ભુજના એક પત્રકારે પોતાના facebook એકાઉન્ટ પર પોતાના અંગત વિચાર લખી મૂક્યા તો પોલીસે અટકાયત કરી
• પોતાનું અંગત મંતવ્ય લખ્યું એમાં એલસીબીની ટીમે પત્રકારની અટકાયત કરી કે પછી કોઈના ઈશારે કરાવાઈ તે અંગે ભેદભરમ
અપના મિજાજ ન્યુઝ: સંજય જાની
ભુજમાં રહેતા એક પત્રકારે પોતાના facebook એકાઉન્ટ પર પોતાના અંગત વિચાર રજૂ કરતી એક પોસ્ટ વહેતી મુકતા પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઇ સહિતની ટીમને અડધી રાત્રે શૂરાતન ઉપડ્યું અને પોસ્ટ મુકનાર પત્રકારની અટકાયત કરી તેમને એલસીબી કચેરીમાં લાવીને પોસ્ટ મુદ્દે પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ પત્રકારે પણ તેમણે મૂકેલી પોસ્ટ તેમનો અંગત વિચાર હોવાની બાબત એલસીબીના પીઆઇ સમક્ષ ઉજાગર કરી હોવાનું કહેવાય છે. સામે પોલીસે પણ પત્રકારે મૂકેલી પોસ્ટ સંવેદનશીલ હોવાની વાત કરી હોવાના આક્ષેપ સામે આવ્યા છે. જોકે પત્રકારની અટકાયત પોલીસે પોસ્ટ સંવેદનશીલ હોવાના મુદ્દે કરી કે પછી કોઈના ઈશારે કરી તે અંગે હજુ ભેદભરમ છે. એટલું જ નહીં પોલીસે પત્રકારના ફેસબુક એકાઉન્ટને બ્લોક કરી પોતાની બહાદુરી બતાવી છે. જેની સામે પત્રકારે પણ જો તેમની facebook આઇડી અનબ્લોક કરવામાં નહીં આવે તો અદાલતના દ્વાર ખખડાવવાની વાત કરતા આજે તા.5 જુલાઈના સાંજના સમયે પોલીસે પત્રકારની ફેસબુક આઇડી અનબ્લોક કરી દીધી હોવાના વાવડ પ્રાપ્ત થયા છે. જોકે પોલીસે પત્રકાર સામે કરેલી કાર્યવાહીને લઈને અન્ય પત્રકારોમાં પણ પોલીસ પ્રત્યે ભારે રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે.
સમગ્ર બાબત ઉપર પ્રકાશ પાડતા પત્રકાર ઈશ્વરગર વિશ્રામગર ગોસ્વામીએ કહ્યું હતું કે પોતે ગત તા. 04 જુલાઈની રાત્રે બાર વાગ્યાના અરસામાં તેમની બહેનના ઘરે હતા ત્યારે પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ કર્મચારીઓ ત્યાં ધસી આવ્યા હતા અને તેઓને ત્યાંથી લઈ જઈ એલસીબીની કચેરીએ લાવ્યા હતા. જ્યાં પશ્ચિમ કચ્છ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ વીવી ભોલાએ તેઓને કહ્યું હતું કે તમે તમારા ફેસબુક આઇડી ઉપર જે પોસ્ટ મૂકી છે તે સંવેદનશીલ છે. તેમ કહી મોબાઇલ પડાવી લઈને facebook આઇડીમાંથી પોસ્ટ ડીલીટ મારી facebook એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. જોકે સમગ્ર બાબતે પત્રકાર ઈશ્વરગરે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકને એક અરજી લખીને પોતે પોતાના ફેસબુક આઇડી પર મૂકેલી પોસ્ટ અંગે કોઈએ ફરિયાદ કરી હોય કે તેમના વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હોય તે બાબત ચકાસી પોલીસે કયા કારણોસર તેમની અટકાયત કરી હતી તે અંગે પણ તપાસ કરીને કાર્યવાહી કરવા માગણી કરેલ છે.