મિસ્ટર રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી …. તમારા શાસનમાં હવે સરકારી ગૌચર જમીનમાંથી પશુઓને ખાવા ચારો મળે કે ન મળે પરંતુ પોલીસને દારૂની બોટલો જરૂર મળી રહી છે….
હા …..તમે બરાબર સાચું જ વાંચ્યું…. અમદાવાદ જિલ્લા ગ્રામ્યના અસલાલી પોલીસ મથક તાબામાં આવતા કાસીન્દ્રા ગામની નદી પટની સરકારી ગૌચર ગણાતી જમીનમાં વિદેશી દારૂ છુપાવીને રાખ્યો હોવાની વાત પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર લક્ષ્મણભાઈ અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહને મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં જમીન ખોદતાં જમીનમાં દાટેલું પ્લાસ્ટિકનું બેરલ મળી આવ્યું હતું. જેમાંથી વિદેશી પ્રકારના મેકડોલ બ્રાન્ડની દારૂની ૯૬ નંગ બોટલ કિંમત રૂપિયા 48 હજારની મળી આવી હતી.
પોલીસે દારૂની બોટલો કબજે કરી મોન્ટુ રમેશ ચુનારાની અટકાયત કરી હતી જ્યારે સાથી મહિલા આરોપી શિલ્પા ઓલાભાઈ ચુનારા પોલીસના હાથે નહીં ચડતા તેને પકડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આમ, બુટલેગરો દારૂ છુપાવવા માટે નીત નવા કીમિયા અજમાવતા હોય છે પરંતુ નિયત સાફ હોય તો પોલીસની ચપળ આંખો ધંધાર્થીઓના કારનામા સફળ થવા નથી દેતા તે પણ એક હકીકત છે.