• શહેરના મોટાભાગના વિસ્તારમાં દુકાનોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસોમાં ફાયર સિસ્ટમ પણ ન હોવાની ચર્ચા
• શહેરના બોરીસણા રોડ ઉપર આવેલા ટ્યુશન ક્લાસીસોમાં ફાયર સિસ્ટમ છે કે કેમ? તે અંગે તંત્ર અજાણ
• સંભવત જે ક્લાસીસોમાં ફાયર સિસ્ટમ છે તો તેનો આપત્તિ કાળમાં ઉપયોગ કેમ કરવો? કોણ જાણે છે?
• શું શિક્ષણ વિભાગના અધિકારીઓ અને રાજ્યના શિક્ષણ મંત્રી આ અંગે તપાસ કરાવશે કે પછી સુરતના તક્ષશિલા કાંડ જેવી ઘટનાની રાહ જોશે?
કલોલ: (અપના મિજાજ ન્યુઝ બ્યુરો)
ગાંધીનગર જિલ્લાના મહત્વના તાલુકા મથક તરીકે જેની ગણના થાય છે તેવા કલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ધમધમતા ટ્યુશન ક્લાસીસો કાયદેસર રીતે ચલાવવામાં આવે છે કે પછી તંત્રના છુપા આશીર્વાદથી શિક્ષણનો વેપલો કરવામાં આવે છે તેવા પ્રશ્નો શહેરભરમાં ચર્ચાઈ રહ્યા છે. શહેરમાં ધમધમતા ટ્યુશન ક્લાસીસોની તપાસ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવે તેવી માગણી જનતામાંથી ઉઠવા પામી છે. એટલું જ નહીં લોકો તો ત્યાં સુધી કહે છે કે શહેરમાં કથિત રીતે ગેરકાયદે ઠેર ઠેર ખડકાઈ ગયેલા ટ્યુશન ક્લાસીસોમાં આગ જેવી ઘટના બને ત્યારે આગ ઓલવવા માટે ફાયર સિસ્ટમ પણ લગાવવામાં આવી નથી. જાણકાર સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે જો કોઈ ટ્યુશન ક્લાસીસ સંચાલકે ફાયર સિસ્ટમ લગાવેલી હોય તો પણ તેમને તે સિસ્ટમ આપત્તિ કાળમાં કઈ રીતે ઉપયોગમાં લેવી તેની પણ આવડત નથી માત્ર ફાયર વિભાગના અધિકારીઓ સાથે પણ મીલીભગત કરીને આવી સિસ્ટમો વસાવી તેની એનઓસી લઈ લેવામાં આવી છે. જે અંગે પણ સરકાર દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે તેવી માગણી લોકો કરી રહ્યા છે.
કલોલ શહેરના બોરીસણા રોડ ઉપર આવેલા એક બે કોમ્પલેક્સોમાં ધમધમતા ટ્યુશન ક્લાસીસોમાં અભ્યાસ અર્થે આવતા માસુમ બાળકોના વાલીઓ પાસેથી તગડી ફી લઈને તેમને શિક્ષણ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે જેને અમુક લોકો ઉચિત ગણાવે છે પરંતુ અમુક લોકોનું કહેવું છે કે કોમ્પ્લેક્સના ઉપરના મારે ખખડધજ દુકાનોમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસો બાળકો માટે જીવનું જોખમ બનીને ઊભા છે. એટલું જ નહીં જે કોમ્પ્લેક્સમાં ઉપરના માળની દુકાનોમાં ટ્યુશન ક્લાસીસો ચલાવવામાં આવે છે ત્યાં પહોંચવા માટે ગેરકાયદે લોખંડની સીડીઓ બનાવવામાં આવી છે. જે સીડીઓ કટાઈ જઈને સડી ગઈ છે જે બાળકોના ઉતરવા ચડવામાં ગંભીર અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિ હોવાનું જાણકારો કહી રહ્યા છે. જો સીડી ઉપરથી કોઈ માસુમ બાળક ગબડી પડે અને તેને ગંભીરથી અતિગંભીર ઈજા પહોંચે તો તેના જવાબદાર કોણ હશે તે પણ એક પ્રશ્ન હોવાનું લોકો કહી રહ્યા છે.
બોરીસણા રોડ ઉપર કથિત રીતે ચલાવવામાં આવતા ટ્યુશન ક્લાસીસો કહેવાય છે કે અમુક શાળામાં નોકરી કરતા શિક્ષકોની માલિકીના છે. પરંતુ તેઓએ તેમના પતિ કે પત્ની અથવા તો અન્ય કોઈ સગા સંબંધીના નામે એ ટ્યુશન ક્લાસીસો ધમ ધમાવ્યા હોવાની ચર્ચા શહેરમાં થઈ રહી છે. સરકારના નીતિ નિયમ મુજબ શિક્ષક તરીકેની ફરજ બજાવતો કોઈપણ વ્યક્તિ ટ્યુશન ક્લાસીસ ચલાવી નથી શકતો. ત્યારે કલોલના બોરીસણા રોડ ઉપર ચાલતા ટ્યુશન ક્લાસીસોમાં શિક્ષણ વિભાગના અધિકારીઓની કહેવાતી મીલીભગતથી ખુલ્લેઆમ શિક્ષણનો વેપલો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે.
• એક માસ્તર ખુદ ‘જ્ઞાની’ નથી તે વિદ્યાર્થીઓને કઈ રીતે ‘સુશિક્ષણ જ્ઞાનમ’ આપી શકશે?
અહીંના એક ટ્યુશન ક્લાસીસમાં જે ‘જ્ઞાન’ દેશના ભવિષ્યસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે એ ટ્યુશન ક્લાસીસના માસ્તરે કોઈ રીતે ‘શિક્ષણ જ્ઞાનમ’ મેળવ્યુ હોય તેવી તેની વર્તણુક ઉપરથી લાગતું ન હોવાના આક્ષેપો સાથે લોકો એવું કહી રહ્યા છે કે એ ટ્યુશન ક્લાસીસનો સંચાલક એક ખાસ જગ્યાએ શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. પરંતુ ખુદ જે માનસિકતા ધરાવે છે તે એક રાઈ ભાર પણ સામાજિક સંબંધોમાં સ્વીકારી શકાય તેવું નથી તો તે અન્ય વિદ્યાર્થીઓને ‘સુશિક્ષણ જ્ઞાનમ’ ક્યાંથી આપી શકશે? આવા જટિલ પ્રશ્ન સાથે પણ લોકો ટ્યુશન ક્લાસીસોની ટીકા કરતા રહ્યા છે.
શહેરમાં અને ખાસ કરીને બોરીસના રોડ ઉપર કથિત ગેરકાયદે ધમધમતા ટ્યુશન ક્લાસીસો અમુક શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિઓના હોવાની ચર્ચા શહેરભરમાં ઉઠી છે ત્યારે મહત્વની બાબત એ પણ કહેવાય રહી રહી છે કે આ ટ્યુશન ક્લાસીસો ગાંધીનગર જિલ્લાના તેમજ તાલુકા મથકે કાર્યરત શિક્ષણ વિભાગના અમુક અધિકારીઓની મિલીભગતથી ચલાવવામાં આવી રહ્યા છે. જો લોક ચર્ચા સત્ય હોય તો સરકાર દ્વારા આવા ભુતીયા ટ્યુશન ક્લાસીસોની ચકાસણી કરાવીને તેને તાત્કાલિક અસરથી બંધ કરી શિક્ષણનો વેપલો થતો અટકાવવો જોઈએ તેવો મત લોકો આપી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ વાલીઓ પાસેથી શિક્ષણના નામે તગડી ફી વસૂલતા આવા ટ્યુશન ક્લાસીસોના સંચાલકો સામે કાનૂની રાહે પણ પગલા ભરાવવા જોઈએ તેવી માગણી બળવતર બની છે.
• કેટલા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સિસ્ટમ લાગેલી છે તેની તપાસ થાય તો મોટું ભોપાળું બહાર આવવાની શક્યતા
જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કહેવાય છે કે કલોલ શહેરના અને ખાસ કરીને બોરીસણા વિસ્તારના ટ્યુશન ક્લાસીસોમાં જો પાલિકાના ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો ફાયર સિસ્ટમનો અભાવ સંભવત જોવા મળી શકે તેમ છે. જોકે સૂત્રો ત્યાં સુધી કહે છે કે ટ્યુશન ક્લાસીસોના સંચાલકોએ ફાયર સિસ્ટમ અને એનઓસી લીધી હશે પરંતુ આગજની જેવા બનાવમાં તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની કોઈ જ જાણકારી તેમની પાસે નહીં હોય. માત્ર ને માત્ર ફાયર વિભાગના અધિકારીઓ સાથે પણ મિલીભગત કરીને ફક્ત એનઓસી સર્ટિફિકેટ મેળવી લેવામાં આવ્યું હશે. જો આ અંગે તલસ્પર્શી તપાસ થાય તો મોટું ભોપાળુ બહાર આવવાની શક્યતા પણ લોકો જોઈ રહ્યા છે.