Apna Mijaj News
Other

૨૧ જૂને ગુજરાતીઓ ‘યોગમય’ બનશે!

સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સવા લાખ નાગરિકો યોગાભ્યાસમાં જોડાઇ વિશ્વ વિક્રમ સર્જશે : યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી : સાંસદ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

• વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૬.૪૦ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે : જેનુ જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે

ગુજરાતના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે: રાજ્યભરમાં યોજાનારા કાર્યક્રમોમાં રાજ્યમંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો ઉપરાંત વિવિધ પદાધિકારીઓ સહિતના મહાનુભાવો સહભાગી થશે

• રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી

રાજ્ય કક્ષાના સુરત ખાતેના કાર્યક્રમમાં જોડાવવા માટે ગઈ કાલે જાહેર કરાયેલી ઓનલાઇન લિંક ઉપર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

ગાંધીનગર: અપના મિજાજ ન્યુઝ 

યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આગામી તા.૨૧મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સવા લાખ નાગરિકો એક સાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાઇ વિશ્વ વિક્રમ સર્જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ રાજ્યકક્ષાની ઉજવણીમાં સાંસદ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. એટલુ જ નહિ, વડાપ્રધાન  નરેન્દ્ર મોદી સવારે ૬.૪૦ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે, જેનુ જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરવામાં આવશે.
    મંત્રીશ્રી ઉમેર્યુ કે, વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ ની થીમ પર ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં Y જંકશન થી SVNIT સર્કલ -૪ કિ.મી સુધી, Y જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ – ૪ કિ.મી સુધી, તેવી જ રીતે Y જંકશનથી સુરત એરપોર્ટ ગેટ – ૪.૫ કિ.મી સુધી મળી પ્રતિ ૧ કિમી આશરે ૧૦,૦૦૦ નાગરિકો એટલે કે ૧,૨૫,૦૦૦ નાગરિકો કુલ ૧૨.૫ કિમી પાથ પર આ યોગાભ્યાસમાં સહભાગી થશે. નોંધનીય બાબત છે કે, રાજ્ય કક્ષાના સુરત ખાતેના કાર્યક્રમમાં જોડાવવા માટે ગઈ કાલે જાહેર કરાયેલી ઓનલાઇન લિંક ઉપર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.
       મંત્રી સંઘવીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે થશે, સવારે ૬.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અંદાજે સવા લાખથી વધુ લોકો સહભાગી થશે. મુખ્યમંત્રી શ્રી સવારે ૬.૩૦ કલાકે સુરતથી રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે.દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૬.૪૦ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે, જેનુ પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે. તે ઉપરાંત મહાનુભાવોના હસ્તે પુસ્તક વિમોચન કર્યા બાદ યોગ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે. યોગ બોર્ડના ચેરમેનશ્રી દ્વારા કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવવામાં આવશે. સમગ્ર વિશ્વ વિશાળ જન ભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે ગુજરાતના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી મંડળનાસભ્યો, સાંસદશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાથી અસરગ્રસ્ત તાલુકાઓમાં આ કાર્યક્રમના આયોજન કરાયા નથી. આ તાલુકાઓના નાગરિકો સ્વૈચ્છિક રીતે યોગાભ્યાસમાં જોડાઈ શકશે.
      મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુદ્રઢ માર્ગદર્શન હેઠળ રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.રાજ્યના ૩૩ જિલ્લાઓના જે ૭૫ સ્થળોની પસંદગી કરાઈ છે તેમાં ૧૦ જેટલાં ઐતિહાસિક સ્થળો, ૭ જેટલાં ધાર્મિક સ્થળો,૧૭ જેટલાં પ્રવાસન સ્થળો, ૩૩ જેટલાં જિલ્લા અને મહાનગરપાલિકાના સ્થળો અને ૮ તાલુકા મથકોના સ્થળની પસંદગી કરવામાં આવી છે.
        રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ,મહાનગરપાલિકાઓની સાથોસાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા પોલીસ સ્ટેશનો સહિત તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે. મંત્રીશ્રી એ કહ્યું કે, નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રાજ્યભરમાં ભવ્ય અને વિશાળ સંખ્યામાં થાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ભારતીય સંસ્કૃતિ યોગનું મહત્વ વડાપ્રધાનશ્રીનું યોગને વૈશ્વિક ફલક પર લાવવા અંગેનું યોગદાન તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગેની માહિતી અપાઇ રહી છે, યોગની જાગૃતિ માટે પ્રભાત ફેરી, શૈક્ષણિક સમય દરમિયાન યોગ અંગેની ચિત્રકલા સ્પર્ધાનું આયોજન, BISAGના માધ્યમથી વિધાર્થીઓને કોમન યોગ પ્રોટોકોલની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
      એ જ રીતે પંચાયત વિભાગ દ્વારા મુખ્ય માર્ગો પર ગામના તમામ લોકો દ્વારા યોગ યાત્રા યોજીને એક જગ્યાએ સૌ ભેગા થઈ સંકલ્પ કરે તે માટેનું આયોજન કરાયુ છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરેક PHC/CHCમાં OPD સમયે યોગના મહત્વ અંગે માર્ગદર્શન અપાશે.આશા વર્કર્સ, આંગણવાડી બહેનો દ્વારા યોગ નિદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરાયુ છે. જ્યારે ગૃહ વિભાગ દ્વારા બાઈક રેલીના માધ્યમથી યોગ અંગેની જાગૃતિ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું

Related posts

આજે વિશ્વ મહિલા દિન: કલોલમાં નારીનો ‘સથવારો’ એટલે મહિલા સહાયતા કેન્દ્ર

ApnaMijaj

કડીના ટાવરે લગાવેલો તિરંગો ચર્ચાના ચગડોળે

ApnaMijaj

ટાટા મોટર્સે ડિસેમ્બરમાં વ્હીકલનું જોરદાર કર્યું વેચાણ, સ્થાનિક વેચાણમાં કુલ 10%નો ઉછાળો

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!