મહેસાણા જિ.પં.ના સદસ્યા રાજીબેન ચૌધરી પ્રાથમિક શિક્ષણ સંઘની મનમાનીથી ‘રાજી’ નથી!
• સંઘના બંધારણીય નિયમ પ્રમાણે બે વર્ષ બાદ ચૂંટણી થવી જોઈએ જે કરાઈ નથી
• પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો ખુરશી પર ચીપકી રહ્યા છે તે સામે નારાજગી
મહેસાણા: અપના મિજાજ ન્યુઝ
મહેસાણા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની માન્યતા આપવામાં આવી છે. જે અંગે એક બંધારણ દ્વારા નીતિ નિયમો પણ ઘડવામાં આવ્યા છે. બંધારણીય નિયમો મુજબ પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી યોજીને પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવતી હોય છે. પરંતુ અહીં સત્તા ભૂખ્યા હોદેદારો તમામ નીતિ નિયમોને નેવે મૂકીને છેલ્લા બે વર્ષથી ચૂંટણી નહીં યોજી તેમને મળેલા હોદ્દા પર ફેવિકોલ લગાવીને ચીપકીને બેસી રહ્યા છે. જે બાબતને લઈને સંબંધિત લોકોમાં ભારે કચવાટ ઉભો થયેલો જોવા મળ્યો છે. જોકે આ અંગે જિલ્લા પંચાયતના મહિલા સદસ્યા રાજીબેન હસમુખભાઈ ચૌધરીએ બંધારણીય નિયમો અનુસાર છેલ્લા બે વર્ષથી વધુનો સમય વીતી ગયા બાદ પણ ચૂંટણી નહીં યોજાતા પોતાનો અ રાજીપો વ્યક્ત કર્યો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો અંગેની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવતી હોય છે અને આ અંગે બંધારણીય નિયમો ઘડીને દ્વીવાર્ષિક ટર્મ સુધી જે તે ઉમેદવારો ચૂંટણી જીત્યા પછી પોતાને મળેલા હોદ્દાની સત્તા ભોગવી શકે છે. બે વર્ષ પૂર્ણ થઈ ગયા પછી પુન: ચૂંટણી યોજીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોદ્દેદાર તરીકે વરણી કરવામાં આવે છે.ગત તા. 25 ડિસેમ્બર 2019 ના પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી યોજવામાં આવી હતી. જેની અવધી ગત તા. 24 ડિસેમ્બર 2021ના પૂર્ણ થઈ ગયેલ છે. તેમ છતાં પણ બંધારણીય નિયમો અનુસાર નવી ચૂંટણી યોજવામાં આવી નથી. જે અંગે પ્રકાશ પાડતા સવાલા બેઠકના જિલ્લા પંચાયતના સદસ્યા રાજીબેન હસમુખભાઈ ચૌધરીએ જિલ્લા પંચાયતની આગામી તા. 13 જુલાઈ 2023ના યોજાનારી સામાન્ય સભામાં પોતાના પ્રશ્નને સમાવિષ્ટ કરવા સભાના અધ્યક્ષને સંબોધીને એક પત્ર લખ્યો છે.
જિલ્લા પંચાયતના સદસ્યાએ લોકશાહીના પારદર્શક વહીવટ માટે સંઘના નિયમો અનુસાર શિક્ષક સંઘની ચૂંટણી યોજી ચૂંટાયેલા સભ્યો દ્વારા હોદ્દેદારોની નિમણૂક કરી પારદર્શક વહીવટ કરવામાં આવે તેવી માગણી પણ ભારપૂર્વક કરી છે. જોકે જિલ્લા પંચાયત સંકુલમાં એક હવા એવી પણ ઊડી છે કે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા માન્યતા આપવામાં આવેલ પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોને હોદ્દો છોડવો ગમતો નથી એટલે મનસ્વી રીતે વર્તન કરતા રહ્યા છે. જાણકારો તો એમ પણ કહે છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી પણ પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોને પીઠબળ પૂરું પાડી રહ્યા છે. જોકે આ બધી ચર્ચાઓમાં કેટલી સત્યતા છે એ તો આગામી સમયમાં ત્યારે જ ખબર પડે જ્યારે જિલ્લા પંચાયતના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ બંધારણીય જોગવાઈ મુજબ શિક્ષણ સંઘની ચૂંટણી યોજી પારદર્શક વહીવટ માટે પોતાની ‘દાનત’ સાફ હોવાનું સાબિત કરી બતાવે.