Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

જો ઉનાવામાં ઢોર રખડતાં મળ્યા તો….

 ઉનાવાના યુવા સરપંચે કરેલી રખડતા ઢોર મુદ્દેની કાર્યવાહીથી રાજ્યભરની પંચાયતો, પાલિકા, મહાપાલિકા સહિતના સત્તાધીશોએ લેવી હોય તો પ્રેરણા લઈ શકાય તેમ છે

• કુલ 15 હજારની જનવસ્તી ધરાવતા ઊંઝાના ઉનાવા ગામના યુવા સરપંચ સ્વખર્ચે ગ્રામજનોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા મેદાને પડ્યા ને સફળ પણ થયા 

અપના મિજાજ ન્યુઝ: સંજય જાની

       રાજ્યભરમાં રખડતા ઢોરને લઈને અનેક લોકોને ભારેથી અતિ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને ભૂતકાળમાં રાજ્યની વડી અદાલતમાં એક સુનાવણી કરવામાં આવી હતી અને અદાલત દ્વારા જે તે વિભાગ અને રાજ્ય સરકારને પણ આ દિશામાં નક્કર કામગીરી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ કહેવાય છે કે હજુ પણ રખડતા ઢોર મુદ્દે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થવી જોઈએ તેવી નક્કર કામગીરી કરવામાં જે તે જવાબદારો અને ખુદ રાજ્ય સરકાર ઉણી ઉતરતી દેખાઈ રહી છે. જોકે રાજ્યભરની ગ્રામ પંચાયતો, નગરપાલિકા, મહા નગરપાલિકા સહિતના જવાબદારો પ્રેરણા લઈ શકે તેવી કાર્યવાહી મહેસાણા જિલ્લાના ઉનાવા ગામના યુવા સરપંચે રખડતા ઢોર મુદ્દે કરી છે. યુવા સરપંચની આ કામગીરીને ઉનાવા ગામના રહીશોની સાથોસાથ સમગ્ર મહેસાણા જિલ્લામાં પણ નાગરિકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.
યુવા સરપંચ ચિરાગ વિષ્ણુભાઈ પટેલ
       મહેસાણા જિલ્લાના ઉનાવા ગામે થોડા સમય પૂર્વે રખડતાં ઢોરના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો હતો. જે ઘટનાને ગામના યુવા સરપંચ ચિરાગ વિષ્ણુભાઈ પટેલે ગંભીરતાથી લઈને રખડતાં ઢોરના કારણે અન્ય કોઈ વ્યક્તિ અકસ્માત કે ઇજાનો ભોગ ન બને તે માટે નક્કર પગલાં ભરવાનો સંકલ્પ લીધો હતો. ગામના સરપંચે ઢોરને રખડતા મુકતા માલિકો સાથે પ્રથમ ચર્ચા અને તે બાદ પણ ઢોર માલિકો દ્વારા દાદ નહીં આપવામાં આવતાં અંદાજે 13 લોકો સામે ઉનાવા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ પછી પણ ઢોર માલિકોમાં કોઈ ફરક નહીં દેખાતા આખરે રખડતા પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં રખડતા પશુઓનો આતંક અટકાવવા માટે ગામમાં ચોકી પહેરો ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જે કોઈ રખડતું ઢોર મળે તે ઢોરને પાંજરાપોળ સહિતની યોગ્ય જગ્યાએ પૂરી માવજતથી મૂકી દેવામાં આવતાં હવે ઉનાવા ગામ રખડતાં પશુથી મુક્ત ગામ તરીકેનું બિરુદ મેળવી ચૂક્યું છે. એટલું જ નહીં લોકો એવી પણ ચર્ચા કરે છે કે સત્તાધીશો ધારે તો શું ન કરી શકે? આમ, ૧૫ હજારની જન વસ્તી ધરાવતા ઉનાવા ગામના સરપંચે એક જ મહિનામાં રખડતાં ઢોર મુદ્દે પરિણામલક્ષી કામગીરી કરી બતાવતાં એક એક સાચા અને નિષ્ઠાવાન પ્રજા સેવક તરીકેની ખ્યાતિ પણ મેળવી છે.

રખડતા ઢોરના શીંગડે કલર કરી ઢોરના માલિકને શોધીને કાર્યવાહી કરવામાં આવી

    ઉનાવા ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે ગામમાંથી રખડતાં ઢોરનો આતંક દૂર કરવા માટે નક્કર પગલાં ભરવા જરૂરી લાગતાં જે કોઈ ઢોર ગામમાં રખડતું હોય તેના શીંગડે કલર કરી દેવામાં આવતો હતો. જે કલરના નિશાન વાળું ઢોર જેના પણ ઘરે જાય તે માલિકને પ્રથમ સમજાવટ અને બાદમાં કોઈ અસર ન દેખાય ત્યારે ઢોરને પાંજરાપોળમાં મોકલી રીઢા થઈ ગયેલા માલિકો સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવતા સમય જતા રખડતા ઢોરના આતંકથી ગ્રામજનોને મુક્તિ આપીને પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે.

ગામના અંદાજે 13 પશુપાલકો સામે કાનૂની રાહે પગલા ભરવામાં આવ્યા હતા

        ગામના સરપંચ દ્વારા રખડતા ઢોરથી ગ્રામજનોને કોઈ હાલાકી ન પડે તે દિશામાં નક્કર પગલાં ભરવા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રખડતા ઢોરના પશુ માલિકો સાથે બેઠક કરી સમજાવટથી કામ લેવામાં આવ્યું હતું. પરંતુ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ સમાધાનકારી વલણથી નહીં નીકળતા આખરે સરપંચે ગ્રામ સભામાં ‘રખડતા ઢોર નિયંત્રણ કમિટી’ની રચના કરી ઉનાવા પોલીસ મથકમાં પશુપાલકો સામે આઇપીસીની કલમ 289 મુજબ કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી હતી. જે બાદ કહેવાય છે કે ગામના અંદાજે 13 જેટલા પશુપાલકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉનાવા ગામના સરપંચની કામગીરી અન્ય સત્તાધીશો માટે પ્રેરણા રૂપ છે પણ જો નિષ્ઠાથી કામ કરવાની દાનત હોય તો!

      રખડતા પશુના કારણે ઉનાવા ગામમાં એક યુવાનને જીવ ગુમાવવો પડ્યો હોવાની બાબતને ગામના સરપંચે ગંભીરતાથી લઈને ગામના અન્ય લોકો આવી ઘટનાનો ભોગ ન બને તે ઉદ્દેશથી નક્કર કામગીરી કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ દિશામાં પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે એક કમિટીની રચના કરી સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરવામાં આવતા ખૂબ જ ટૂંકા ગાળામાં ઉનાવા ગામને રખડતા ઢોર થી મુક્ત કરી દેવામાં આવ્યું છે. જે કામગીરી ખરા અર્થમાં કહીએ તો રાજ્યના તમામ જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ્ય ક્ષેત્રમાં સત્તાધીશ બનીને ફાંકા ફોજદારી કરતા લોકો માટે પ્રેરણારૂપ છે. પરંતુ આ કામગીરી માટે સત્તાધીશોની સંપૂર્ણ ખરી નિષ્ઠાથી દાનત પણ સાફ હોવી એટલી જ જરૂરી બની રહે છે અને જો આમ થાય તો રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરી શકવામાં સારા પરિણામ મેળવી શકાય તેમ છે.

Related posts

કલોલ મહિલા સહાયતા કેન્દ્રની સરાહનીય કામગીરી

ApnaMijaj

કોણ હશે કલોલના “ઠાકોર સાહેબ”!

ApnaMijaj

કચ્છમાં અભ્યમની ‘ખુશ્બુ’એ પીડીતાની જીવન’રેખા’ બદલી

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!