જો નિષ્ઠાથી તપાસ થાય તો જળ સ્ત્રાવ વિકાસ એકમના કથિત તમામ કૌભાંડીઓનું ‘જળ’ રેલાતા વાર નહીં લાગે
બોલો, કચ્છ જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના નોડલ અધિકારી મહેશને વર્ષ 2015માં હાંકી કઢાયો હતો ને પાછો ગોઠવી પણ દેવાયો: છે ને વિનોદ!
• જળસ્ત્રાવ વિકાસ એકમમાં 11 મહિનાના કરારથી નોકરી કરતા મહેશ પટેલના વૈભવી ઠાઠની વિગતો મુખ્યમંત્રીને આધાર પુરાવા સાથે મોકલાઈ
•જળ સ્ત્રાવ વિકાસ એકમની યોજના સરકારે કચ્છની જનતાના હિત માટે બનાવી હતી કે પછી મહેશ જેવા કર્મચારીના ઘર ભરવા?
જળ સ્ત્રાવ કૌભાંડ: ૦૨
અમદાવાદ: સંજય જાની
કચ્છ જિલ્લામાં કાર્યરત જળસ્ત્રાવ વિકાસ એકમ કચેરીમાં નોડલ અધિકારી તરીકે માસિક મામૂલી રકમમાં નોકરી કરતા મહેશ પટેલે વર્ષ 2014- 15માં કોઈ કૌભાંડ આચર્યું હતું. જેને લઈને અહીંની એક સંગઠન સંસ્થાના એક કાર્યકરે દેકારો મચાવી કાર્યવાહીની માગણી વિભાગના અધિકારીઓ પાસે કરી હતી. જે અંગે ગાંધીનગર સ્થિત જળ સ્ત્રાવ વિકાસ એકમની વડી કચેરીએ સમય પારખીને તાત્કાલિક અસરથી 11 મહિનાના કરારથી નોકરી કરતા મહેશ પટેલને ઘર ભેગો કરી દીધો હતો. જે બાદ આજ દિન એટલે કે વર્ષ 2023 સુધી જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ કચ્છ જિલ્લામાં કોઈ ઉમેદવારની ભરતી કરવામાં આવી નથી. તેમ છતાં વર્ષ 2014-15 માં તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટો કરી દેવાયેલો મહેશ પટેલ આજે પણ જળસ્ત્રાવ વિકાસ એકમમાં તેના પદ પર પાછો ગોઠવાયેલો જોવા મળી રહ્યો છે. જે અંગે ભુજના કૌશિક ડી પટેલે મુખ્યમંત્રીને એક પત્ર લખીને મહેશ પટેલને પુનઃ જળસ્ત્રાવ વિકાસ એકમમાં કયા નિયમ અનુસાર અને કોની ભલામણથી લેવામાં આવ્યો તેની તપાસ કરવા સાથે તેના વૈભવી ઠાઠની વિગતો પણ આધાર પુરાવા સાથે મોકલીને સમગ્ર કૌભાંડની નિષ્ઠાથી તપાસ કરાવવા માગણી કરવામાં આવી છે.
મુખ્યમંત્રીને ઉદેશીને લખાયેલા પત્રમાં અરજદારે પોતાની વાત રજૂ કરતા કહ્યું છે કે, કચ્છ જિલ્લાના જળસ્ત્રાવ વિકાસ એકમમાં નોડલ અધિકારી તરીકે નોકરી કરતા મહેશ પટેલ પોતાના તેમજ મળતીયાઓના નામે કન્સ્ટ્રક્શન કંપની ઉભી કરીને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જળ સંબંધીત કામોના ટેન્ડરો મેળવી લે છે. એટલું જ નહીં પરંતુ જળ સંબંધીત કામો માત્ર કાગળ ઉપર બતાવીને સરકારી નાણા પોતાના ઘરમાં ભરીને વૈભવી ઠાઠ ભોગવી રહ્યો છે. જેના સંપૂર્ણ કૌભાંડની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો અનેક લોકોના પગ નીચે રહેલો આવે તેમ હોવાની બાબત પત્રમાં રજૂ કરવામાં આવી છે. એટલું જ નહીં અરજદારે પત્રમાં એવી પણ રજૂઆત કરી છે કે મહેશ પટેલ અને તેમના મળતીયાઓ સામે આકરા પગલાં ભરી જળ સંબંધીત વિકાસ કામો થકી ઉચાપત કરેલી સરકારી નાણાંની રકમ વસૂલાત કરી તેને તાત્કાલિક અસરથી જળ સ્ત્રાવ વિકાસ એકમમાંથી છૂટો કરવો જોઈએ.
• નોડલ અધિકારીએ આટલી મિલકતો વસાવી હોવાની રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી
અરજદારે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જળસ્ત્રાવ વિકાસ એકમ કચેરીના નોડલ અધિકારી મહેશ પટેલે ભુજ નજીકના માધાપર પાસે આશરે 6 કરોડમાં ‘ધ ફન રેસીડેન્સી’, મોરબી તાલુકાના ટંકારા ગામની સીમમાં આશરે 21 કરોડમાં ‘ફેબિક્સ પોલીપેક’નામની કંપની, કચ્છના કાળી તલાવડી ગામમાં ચાઇના ક્લેની ખાણ, અન્ય આલીશાન ત્રણ બંગલા, પાંચ વૈભવી કાર, ભુજ તેમજ માધાપર ની આજુબાજુમાં 45 એકરના ફાર્મ હાઉસ, માધાપરના ઓધવબાગ-૧માં બે કરોડની કિંમતના 600 વારનો પ્લોટ લઈ અંદાજિત 4.35 કરોડની આલિશાન હવેલી, સરસપર કચ્છની સીમમાં 100 એકર જમીન વસાવ્યા છે.
•કૌભાંડ સત્યથી ભરપૂર ઉજાગર થશે તો કેટલા લોકોની ‘લાલ‘ થઈ જશે?
કચ્છ જિલ્લાની જળસ્ત્રાવ વિકાસ એકમ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓની કથિત મીલી ભગતથી કૌભાંડ આચારવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવે છે ત્યારે એક પ્રશ્ન એ જરૂર થાય કે અહીં 11 મહિનાના કરાર પર માત્ર 23 હજાર રૂપિયાની માસિક પગારની નોકરી કરતો કર્મચારી કરોડોની સંપત્તિમાં કઈ રીતે રમતો થઈ ગયો? જો અરજદારની રજૂઆત ઉપર વજન મૂકીને સરકાર દ્વારા સંપૂર્ણ નિષ્ઠાથી તપાસ કરવામાં આવે તો કઈ કેટલાય લોકોની ‘તુંબલી’ (ટાલ) લાલ થઈ જાય તેમ હોવાનું કચ્છની જનતામાં ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં લોકો તો એમ પણ કહી રહ્યા છે કે જળ સ્ત્રાવ વિકાસ એકમ નામની કચેરી ખોલીને સરકારે જે યોજનાઓ આપી છે તે કચ્છની જનતાના હિત માટે આપી છે કે પછી મહેશ પટેલ જેવા કર્મચારીના ઘર ભરવા માટે?