ભુજ શહેરના ભુજીયા ડુંગરની આસપાસ રહેતાં શ્રમજીવી પરિવાર બપોરના સમયે ઘરે સૂઈ રહ્યો હતો ત્યારે તેમની મોટી દીકરી પોતાની બહેનપણીના ત્યાં રમવા જતી હતી. તે દરમિયાન તેમની બે નાની બહેનો પણ કે જેમની ઉંમર ચારથી પાંચ વર્ષની છે. તેઓએ મોટી બહેન સાથે આવવાની જીદ પકડી હતી. પરંતુ તેમની મોટી બહેન તેમને ઘરે જ મૂકીને પોતાની બહેનપણીના ઘરે જતી રહી હતી. જેથી બે નાની બાળકીઓ મોટી બહેનની બહેનપણીના ઘરે જવા પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગઈ હતી. જેઓને ના તો તેમની બહેન મળી કે ના તો બહેનની બહેનપણી નું ઘર, એટલે તેઓ ભૂલી પડીને જાહેર માર્ગ ઉપર દોડતી હતી તે દરમિયાન કોઈ વાહનની સાથે તેમને ટક્કર વાગતા રહી ગઈ હતી.
જે સમગ્ર ઘટના અહીંથી પસાર થતાં એક સજ્જન વ્યક્તિએ જોયા બાદ તેઓએ બાળકીઓને ક્યાં જવું છે તેવું પૂછતાં બંને બાળકીઓ કોઈ જવાબ આપી રહી ન હતી. આથી સજ્જન વ્યક્તિએ જાગૃતિ દાખવીને ભુજ સ્થિત અભયમ 181નો સંપર્ક સાધ્યો હતો. જેથી ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ મહિલા કોન્સ્ટેબલ અંજલીબેન સુથાર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અભયમની ટીમે બંને બાળકીઓ પાસે સમજણથી કામ લઈ તેઓ ક્યાંની છે અને ક્યાં જઈ રહી હતી? તેમનું ઘર ક્યાં છે, પરિવારમાં કોણ કોણ છે? આ તમામ પ્રશ્નોના જવાબ કાર અકસ્માતમાં બચી ગયેલી અને લોકોના ટોળા તેમજ અનેક પ્રકારની વાતો સાંભળીને ગભરાઈ ગયેલી બાળકીઓ પાસેથી જાણવા માતૃભાવે પ્રયાસ કર્યો હતો. કાઉન્સેલર તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલના અથાક પ્રયત્નો બાદ અંદાજે ચાર પાંચ વર્ષની ઉંમર ધરાવતી બાળાઓએ પોતે તેમની બહેનની બહેનપણીનું ઘર શોધતી અહીં આવી ચડી હોવાનું જણાવ્યું હતું.
કાઉન્સેલર તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલને બાળકીઓએ આપેલી અમુક વિગતો અનુસાર તપાસ કરવામાં આવતા આખરે એક બાળાની માતા મળી આવી હતી. જેણે પોતાની દીકરીને ઓળખી બતાવી અન્ય દીકરી તેમની જેઠાણીની હોવાનું જણાવ્યું હતું. જેથી અભયમની ટીમે બાળકીઓની માતા પાસેથી ફોટોગ્રાફ્સ સહિતના આધાર પુરાવા મેળવી અત્યંત ચોકસાઈપૂર્વકની ખરાઈ કરી બંને બાળાઓને પરિવારને સોંપી હતી. એટલું જ નહીં પરંતુ કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ અને મહિલા કોન્સ્ટેબલ અંજલિબેન સુથારે બાળકીઓના પરિવારજનોને સલાહ, સમજણ આપી બાળકોનું ધ્યાન રાખવા સહિતની સરાહનીય કામગીરી કરી હતી. જેને લઈને ઘટના સ્થળે ઉપસ્થિત તમામ લોકો અને બાળાના પરિવારજનોએ ભાવુક થઈને અભયમ 181ની ટીમનો આભાર માન્યો હતો. આમ, ભુજ સ્થિત અભયમ 181ની ટીમે વધુ એક વખત પોતાના કર્તવ્યની અંજલી ભરીને ખુશ્બુ પ્રસરાવી હતી.