• કુરિયર બોયના સ્વાંગમાં આવી વૃદ્ધ દંપતીના ગળે છરી મૂકીને રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી ભાગ્યા હતાં
• અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસે પાંચેય લૂંટારૂને લૂંટી લીધેલા મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં દબોચ્યા
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
અમદાવાદ જિલ્લા ગ્રામ્યના બોપલ પોલીસ મથક તાબામાં આવતા વિસ્તારમાં ધોળા દિવસે કુરિયર બોયના સ્વાંગમાં આવેલા ત્રણ લોકોએ વૃદ્ધ દંપતીના ઘરનો દરવાજો ખોલાવીને તેમના ગળે છરી મૂકી તિજોરીમાં પડેલા સોનાના ઘરેણા અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. ઘટના અંગે બોપલ પોલીસ મથકમાં લૂંટનો ભોગ બનનાર 55 વર્ષીય પુષ્પાબેન મનુભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ગત તા. 6 નવેમ્બરના બપોરે 02:30 વાગ્યાના અરસામાં બલેલી ઘટનામાં બોપલ પોલીસ ખાસ કંઈ ઉકાળી નહીં શકતા આખરે ગુનાની ગંભીરતા સમજીને જિલ્લા પોલીસ અધિક્ષક અમિત વસાવાએ તપાસ સ્થાનિક ગુના શોધક શાખાને સોંપી હતી. આખરે, એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં જ ઘટનાને અંજામ આપનાર પાંચ લોકોને લૂંટના મુદ્દામાલ સાથે પકડી પાડીને તેમની દિવાળી બગાડી દીધી હતી.
અમદાવાદના પાંચ શખ્સોએ પોતાની દિવાળી આર્થિક રીતે સુધારવા માટે બોપલમાં ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપીને હાહાકાર મચાવી દીધો હતો. સમગ્ર બાબત અંગે સાણંદના વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક નીલમબેન ગોસ્વામીએ આપેલી વિગતો મુજબ બોપલ, ઘાટલોડીયા અને મનીપુર (ઘુમા) વિસ્તારમાં રહેતા અને એકબીજાના પરિચિત પાંચ શખ્સોએ આર્થિક રીતે પોતાની દિવાળી સુધારવા માટે ચર્ચા કરી હતી. જેમાંના એક વ્યક્તિ ભાવેશ કરસન સોલંકીએ પોતે એક વૃદ્ધ દંપતીને ઓળખે છે અને તેઓ બોપલના નંદેશ્વર મહાદેવની બાજુમાં આવેલાં હિમાવન ફ્લેટમાં એકલા જ રહે છે. તેવી વિગતો પૂરી પાડીને તેમના ઘરમાં લૂંટ ચલાવવાનો પ્લાન બનાવ્યો હતો.
પ્લાન મુજબ ચાર શખશો 6 નવેમ્બરની બપોરે 02:30 વાગ્યાના અરસામાં વૃદ્ધ દંપતીના ઘરે પહોંચ્યા હતાં. જેમાંથી એક વ્યક્તિએ કુરિયર આવ્યું હોવાનું કહી દરવાજો ખટખટાવતા વૃદ્ધાએ દરવાજો ખોલ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સ બળજબરીથી ઘરમાં ઘૂસી ગયો હતો. જે બાદ બંને લોકોએ વૃદ્ધના ગળે છરી મૂકી જ્યારે એક વ્યક્તિએ વૃદ્ધાનું ગળું દબાવી ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં પડેલી તિજોરીની ચાવી લઈ તેમાં પડેલા રોકડા ₹10,000 તેમજ સોનાના ઘરેણા કિંમત રૂપિયા 1.48 લાખના લઈને ભાગી છુટ્યા હતા. જે બાદ વૃદ્ધાએ બુમાબૂમ કરતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા અને લુંટારુને પકડી પાડવા તેમની પાછળ ભાગ્યા હતા પરંતુ લુંટારુ થોડે દૂર ઊભેલી નંબર પ્લેટ વગરની કારમાં બેસીને ભાગવામાં સફળ રહ્યા હતા.
• ભાવેશ સોલંકીએ ‘જ્યાં ખાધું ત્યાં જ ખોદ્યુ’ કહેવત સાર્થક કરી
પોલીસના જણાવ્યા પ્રમાણે ભાવેશ કરસન સોલંકી વૃદ્ધ દંપતીને ઓળખતો હતો અને તેમના નાના-મોટા કામ પણ કરી આપતો હતો. એટલું જ નહીં ક્યારેક દંપતી તેને પોતાના ઘરે જ જમાડતા હતા. જોકે ભાવેશે આર્થિક રીતે પોતાની દિવાળી સુધારવા માટે પોતાના પરિચિતોને લૂંટ માટેની ટીપ આપી હતી. બાદમાં તેના ચાર પરિચિતોએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો અને ભાવેશ પોતે ઓળખાવી ન જાય એટલે ઘટના સમયે દૂર રહ્યો હતો. આમ, ભાવેશ સોલંકીએ ‘જ્યાં ખાધું ત્યાં જ ખોદ્યુ’ હોવાની કહેવતને સાર્થક કરી બતાવી હતી.
લૂંટની ઘટનાને અંજામ આપીને ભાગી છુટેલા શખ્સોને પકડી પાડવા માટે એલસીબી પીઆઇ આર એન કરમટીયા, પીએસઆઇ જે એમ પટેલ સહિતની ટીમે પગેરું દબાવ્યું હતું. જેના ફળ સ્વરૂપે એ.એસ.આઇ જયદીપસિંહ વાઘેલા તેમજ હેડ કોન્સ્ટેબલ રાજુજી ઠાકોરને લૂંટારૂઓ અંગે બાતમી મળી હતી. જે દિશામાં દોડ લગાવતા આખરે પાંચેય શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલા દાગીના, ગુનામાં વપરાયેલ કાર, બે નંગ છરી, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.