ગાંધીનગરનું સખી વન સ્ટોપ સેન્ટર મધ્યપ્રદેશની મહિલા માટે સ્વર્ગ બન્યું
• 20 દિવસથી ગુમ મહિલાને હેમખેમ પરિવારને સોંપાઈ
• માનસિક સમતુલા ગુમાવી ચુકેલી મહિલા રખડતી મળી આવ્યા બાદ તેની સાર સંભાળ રાખવામાં આવી
• શારીરિક માનસિક રીતે થોડી સ્વચ્છ થયા બાદ સેન્ટરના સખીઓએ કાઉન્સેલિંગ કરી ચિત્ર સ્પષ્ટ કરાયું
ગાંધીનગર: અપના મિજાજ ન્યુઝ
ગાંધીનગર વિસ્તારમાં માનસિક સમતુલા ગુમાવી બેઠેલી એક મહિલા રઝડતી હોવાની વિગતો અભયમ 181 ને મળતા તેઓએ મહિલાનો કબજો લીધો હતો. બાદમાં ગાંધીનગર સ્થિત ‘પરખ ટ્રસ્ટ’ દ્વારા કાર્યરત કેન્દ્ર સરકારના સખીવન સ્ટોપ સેન્ટર ખાતે પીડિત મહિલાને લાવવામાં આવી હતી. જ્યાં તેની ‘માવતર’ની જેમ માવજત કરીને અહીંના મહિલા બાળ વિકાસ અધિકારી જીગર બી. જસાણી, દહેજ પ્રતિબંધક અધિકારી પૂજાબેન ડોડીયા પરખ ટ્રસ્ટ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક માધુરીબેન રાવલ સહિતનાઓએ તેમનું કાઉન્સેલિંગ કરતા મહિલા પરપ્રાંતીય ભાષા બોલતી હોઈ તમામ સ્ટાફે અત્યંત વાત્સલ્ય ભાવ દર્શાવીને તેમની પાસેથી જાણકારી પ્રાપ્ત કરી હતી.
ગાંધીનગર વિસ્તારમાં માનસિક અસ્થિરતા સાથે રઝડતી મહિલાની મદદે અભ્યમ આવ્યા બાદ અહીંની સખીવન સ્ટોપ સેન્ટરે તમામ સુવિધા આપ્યા પછી જે પ્રમાણે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તેનાથી તેમને જાણવા મળ્યું કે તે મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ગોહલપુર વિસ્તારના છે. જેથી શકી વન સ્ટોપ સેન્ટરના તમામ સ્ટાફે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક સાધી મહિલાની તમામ વિગતો તેમને મોકલીને આ અંગેની પુષ્ટિ કરાવતા તેમનો પરિવાર મળી આવ્યો હતો. ભોગ બનનાર મહિલાના પરિવારને ગાંધીનગર બોલાવી તમામ નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરીને મહિલાને તેના પરિવાર સાથે હેમખેમ પરત ઘરે મોકલી દેવામાં આવી હતી. આમ, ગાંધીનગર વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી માનસિક અસ્થિર મહિલા રખડતી ભટકતી મળી આવતા પ્રથમ અભયમ 181 ની ટીમ અને બાદમાં કેન્દ્ર સરકારની મહિલા અને બાળ વિકાસ પુરસ્કૃત અંતર્ગત કામ કરતી સખીવન સ્ટોપ સેન્ટરે માવતર જેવી માવજંત કરીને અથાગ મહેનત થકી રીતે અસ્થિર મહિલા ને આખરે તેના પરિવારજનોને સોંપીને પ્રેરણાદાયી કાર્ય કર્યું હોવાની બાબત ગાંધીનગર શહેર સમગ્ર જિલ્લામાં લોક દષ્ટિએ ઉડીને આંખે વળગ્યું છે.