Apna Mijaj News
'ખબર' કોની 'ખબર' લઈ નાખશે?

કચ્છના જળસ્ત્રાવ વિકાસ એકમનો ‘એક્કો’ કોણ?

નેતાઓએ કચ્છની પ્રજા ‘ખમીરવંતી’ છે તેવા ભાષણ આપી પાણી ચઢાવે રાખ્યું ને બારાતુ ઠેકેદારો આખેઆખા તળાવો, ચેકડેમ ગળી ગયાં!

મિ. મુખ્યમંત્રી, કચ્છના નેતાઓનું કંઈ ઉપજતું નથી એટલે તો બારાતુ અધિકારીઓ બળુકા બની બેઠા છે હવે તમે ‘રખેવાળ’ બનીને આવો તો સારું!

જળસ્ત્રાવ વિકાસ એકમના અધિકારી મન ફાવે તેને નોકરી ઉપર બેસાડી દે ને એ કર્મચારી કચ્છની જનતાનો બાપુજી હોય એ રીતે વર્તે, આ છે વિનોદ!

• પહેરણના ચાર ગાભા થેલામાં નાખી નોકરી કરવા આવેલા બારાતુઓ ભ્રષ્ટાચાર આચરી કરોડોમાં રમતા થઈ જાય ને ખમીરવંતી નેતાઓ ચૂપ થઈને બેસી રહે, આ તે કેવો વિનોદ?

જળસ્ત્રાવ કૌભાંડ: ભાગ ૦૩

અમદાવાદ: સંજય જાની

        કચ્છ જિલ્લાના જળસ્ત્રાવ વિકાસ એકમ એટલે જાણે અહીં નોકરી કરતા કે આ માધ્યમથી જળ સંબંધીત કામગીરીનો કોન્ટ્રાક્ટ રાખતા ઠેકેદારો માટે રૂપિયાની નોટો છાપવાનું કારખાનું હોય તેવી એક પછી એક વિગતો પ્રકાશમાં આવતી જાય છે. કચેરીનો એકમાત્ર અધિકારી આખાય વિભાગનો એક્કો હોય તેવું નથી. પરંતુ માસિક ૨૦ થી ૨૫ હજાર રૂપેડી પગાર ખાતો 11 મહિનાના કરાર આધારિત મહેશ જેવો નોકર પણ કચ્છની જનતાનો બાપુજી બનીને કચેરીનો ‘એક્કો’હોય તેવું વર્તન કરતો થઈ જાય છે, અને થઈ તો જાય જ ને! કારણ કે અહીંના નેતાઓનું વહીવટી તંત્રમાં કંઈ ઉપજતું ન હોય તો પછી બારાતુ અધિકારીઓ- કર્મચારીઓ ‘બળુકા’બની બેસે એમાં કંઈ નવાઈ જ નથી. જોકે આ બધી પરિસ્થિતિ જોઈને જ હવે તો કચ્છની જનતા રાજ્યના મુખ્યમંત્રી પર આશ રાખીને બેઠી છે કે, જિલ્લાના જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા જનતા લાભાર્થે કોઈ કામ થતા નથી માત્ર ને માત્ર વિભાગમાં કામ કરતા લોકોનો જ વિકાસ થાય છે એટલે હવે તેઓ ‘રખેવાળ’ બનીને આવે તો સારું!
જાણવા મળેલી માહિતી પ્રમાણે કહેવાય છે કે, જળ સંબંધીત કાર્યો થકી કચ્છના ખેડૂતો અને માલધારીઓનું જીવન ધોરણ ઊંચું આવે તેવા ઉદ્દેશથી સરકારે જળસ્ત્રાવ વિકાસ એકમ જેવા રૂપકડા નામથી એક વહીવટી કચેરી ખોલીને અનેક યોજનાઓ અમલમાં મૂકી જિલ્લામાં જળ સંબંધીત કાર્ય આરંભ્યું છે. જોકે જિલ્લામાં કાર્યરત જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા નક્કર કોઈ કામગીરી કરાવતી ન હોવાના અનેક આક્ષેપો સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, ગ્રામ પંચાયત, તાલુકા- જિલ્લા પંચાયત, ધારાસભ્યો અને સાંસદ સુધી ફરિયાદ રૂપી રજૂઆતો કરવામાં આવેલી છે. જોકે રજૂઆતકર્તાને સ્થાનિક નેતાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક સાથ સહકાર નહિ મળતા ગાંધીનગર સ્થિત વડી કચેરીઓ અને જે તે વિભાગના મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી સુધી રાવ લોકોએ પહોંચાડી છે. પરંતુ કોઈ તેમની રજૂઆત સાંભળતું નથી તેવી વ્યથા પણ ઉભરાતી જોવા મળી છે.
તસવીર પ્રતિકાત્મક છે
      જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને આ વિભાગ માટે કામ કરતાં કોન્ટ્રાક્ટરો દ્વારા જે તે તાલુકાના ગામડાઓમાં સમિતિઓ બનાવીને જળ સંબંધીત કામગીરી કરાઈ હોવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. પરંતુ જનતાનું માનીએ તો કચેરીની ફાઈલોમાં દબાયેલા કાગળો ઉપર જે પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરાઈ હોવાના અહેવાલો લખી તે સંદર્ભે થયેલા ખર્ચના બિલો નીચે સહી સિક્કા લગાવીને કોન્ટ્રાક્ટરોને નાણાંનું ચુકવણું કરી દીધાના અધિકારીઓના હકારાત્મક અભિપ્રાયો ભરેલા છે. જે તમામ બાબતો અંગેની વાસ્તવિકતાઓ સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી જે તે કામના સ્થળો ઉપર ચકાસવામાં આવે અને તેનો સંપૂર્ણ સચોટ અહેવાલ મુખ્યમંત્રી કાર્યાલય મોકલી વિગતો અપાય ને દાનત સાફ રાખીને કાર્યવાહીના આદેશ છૂટે તો જળસ્ત્રાવ વિકાસ એકમમાં ફરજ બજાવતા કંઈ કેટલાય ભ્રષ્ટાચારીઓને ડૂબી મરવા માટે કૂવો, અવાડો કે ઊંડું તળાવ શોધવા જવું પડે.

કચ્છની જનતાના ઉદ્ધાર માટે ગાંધીનગરથી સરકારે રૂપિયા વહેતા કર્યા પણ….

    કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જળ સ્ત્રોત થકી અહીંની ખાસ કરીને ખેડૂત અને માલધારી પ્રજાના ઉદ્ધાર કરવા માટે સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. એટલું જ નહીં પરંતુ અહીં જળ સ્ત્રાવ વિકાસ એકમ નામની કચેરી પણ કાર્યરત કરવામાં આવી છે. જે કચેરી દ્વારા કચ્છના ખેડૂતો, માલધારીઓ સહિતના પ્રજાજનોને જળ સ્ત્રોતનો અભાવ ન રહે તે માટે સરકારના આદેશ અનુસાર કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા તે કામગીરી માત્ર અને માત્ર કાગળ ઉપર દર્શાવી કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી છે. જનતા તરફથી આક્ષેપ એવા પણ થઈ રહ્યા છે કે રાજ્ય સરકાર પ્રજાના હિત માટે ગાંધીનગરથી રૂપિયાનો ધોધ વહેવડાવે છે. પરંતુ અહીંના સ્થાનિક રાજનેતાઓ સાથે ઘરોબો ધરાવતાં જે તે વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને તેમના મળતીયા કોન્ટ્રાક્ટરો ગાંધીનગરથી વહેતા આવતા સરકારી રૂપિયા પાવડો લઈને પોતાના ઘર તરફ વાળતાં રહ્યા છે. જોકે આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવેલી છે પરંતુ સંતોષકારક કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાની જાગૃત લોકો ફરિયાદ કરી રહ્યા છે.
ભ્રષ્ટાચારથી ભેગી કરેલી નોટો ‘ભાઈબંધ’ પર ન્યોછાવર

જળ સ્ત્રાવ વિકાસ એકમમાં રાજનેતા સાથે ‘યાર’જેવો સંબંધ ધરાવતા લોકોને ઘી કેળાં

       કચ્છ જિલ્લાના જળસ્ત્રાવ વિકાસ એકમના મુખ્ય અધિકારી કોના ઇશારે કેવું કામ કરે છે તે તો જ કચ્છની જનતા સારી રીતે જાણે છે. કહેવાય છે કે વિભાગના અધિકારી રાઠોડે સરકારના તમામ નીતિ નિયમો નેવે મૂકીને અહીંના સ્થાનિક યુવા રાજનેતાના ‘યાર’ ગણાતા પ્રકાશ પટેલને જળસ્ત્રાવ વિકાસ એકમમાં મહત્વના પદ પર નોકરી ઉપર ગોઠવી દીધો હતો. જ્યાં રહીને પ્રકાશ પટેલે પેટ ભરીને ઘી કેળા ખાવામાં કોઈક અસર છોડી ન હોવાના આક્ષેપો છાશવારે ઉઠતા રહ્યા છે. એટલું જ નહીં રાજનેતા અને કચેરી અધિકારીની મહેરબાનીથી વિભાગમાં કરાર આધારિત નોકરીમાં જોડાયેલો પ્રકાશ પટેલ કચ્છની અરજદાર જનતાને ડારા ડફારા કરવામાં પણ પાછી પાની કરતો ન હોવાની હવા ઉડી હતી. જોકે, કોઈ એક જાગૃત નાગરિક દ્વારા માહિતી મેળવવાના અધિકારનો ઉપયોગ કરી તેની નિમણુક અંગે ખુલાસો માગતા પ્રકાશને જળસ્ત્રાવ વિકાસ એકમમાંથી છૂટો કરવાની ફરજ પડી હતી.
મામુલી પગારદાર ‘ભાઈબંધ’ને ખુશ કરવા નોટોની થોકડીઓ લાવ્યો ક્યાંથી? જનતામાં સવાલો તો ઊભા થવાના જ!

ચાર ગાભા સાથે લઈ જળસ્ત્રાવ વિભાગમાં નોકરીએ આવેલા બારાતુઓ કરોડોમાં રમતા થઈ ગયા!

       કચ્છ જિલ્લામાં કાર્યરત થયેલ જળસ્ત્રાવ વિકાસ એકમમાં 20 થી 25 હજાર રૂપિયાના માસિક વેતનથી નોકરી કરવા રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પહેરણના ચાર ગાભા સાથે લઈને આવેલા લોકો તમામ નીતિ નિયમો નેવે મૂકીને વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓનો હાથ પકડી કરોડો રૂપિયામાં રમતા થઈ ગયાં હોવાની વાત સત્યથી વેગળી હોય તેવું લાગતું નથી. જળસ્ત્રાવ વિકાસ એકમના નોકરો ભ્રષ્ટાચાર આચરી માલામાલ થઈ ગયા અને કચ્છની પ્રજાની સ્થિતિ ઠેરની ઠેર રહી હોવાના પુરાવા વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સામે થયેલી ફરિયાદ રૂપી રજૂઆતોમાંથી મળી રહે છે. એટલું જ નહીં પરંતુ કચ્છ ભાજપના સ્થાનિક નેતાઓ તમામ પરિસ્થિતિઓથી વાકેફ હોવા છતાં પણ ચૂપ થઈને બેસી રહ્યા છે ત્યારે પ્રશ્ન થાય કે કચ્છની જનતા સાથે આ તે કેવો ‘વિનોદ’ છે?

Related posts

શું નેતાઓ જનતાને ઉલ્લુ સમજે છે?

ApnaMijaj

સતલાસણા તાલુકો ભ્રષ્ટાચારનો ગઢ

ApnaMijaj

નરોડા પોલીસ પ્રજાની મિત્ર નથી!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!