મહેસાણાના ટીબી રોડ વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિર પટાંગણમાં ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠ્યા
• પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે સનાતની શિવભક્તો ભોળાનાથમાં લીન થઈ ગયા
• ભક્તજનોએ ભક્તિ ભાવથી આત્મા તૃપ્તિ અને ભોજન પ્રસાદથી જઠરાગ્નિ ઠાર્યો
મહેસાણા: (અપના મિજાજ ન્યુઝ-પ્રશાંત સોની)
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સનાતની ભક્તોએ ભગવાન ભોળાનાથની આરાધના, ક્યાંક આકરી તપસ્યા, અભિષેક, ભજન કીર્તન તેમજ ઉપવાસ આદિ ભક્તિ કાર્ય આદર્યા હતા. આજે અમાસે ઠેર ઠેર શિવભક્તોએ શિવ મહિમા ગાઈને ભક્તિ ભાવથી શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરી હતી.
મહેસાણા શહેર તેમજ જિલ્લાભરમાં શિવભક્તોએ આસ્થાભેર પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસે ઉજવણી કરી હતી. જેમાં મહેસાણા શહેરમાં ટીબી રોડ પરના પવનસુત ચોક સ્થિત શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે પણ આસપાસની સોસાયટીના રહીશોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન ભોળાનાથને ભજીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. નિજ મંદિરમાં બિરાજમાન શ્રી નીલકંઠ મહાદેવને જળાભિષેક તેમજ દુધાભિષેક દ્વારા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોના કંઠેથી રેલાયેલા કર્ણપ્રિય શ્લોકોના સથવારે હવન, પૂજા, આરતી થકી ભક્તજનો દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી.