• ગાંધીનગર એલસીબીની ટીમે કલોલ, રાજકોટ સહિતની લૂંટ, ધાડ, ચોરી અને ઘર ફોડ સહિતના ૧૩ જેટલા ગુના ઉકેલી કાઢ્યાં
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની-ગાંધીનગર
રાજ્યભરના વિવિધ શહેરોમાં ધાડ, લૂંટ, ચોરી અને ઘરફોડને અંજામ આપી તાજેતરમાં ગાંધીનગર જિલ્લાની પોલીસની ઊંઘ હરામ કરી નાખનાર ખજુરીયા ગેંગના મુખ્ય ધાડપાડુ સૂત્રધારની ગાંધીનગર જિલ્લાની એલસીબી 01અને 02ના અધિકારીઓ -કર્મચારીઓની ટીમે ધરપકડ કરી રાજ્યના વિવિધ શહેરોમાં આચરેલા 13 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલ કાઢ્યો છે.
જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ આપેલી વિગતો મુજબ ગત તા. ૧૯ ઓક્ટોબરની મોડી રાત્રે કલોલ હાઇવે પર આવેલા મારુતિ કારના નંદા મોટર્સ શો રૂમમાં 5 અજાણ્યા ચડ્ડી બનીયાનધારી ટોળકીની ગેંગ ત્રાટકી હતી. જેઓએ શોરૂમના ચોકીદારને બંધક બનાવી શોરૂમના તાળા તોડીને શોરૂમની કેશીયર રૂમમાંથી લોખંડની તિજોરી ઉઠાવી ગયા હતા. જે તિજોરીમાં રોકડ રૂપિયા 6.31 લાખ ઉપરાંત ચાંદીની મૂર્તિ અને સિક્કા પણ ધાડપાડુ ગેંગ ઉઠાવી ગઈ હતી. જે અંગેની કલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રેન્જ આઇ.જી વિરેન્દ્ર યાદવ અને ખુદ એસપીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
કલોલ સ્થિત નંદા મોટર્સમાં બનેલી ઘટના અંગેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. ગુનાની ગંભીરતા સમજીને ઉચ્ચ અધિકારીઓએ ગાંધીનગર સ્થાનિક ગુના શોધક શાખા 01અને 02ના પીઆઇ દિવાનસિંહ વાળા અને હાર્દિકસિંહ પરમારને આ અંગે નક્કર કામગીરી કરવા સૂચના આપતા એલસીબી શાખાની બંને ટીમો કામે લાગી ગઈ હતી. પોલીસ ટીમે ગુનો કરવાની પદ્ધતિ સાથે બાતમીદારોને કામે લગાડતાં આખરે, ધાડપાડુ ગેંગનો મુખ્ય સૂત્રધાર કલોલમાંથી એલસીબીની ગિરફતમાં આવી ગયો છે.
• ખૂંખાર આરોપીને પકડી પાડવા પોલીસે મજૂરનો વેશ ધારણ કર્યો
કલોલમાં મારુતિ કારના શોરૂમમાં ધાડ પાડીને છ લાખથી વધુની રકમ લઈ જનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર કલોલથી માણસા જતા રોડના બ્રિજ પાસે ઉભો હોવાની માહિતી મળતા એલસીબીના પી.એસ.આઇ વી.એ. શાહ અને ડીડી ચાવડા સહિતની ટીમ મજુરના વેશમાં પુલ પાસે ગોઠવાઈ ગઈ હતી અને બાતમીના વર્ણન વાળો માણસ દેખાતા તેને દબોચી લેવામાં આવ્યો હતો.
• દાહોદના ખજુરીયા ગામનો રામસિંગ કલોલના પૂર્વ વિસ્તારમાં રહેતો ને દિવસે મજૂરીની આડમાં રેકી કરી રાત્રે ધાડ પાડતો
ગાંધીનગર એલસીબીના હાથે પકડાયેલો ધાડપાડુ રામસિંગ મૂળ દાહોદ જિલ્લાના આંબલી ખજુરીયા ગામનો રહેવાસી છે અને હાલે કલોલના પૂર્વ વિસ્તારના ગોસાઈ કુંજ સોસાયટી પાસેના લક્ષ્મી કાંટા પાસે રહે છે. જે દિવસે મજૂરી કામના બહાને રેકી કરીને પોતાના સાગરીતોને બોલાવી રાત્રે ચોરી, લૂંટની ઘટનાઓને અંજામ આપતો હોય છે. અગાઉ પણ તે આવા અનેક ગુનામાં પકડાયેલો છે અને હાલે જામીન પર છૂટ્યા બાદ ફરી પાછી ગેંગ બનાવીને ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો. પોલીસે તેની અગાઉની મોરસ ઓપરેન્ડીને ધ્યાને રાખી સીસીટીવી સહિતના ટેકનિકલ સોર્સનો સહારો લઈ પોલીસે તેને દબોચી લીધો છે. જ્યારે તેના છ થી વધુ સાગરીતોને પકડવાના બાકી હોય પોલીસે તેમને દબોચી લેવા માટે કવાયત હાથ ધરી છે.
• આ પોલીસ અધિકારીઓએ ખૂંખાર આરોપીને પકડી પાડવા કમરકસી હતી