી કરાવીને ગયેલા શિક્ષકો પરત પોતાની નિયત જગ્યાએ શા માટે બદલી કરાવવા ધમ પછાડા કરી રહ્યા છે તે અંગેનું કારણ જાણવા પ્રયાસ કરતા જાણવા મળ્યું કે પસંદગીના જિલ્લામાં ગયેલા અમુક શિક્ષકોને હવે ત્યાંનું વાતાવરણ કે માહોલ અથવા તો સ્થળ ગમતું નથી એટલે તેઓએ જ્યાં વર્ષો સુધી નોકરી કરી છે ત્યાં પરત ફરવા માટે મન મનાવી લીધું છે. એક હવા તો એવી પણ ઊડી છે કે મનગમતા જિલ્લામાં જવા માટે શિક્ષકોએ પોતાનાથી બનતી તમામ જે તે લાગવગો લગાવી હતી. હવે પસંદગીનો જિલ્લો અનુકૂળ નહીં આવતા પરત પોતાના નિયત જિલ્લામાં ફરવા માટે કોઈપણ ‘કિંમત’ ચૂકવીને પણ પોતાનું ધાર્યું પાર પાડવા મથામણ કરી છે અને તેમાંથી ચાર પાંચ લોકો સફળ પણ રહ્યા છે.
• સ્વૈચ્છિક બદલી કરાવીને પસંદગીના જિલ્લામાં ગયેલાં ચારથી પાંચ શિક્ષિકાઓના ઓર્ડરો કેન્સલ કરાયાં
શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્વૈચ્છિક રીતે પસંદગીના જિલ્લામાં જવા ઇચ્છુક શિક્ષકોની બદલીના ઓર્ડરો આપવામાં આવ્યા હતાં.પરંતુ બે થી ચાર કિસ્સામાં અમુક શિક્ષિકાઓ કોઈને કોઈ અંગત કારણોસર ત્યાં નોકરી કરવા ઈચ્છુક નહીં હોવાથી અને તેમના પારિવારિક પ્રશ્નો જાણવા સાથે તેઓએ આંસુ પાડ્યા હોવાથી માનવતાની દ્રષ્ટિને નજર સામે રાખીને તેમના ઓર્ડરો કેન્સલ કરી તેમને પરત તેમની જગ્યાએ ફરજ પર મુકવા પુન:ઓર્ડર કરવામાં આવ્યા છે.
• શિક્ષણ વિભાગે કરેલા નિર્ણયથી અન્ય શિક્ષકો આગ બબુલા
શિક્ષણ વિભાગ દ્વારા સ્વૈચ્છિક પસંદગી જિલ્લા ફેર બદલીના કેમ્પો આયોજિત કરી જે તે શિક્ષકોની તેમની પસંદગીના જિલ્લામાં બદલી કરી દીધાં બાદ તે ઓર્ડરો કેન્સલ કરીને ફરી તેમને પાંચ મહિના પછી પુનઃ એ જ જગ્યાએ મોકલી દેવામાં આવતા જિલ્લા ફેર બદલીમાં ભાગ લેનારા અને બાકાત રહેનારા અન્ય શિક્ષકોમાં હવે શિક્ષણ વિભાગ પ્રત્યે આગ બબુલા થયેલા જોવા મળી રહ્યા છે. જોકે જાણકારી તો એવી પણ મળી રહી છે કે શિક્ષણ વિભાગના અમુક અધિકારીઓએ ‘સેટિંગ’ ગોઠવીને શિક્ષણના ઇતિહાસમાં ‘ન ભૂતો ના ભવિષ્યતિ’ જેવી રહેલી બાબત કે એક વખત બદલીનો ઓર્ડર થઈ ગયો પછી કેન્સલ થઈ શકતો નથી તે કરીને શિક્ષણ ક્ષેત્રનો ઇતિહાસ જ ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે. જેથી આગામી દિવસોમાં આ બાબતે અન્યાયની અનુભૂતિ કરતા શિક્ષકો તંત્ર સામે મોરચો માંડે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે.
• રાજ્યના શિક્ષણ મંત્રીને અધિકારીઓએ અંધારામાં રાખ્યા છે કે પછી…. તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ….?!
શિક્ષણ વિભાગના નિયમ મુજબ એક વખત જિલ્લા ફેર બદલીનો ઓર્ડર થઈ ગયા પછી બીજો ઓર્ડર શિક્ષણ ક્ષેત્રના ઇતિહાસમાં ક્યારેય પણ ફેરબદલ કરવામાં આવ્યો નથી આવું શિક્ષણ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે. ત્યારે ‘માનવીય દ્રષ્ટિકોણ’ના બહાના હેઠળ જિલ્લા બહાર બદલી કરાવી ગયેલા અંદાજે ચારથી પાંચ શિક્ષકોને ફરી પાછા તેમના નિયત જિલ્લામાં પરત મોકલી દેવાના ઓડરો તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે શું રાજ્યના શિક્ષણ મંત્રીને અંધારામાં રાખવામાં આવ્યા છે કે પછી…?! આ પણ એક પ્રશ્ન શિક્ષણ જગતમાં ઘૂમરાઈ રહ્યો છે. ત્યારે આ અંગે શિક્ષણ મંત્રી પણ કંઈ ફોડ પાડે તેવી ઈચ્છા અન્યાયની અનુભૂતિ કરતા શિક્ષકો કરી રહ્યા છે.
(તમામ તસવીર પ્રતિકાત્મક છે)