કલોલમાં કોઈ તમને પૂછે કે ‘કાજલ ને ઓળખો છો તો કહી દેજો ના બાપા ના….’ નહીં તો બરડો રંગાઈ જશે !
• પાલિકામાં આધાર કાર્ડ કાઢવાનું કામ કરતા અમિત ઠાકોરને પાંચ શખ્સો ધોકા વળે ફરી વળ્યાં
• ગંભીર રીતે ઘાયલ થયેલા અમિત ઠાકોરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
• કલોલના એક યુવક સામે નામ જોગ અને અન્ય ચાર અજાણ્યા હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ
અમદાવાદ: સંજય જાની
કલોલ નગરપાલિકામાં આધાર કાર્ડ બનાવવાની કામગીરી કરતા અમિત ઠાકોર નામનો યુવક કચેરીમાંથી ચા પીવા માટે નજીકમાં આવેલી જીઈબી ઓફિસ પાસે ગયો હતો. જ્યાં તેની પાસે પાંચ જેટલા સક્ષો આવ્યા હતાં. જેમાંથી એકે તેને પૂછ્યું કે તું કાજલ ને ઓળખે છે? ને અમિતે કહ્યું કે હા…. બસ આટલું સાંભળતા જ પાંચેય વ્યક્તિ સાથે લાવેલા ધોકા જેવા હથિયાર વડે અમિતને ફરી વળ્યા અને તેને ઊંધો પાડીને તેની પીઠ પર એક પછી એક અનેક ઘા ફટકારતા રહ્યા… જોકે થોડી વારમાં જ આ ઘટનાને લઈને લોકોના ટોળા એકત્રિત થઈ જતા હુમલાખોરો નંબર પ્લેટ વગરની એસેન્ટ કારમાં ભાગી છૂટ્યા હતાં. જે બાદ અમિત ઠાકોરના મિત્રો ત્યાં આવી જતાં તેઓ તેને પ્રથમ શહેરની સરકારી અને બાદમાં ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા.
ઘટના અંગે અમિત ઠાકોરે શહેરના જ વિજય દેસાઈ નામના વ્યક્તિ સહિત 4 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે દોડ લગાવી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી કલોલના શહેરી વિસ્તારમાં સામાન્ય બાબતોમાં તકરાર સર્જાતી રહે છે. જેમાં લુખ્ખા તત્વો ઘાતક હથિયારો સાથે લઈ ફરતા હોઈ તકરાર સમયે તેનો ઉપયોગ કરીને સામેની વ્યક્તિને ગંભીરથી અતિ ગંભીર ઇજાઓ પહોંચાડી રહ્યા છે. એટલું જ નહીં અમુક કિસ્સામાં હત્યા જેવા બનાવો પણ ભૂતકાળમાં બની ચૂક્યા છે. જેથી શહેરીજનો એવું માની રહ્યા છે કે શહેરમાં ક્યાંય પણ સુરક્ષા જેવી બાબત લાગુ પડતી નથી. સામાન્ય બાબતમાં પણ ઘાતક હુમલાની ઘટનાઓને લઈને શહેરમાં ભયનું વાતાવરણ ફેલાયેલું જોવા મળી રહ્યું છે.
• કેન્દ્રીય ગૃહ મંત્રીના મતવિસ્તારના મહત્વના તાલુકા મથક કલોલમાં પોલીસ નામનું કોઈ અસ્તિત્વ જ ના હોય તેવી છાપ
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહના મતવિસ્તારમાં આવતા મહત્વના તાલુકા મથક કલોલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મારામારી, હત્યા, ચોરી સહિતની ઘટનાઓએ માઝા મૂકી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. જેને લઈને અહીં રહેણાંક ધરાવતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં નાની નાની બાબતોમાં ઘાતક હથિયારો ખેંચી લેતા લુખ્ખા તત્વો ‘પોલીસ’ નામના કાયદાના રક્ષકોથી જાણે ડરતા જ ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોક ચર્ચા એવી પણ છે કે શહેરમાં પોલીસ નામનું કોઈ અસ્તિત્વ ન હોય તેવી છાપ ઊભી થયેલી જોવા મળી રહી છે. જેને લઈને સ્થાનિક ધારાસભ્ય કે પછી કેન્દ્રીય ગૃહ મંત્રીની પણ પકડ પોલીસ પ્રશાસન ઉપર ના હોય તેવું જનતા માની રહી છે.
• શહેર પોલીસ સ્ટેશનનો ડિટેકશન સ્ટાફ ગુના ડિટેક્ટ કરવામાં ઓછો પણ ટેબલ નીચેની આવક ઊભી કરવાના કામમાં અવ્વલ
શહેર પોલીસ મથકમાં કાર્યરત ડિટેકશન સ્ટાફ સિવિલ ડ્રેસમાં આખાયે ગામમાં ફાંકા ફોજદારી કરતો ફરતો રહે છે. પરંતુ જાણકારો કહે છે કે ભૂતકાળમાં જેટલા પણ ગંભીરથી અતિ ગંભીર ગુનાઓ શહેરમાં બન્યા છે તેમાં અંન ડિટેક્ટ ગુનાઓ ઉકેલવામાં ડિટેકશન સ્ટાફે સમ ખાવા પૂરતી પણ એક કામગીરી કરી નથી. ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર સ્થિત સ્થાનિક ગુના શોધક શાખા અથવા તો એસઓજી જેવી એજન્સીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. કલોલ શહેર પોલીસ સ્ટેશન નો ડિટેકશન સ્ટાફ ગુનાઓ ડિટેક્ટ કરવામાં ઓછો પરંતુ ટેબલ નીચેની આવક ક્યાંથી રળી ખવાય તેની શોધમાં જ આખો દિવસ ભટકતો હોવાનું જનતા કહી રહી છે. જોકે શહેર પોલીસ મથકનો ડિટેકશન સ્ટાફ માન્યતા પ્રાપ્ત છે કે નહીં તેની સામે પણ શંકાઓ ઉઠી છે. જેની પણ ઉચ્ચ અધિકારીઓએ ખરાઈ કરવી જોઈએ. તેવું પણ જનતા કહી રહી છે.