કલોલ પાલિકામાં ‘ઉર્વશી પટેલ’ શાસનનું ‘અંત’ ભણી પ્રયાણ: શહેરની ગાદી હસ્તગત કરવા અનેક નગરસેવકોની કુદા કુદ!
•પાલિકાના વોર્ડ નં.૦૧,૦૩,૦૭,૦૮,૦૯ અને ૧૦ના નગરસેવકો પ્રમુખ પદની ખુરશી હસ્તગત કરવા તૈયારીમાં લાગ્યાં
• પ્રમુખ પદ મેળવવા માટે મુખ્યત્વે ચાર પાટીદાર નગરસેવકો હીટ લિસ્ટમાં પરંતુ ભાજપની આશ્ચર્ય જગાડતી નીતિ કામ કરી જશે?
• સંભવત વોર્ડ નં.૦૧ શૈલેષ પટેલ, શૈલેન્દ્રસિંહ વાઘેલા ઉપર પસંદગી ઢોળાય પરંતુ વોર્ડ નં.૧૦ના મનુ ચૌધરી પણ ઉતરતા નથી
• મહિલા અનામતનો લાભ ઉર્વશીબેનને મળ્યો હવે પુરુષ પ્રમુખ બને પરંતુ ભાજપ ફરી એક વખત મહિલાની પસંદગી કરે તો ‘નવીન’ નહીં
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
ગાંધીનગર જિલ્લાના મહત્વના ગણાતા કલોલ શહેરની સુધરાઈના પ્રમુખ પદે બિરાજમાન શ્રીમતી ઉર્વશીબેન મુકેશભાઈ પટેલનો શાસનકાળ આગામી તા. 16 સપ્ટેમ્બરના પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે શહેર સુધરાઈની ગાદી હસ્તગત કરવા માટે હવે અનેક નગરસેવકો કુદા કૂદ કરવા લાગ્યા હોવાની ચર્ચા શહેરભરમાં જોર પકડી રહી છે. અઢી વર્ષ પૂર્વે યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કલોલ શહેરની જનતાએ નગરના 11 વોર્ડમાં જંગી મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને 33 સભ્યોની ભેટ આપીને પાલિકામાં સત્તાનું સુકાન સંભાળવા મદદ કરી હતી. કલોલ પાલિકામાં મહિલા અનામતની જોગવાઈ પ્રમાણે શહેરના શિક્ષિત અને નાડી પારખું મહિલા ઉર્વશીબેન પટેલને પ્રમુખ પદનો મહત્વનો હોદ્દો ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવ્યો છે. જે પ્રમુખ પદની અવધિ હવે ગણતરીના દિવસોમાં જ પૂર્ણ થવા જઈ રહી છે. જેથી કલોલ પાલિકામાં આગામી દિવસોમાં નવા પ્રમુખ કોણ હશે તે અંગે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.
કલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ 11 વોર્ડમાં અઢી વર્ષ પૂર્વે યોજાયેલી ચૂંટણીમાં એક વોર્ડ દીઠ ચાર ઉમેદવારોની પસંદગીમાં 44 નગર સેવકો ચૂંટાઈ આવ્યા હતા. જેમાં વોર્ડ નં.બેમાં ચાર કોંગ્રેસ, વોર્ડ નં.૦૬માં ચાર કોંગ્રેસ, વોર્ડ નં.૧૧ માં બે કોંગ્રેસ અને એક અપક્ષ મળીને કુલ 11 સભ્યો વિપક્ષમાં બેઠા હતા. જ્યારે બાકીના વોર્ડમાં ભાજપના સભ્યો ચૂંટતા હતા તેમનું સંખ્યાબળ 33 સાથે તેઓએ પાલિકામાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. જો અઢી વર્ષના પાલિકાના શાસનની વાત કરવામાં આવે તો કહેવાય છે કે પ્રમુખ ઉર્વશીબેનના માથે કાંટાળો તાજ પહેરાવી દેવાયો હોય તે રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં ફાટી નીકળેલો કોલેરા, ટેન્કર દ્વારા પાણી વિતરણમાં થયેલા ગોટાળા, રોડ રસ્તાના કામોમાં ગેરરીતિના આક્ષેપો, મીડિયાને પાલિકાની સામાન્ય સભાથી માંડીને અનેકવિધ યોજનાઓથી અંધારામાં રાખવાના પ્રયાસો અને ખાસ કરીને દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત થયેલા વાદવિવાદ સહિતના અનેકવિધ પરિબળોનો પણ તેઓને સામનો કરવો પડ્યો છે.
જોકે આ તમામ કથિત આક્ષેપો સામે તેઓ દ્રઢ મનોબળ અને મક્કમતાથી લડતા રહ્યા હોવાની બાબત પણ સામાન્ય ગણી શકાય તેમ નથી. પાલિકા વિસ્તારમાં છાસવારે ઘટતી રહેલી પાલિકા સંબંધીત ઘટનાઓમાં તેઓએ રાત દિવસ જોયા વગર જનતાના હિતાર્થે અનેક અશક્ય નિર્ણયોને પણ અમલવારીમાં મૂકીને ખરા અર્થના ‘નગરસેવિકા’ તરીકેની છાપ પ્રસ્થાપિત કરી હોવાની વાત પણ પાલિકા વિસ્તારમાં રહેણાંક ધરાવતા લોકોમાં ચર્ચા સ્થાને રહેલી જોવા મળી છે. કહેવાય છે કે રોડ-રસ્તાના કામો હોય, ભૂગર્ભ ગટર, છાસવારે આગજની, અકસ્માતના બનાવો હોય ત્યારે તેઓ દિવસે તો દિવસે પરંતુ રાત્રીના ભાગે પણ જનતાની પડખે ઊભા રહેલા જોવા મળ્યા છે. જોકે હવે તેમના પ્રમુખ પદની અવધી પૂર્ણ થતા આગામી પ્રમુખ બનવા માટે પુરુષ નગર સેવકોમાંથી મુખ્યત્વે ચાર પાટીદાર સભ્યો મેદાનમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ રાજકીય વર્તુળોમાં ભાજપના 33 સભ્યોમાંથી હવે આગામી પ્રમુખ કોણ હશે? તેવી અટકળો શહેરમાં ચોરેને ચૌટે સાંભળવા મળી રહી છે. એટલું જ નહીં રાજકીય રસિયાઓ પોતપોતાના મત રજૂ કરીને ફલાણી વ્યક્તિ જ પ્રમુખ બનશે તેવો દ્રઢ દાવો કરતાં પણ જોવા મળી રહ્યા છે.
• પાટીદાર સભ્યોમાં પ્રમુખ બનવા હરીફાઈ, જોકે ઈચ્છા તો 44એ 44 સભ્યોને પ્રમુખ બનવાની હોવાનો પણ કટાક્ષ
કલોલ પાલિકા પ્રમુખની અવધી પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે નવા પ્રમુખ બનવા માટે ભાજપના અનેક સભ્યોએ ઉચ્ચ સ્થાને બેઠેલા પક્ષના મજબૂત ગણાતા નેતાઓના આંગણે અવર-જવર શરૂ કરી દીધાની પણ ચર્ચા સાંભળવા મળી રહી છે. કહેવાય તો એમ પણ છે કે પ્રમુખ પદે બેસવા માટે ખાસ કરીને પાટીદાર સમાજમાંથી આવતા સભ્યો વચ્ચે હરીફાઈ જામી છે. પરંતુ જોવાનું એ રહ્યું કે એમાંથી કોણ બાજી મારી જાય છે. એટલું જ નહીં અમુક સભ્યો તો કટાક્ષ કરતાં કહે છે કે પાલિકામાં ચૂંટાયેલા 44 એ 44 સભ્યોને પ્રમુખ બનવું છે. પ્રમુખ બનવું કોને ન ગમે?,પરંતુ પ્રમુખ પદ એમ રેઢું થોડું પડ્યું છે. પાર્ટી જે નક્કી કરશે એમ જ થશે તેમ કહીને વાતને હસવામાં પણ કાઢી લેવામાં આવી રહી છે.
• પાલિકાના આટલા વોર્ડમાંથી સંભવત આ લોકો પ્રમુખ પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે
કલોલ પાલિકાના નવા પ્રમુખ માટે વોર્ડ નં.૦૧માંથી શૈલેષ પટેલ, શૈલેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ નં.૦૩ માંથી જીતુ પટેલ, વોર્ડ નં.૦૭ કેતન શેઠ, વોર્ડ નં.૦૮ ચેતન પટેલ, વોર્ડ નં.૦૯, ભુપેન્દ્ર પટેલ, દિનેશ પટેલ અને વોર્ડ નં.૧૦ માંથી મનુભાઈ ચૌધરી તેમજ પ્રકાશ વળગળેને દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે આમાં વોર્ડ નં. નવના નગર સેવક ભૂપેન્દ્ર પટેલ કારોબારી ચેરમેન તરીકે નિયુક્ત કરાયેલા છે. જેમના નામની ચર્ચા પ્રમુખ પદ માટે શહેરભરમાં થઈ રહી છે પરંતુ ચેરમેન પદ તેમની પાસે હોવાથી તેમનો કોઈ ચાન્સ ન હોવાનું પણ રાજકીય જાણકારો કહી રહ્યા છે.
• ભાજપ દ્વારા આશ્ચર્યચકિત થઈ જવાય તેવા અનેક પાસા અંતિમ સમયમાં ફેંકવામાં આવ્યા છે, અહીં પણ…
કલોલ પાલિકાના નવીન પ્રમુખ બનવા માટે ભલે કેટલાય નગર સેવકો પોતાના નેતાઓના શરણે ગયા હોઈ શકે, ભલે તેઓએ હવે રાત દિવસ ઉજાગરા કરીને બેઠકોનો દૌર શરૂ કરી દીધો હશે. પરંતુ જાણકાર સૂત્રો એમ પણ કહે છે કે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરવામાં માહેર છે. જેમ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં કલોલ શહેર જ નહીં પરંતુ તાલુકા ભરમાં કોઈએ કલ્પના નહીં કરી હોય તેવું નામ સામે લાવી દઈ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા તેમ સંભવત કલોલ પાલિકાના નવા પ્રમુખ પદે આગામી દિવસોમાં પુરુષ સભ્ય ન પણ હોય અને ફરી એક વખત મહિલા સભ્યને જ પ્રમુખ તરીકે અત્યારે ‘ગોપનીય’ રહેલું નામ જાહેર કરી દેવાય તો ‘નવીન’ પામવા જેવું બની શકે.
(તમામ ફાઈલ ફોટો અને પ્રતિકાત્મક)